ખાડા પુરવા માટે હવેે ગુડા તંત્ર અકસ્માતની રાહ જોઈ રહયું છે!

0
150

ગાંધીનગર શહેરની બહાર ન્યુ ગાંધીનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા માર્ગો બનાવવામાં આવ્યા છે પરંતુ છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન પડેલા વરસાદના કારણે આ માર્ગો ઉપર જમીન બેસી જવાના કારણે મોટા ખાડા પડયા છે. વરસાદ રોકાઈ ગયાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં ગુડા તંત્ર જાણે આ ખાડા પુરવા માટે અકસ્માતની રાહ જોઈ રહયું હોય તેવું લાગી રહયું છે. આ વિસ્તારના વસાહતીઓ પણ સતત અકસ્માતના ભયે વાહનો હંકારી રહયા છે.

રાજયના પાટનગર ગાંધીનગર શહેરની બહાર ન્યુ ગાંધીનગર વિકસી રહયું છે ત્યારે ગુડા દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરીને આ વિસ્તારના વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે. રીંગરોડથી માંડી અંદરના આંતરિક માર્ગો બનાવી દેવાયા છે પરંતુ યોગ્ય પુરાણના અભાવે માર્ગો ઉપર મસમોટા ખાડા થઈ ગયા છે. ગાંધીનગરમાં છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન પડેલા વરસાદની અસર આ માર્ગો ઉપર જોવા મળી રહી છે પરંતુ વરસાદ રોકાઈ ગયા બાદ પણ ખાડા પુરવાનો તંત્ર પાસે સમય નથી.

એટલું જ નહીં હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેનો નિકાલ કરાયો નથી. રિલાયન્સ ચાર રસ્તાથી કુડાસણ જવાના માર્ગ ઉપર આ ખાડામાં અકસ્માત થવાની જાણે કે ગુડા તંત્ર રાહ જોઈ રહયું હોય તેવું લાગી રહયું છે. એટલું જ નહીં પાણી ભરાઈ રહેવાના કારણે આ વિસ્તારના વસાહતીઓને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની પણ શક્યતા જણાઈ રહી છે. ત્યારે ગુડા તંત્રએ હવે આળસ ખંખેરીને કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા આ ખાડા પુરવાની કામગીરી સત્વરે શરૂ કરી દેવી જોઈએ. આંતરિક માર્ગોની સાથે રીંગ રોડ ઉપર શાહપુર સર્કલ નજીક જ મોટો ખાડો પડયો છે. જે હજુ પણ પુરવામાં આવ્યો નથી.

આ માર્ગ ઉપર રોજના હજારો વાહનો પસાર થઈ રહયા છે. વિવિધ કામો માટે ખોદકામની પ્રવૃતિ બાદ યોગ્ય પુરાણના અભાવે આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમ છતાં બેજવાબદાર કોન્ટ્રાકટરો સામે પગલાં ભરવામાં આવતાં નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here