બગોદરા-ધંધુકા હાઈવે ભારે વરસાદના પગલે બંધ કરાયો

618

છેલ્લા એક સપ્તાહથી રાજયભરમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગઇકાલે પણ અમદાવાદ શહેર અને જિલ્લાના પંથકોમાં જોરદાર અને ભારે વરસાદ નોંધાતા આસપાસના પંથકો અને હાઇવેના માર્ગો પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેમાં બગોદરા-ધંધુકા હાઇવે પાણીમાં ગરકાવ બનતાં પોલીસે આ હાઇવે વાહનવ્યવહાર માટે બંધ કરાવ્યો હતો. ભારે વરસાદના કારણે ધંધુકાનું ઝીંઝર તળાવ પણ ફાટયું હતું અને તેના કારણે આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. બીજીબાજુ, ભારે પાણી ભરાતાં રાજકોટ-ધોલેરા હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો. ધોળકા પાસે ફેદરા-વટામણ ચોકડી હાઇવે પર પાણી ફરી વળતાં ભાવનગર તરફનો રોડ બંધ થયો હતો. અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં વિરોચનનગરમાં કેનાલ તૂટતાં આસપાસના સો વીઘા ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભારે વરસાદ નોંધાયો હતો. બાવળા હાઇવે પણ બેથી ચાર ફુટ સુધીના પાણી ભરાયા હતા, જેને પગલે હાઇવે બંધ કરાયો હતો. વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે વડોદરા શહેરના કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા છે. જોકે હાલ વિશ્વામિત્રીની સપાટી ઘટીને ૨૯.૫૦ ફૂટ થઇ છે અને આજવા ડેમની સપાટી ઘટીને ૨૧૧.૯૫ ફૂટ થઇ છે. જોકે ગત મોડી રાતથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો ન થતાં લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જોકે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદુ બન્યુ છે. તો, સુરતના ઉકાઇ ડેમના ૧૩ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં  પડેલા જોરદાર વરસાદના કારણે ઉકાઇ ડેમની સપાટી ૩૩૭ ફુટ પર પહોંચી હતી અને તેથી ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેને પગલે તાપીમાં પણ નવા નીરની આવક વધી હતી. સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાતાં ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફલો થયો હતો અને રેવા નદી બે કાંઠે વહેતી થઇ હતી.

મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં વરસાદી માહોલ વચ્ચે ડેમની આવકમાં વધધટ જોવા મળી હતી. છેલ્લા બે દિવસથી થઈ રહેલા વરસાદથી કડાણા ડેમની કુલ સપાટી ૧૨૭.૭૧ મીટર છે જ્યાં હાલની સપાટી ૧૨૫.૪૮ પહોંચતા જળસંગ્રહના ૮૦ ટકા થઈ ગયો છે. જેથી ઉમરેઠનાં ૬, આણંદનાં ૬, બોરસદનાં ૧૨ અને આંકલાવનાં ૧૨ ગામોને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયા હતા. સમગ્ર મહિસાગર જિલ્લામાં વરસાદ અને ઉપરવાસમાં થયેલ વરસાદને કારણે પાછલા બે દિવસમા કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો.

જે એક સમય માટે પાણીની આવક ૨ લાખ ક્યુસેક સુધી પહોંચી ગઈ હતી અને ડેમમાં પાણીની સપાટી ગત ૪૮ કલાકમાં ૧૫.ફૂટ વધીને હાલ ૪૧૧.૮ફૂટે પહોચી ગઈ છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લાના માણાવદર પાસે આવેલા સણોસરા ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. માણાવદર તાલુકાના સણોસરા ગામે પરપ્રાંતીય મજૂર પરિવારના બે બાળકો ડૂબી જતાં તેમના મોત થયા હતા.તળાવમાંથી બંને બાળકોના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કઢાયા હતા. બનાવને પગલે પરિવારમાં શોકનો માતમ પથરાઇ ગયો હતો.

Previous articleભારે વરસાદના કારણે એસટી બસની ૧૯૮૮ ટ્રીપ બંધ, લાખો રૂપિયાનું નુકસાન
Next articleગુજરાતમાં ભારે વરસાદનું જોર ઘટ્યુ