પાટણના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૨૫ લાખ પડાવનાર યુવતી સહિત ૭ને પોલીસે દબોચી લીધા

698

શહેરના બિલ્ડરને મકાન લેવાના બહાને હની ટ્રેપમાં ફસાવી યુવતી સહિત છ શખ્સોએ ૨૫ લાખ પડાવ્યા હતા. આ અંગે શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક માહી નામની યુવતી અને અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે કેસ સોલ્વ કરી લીધો હતો અને બે મહિલા સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. તેમજ બિલ્ડર પાસેથી પડાવેલા રૂપિયા રિકવર કર્યા હતા.

શહેરના રહીશ ડાહ્યાભાઇ પટેલ(૫૯)નો એક દીકરો કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. ગત ૨૮ જુલાઇના રોજ ડાહ્યાભાઇના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને હું માહી બોલું છું, મારે મકાન ખરીદવાનું છે તેથી અજયે તમારો નંબર આપેલ છે તેવી વાત કરી હતી. અજય પટેલ તેમની સાઇટ પર કામ કરતો હોઇ તેણે નંબર આપેલ હશે તેમ માની લીધું હતું. ૨૯ મીએ ફરી ફોન આવેલો અને રાણકપુરની હોવાની ઓળખ આપી હતી. તે પછી તેઓ વચ્ચે એકબીજાના પરિચિતોની ઓળખની આપ-લે થઇ હતી.

૩ ઓગસ્ટે ડાહ્યાભાઇ સમી પ્રાંત કચેરીમાં કામે જઇ રહ્યા હતા ત્યારે માહીએ તેમને હારીજ કોર્ટ પાસે બોલાવ્યા હતા. તેઓ ગાડી લઇને જતાં લાલ કલરનો ડ્રેસ અને સફેદ ઓઢણીવાળી સ્ત્રી તેમની ગાડીમાં બેસી ગઇ હતી અને મારે મકાન લેવાનું હોઇ પાટણ ગાડી લઇ લેવા જણાવી ચાણસ્માથી સબંધીને લેવાના હોવાનું કહેતાં ડાહ્યાભાઇએ કાર ચાણસ્મા તરફ લીધી હતી. કેનાલ આવતાં તેણીએ ગાડી કેનાલ સાઇટ રોડ પર લેવડાવી હતી. અડધો કિમી દૂર જતાં પાછળથી બીજી સફેદ ગાડીમાં આવેલા શખ્સોએ મારી છોકરીને કયાં લઇ જાય છે તેમ કહી ઝપાઝપી કરી કારમાંથી નીચે ઉતારી ડાહ્યાભાઇને પાછલી સીટમાં બેસાડી દીધા હતા.

માહી પણ કારમાં બેસી ગઇ હતી.પાછળ બેઠેલા બે શખ્સોએ છરી બતાવી કપડાં કઢાવી નાખ્યા હતા અને આગળની સીટમાં બેઠેલા એક શખ્સે વીડિયો ઉતારી તેમના દીકરાને મોકલી આપવાની, બળાત્કારની ફરિયાદમાં ફસાવી દેવા તેમજ હાથ પગ બાંધી કેનાલમાં નાખી દેવાની ધમકી આપી ૫૦ લાખની માંગણી કરી ૨૫ લાખમાં વાત ફાઇનલ કરી હતી. દરમિયાન તેઓ ભાભર ખાતે પહોંચી ગયા હતા. છેવટે ડાહ્યાભાઇએ મુંબઇ તેમના સબંધીને ફોન કરી ભાભરની ધારા આંગડીયા પેઢીમાં રૂ. ૨૫ લાખ હવાલાથી મંગાવ્યા હતા જે નાણાં આ શખ્સોએ મેળવી લીધા બાદ બધા થરા પહોંચી ગયા હતા. જોકે તેઓએ જે તે વખતે ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ. આ દરમિયાન મહેસાણાના કડીમાં આવી ઘટના પ્રકાશમાં આવતાં અને આરોપી પકડાઇ જતાં તેઓએ આખરે ઘરના સભ્યોને હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી.

અપહરણકારોએ ડાહ્યાભાઇ ની સોનાની વીંટી રૂ. ૩૦૦૦૦ અને રૂ. ૮૮૦ કાઢી લીધા હતા. જોકે કાર અને મોબાઇલ પાછા આપી દીધા હતા.જતી વખતે ગાડીમાં ડીઝલ પુરાવવા રૂ. ૨૭૦ આપતા ગયા હતા. ડાહ્યાભાઇ ગાડી લઈ ઘરે આવી ગયા હતા પણ ફરીયાદ દાખલ કરાવી નહોતી.

Previous articleભાદરવી પૂનમને લઈ દર્શનના સમયમાં વધારો, મંદિર સવારે ૬.૧૫થી રાતના ૧.૩૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે
Next articleરાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ જાહેર, ગુજરાતના ૧૩ પોલીસ અધિકારી-જવાનોને ચંદ્રક એનાયત કરાશે