સત્તા અને સંપત્તિ ઇશ્વરના લાડકા સંતાનને મળે છે

608

ઘરમાં કમાતો દીકરો અથવા દીકરી મા-બાપને ખૂબ જ વહાલા હોય છે, પરંતુ આળસુ દીકરા-દીકરી કોઈ પણ મા-બાપ માટે માથાનો દુઃખાવોવો હોય છે, તે વાત સૃષ્ટિના પિતાને પણ લાગુ પડે છે. ઉત્તમ કર્મ બજાવી જે લોકો ભગવાનની બનાવેલી દુનિયાને દીપાવે છે. તેને ભગવાન મદદ કરતા હોય છે. આમ તો પ્રાણીમાત્ર પોતાનું કર્મ કરતા હોય છે. સૂક્ષ્મ જીવો પણ બીનચૂક કર્મ-ધર્મ બજાવે છે, પણ આ બધા જીવોમાં માણસ પોતાની પસંદગી મુજબનું કર્મ બજાવી શકે છે. તેથી તેને કર્મબંધન સૌથી વધુ બંધનકર્તા બને છે. બીજાને દુઃખી કરે તેવા ખોટા કર્મોનું ફળ માણસને ભોગવ્યા વિના છોડતું જ નથી. જોકે સારા કર્મોનું ફળ પણ તેને અવશ્ય મળતું હોય છે. તેથી દરેક મનુષ્યએ સારા કર્મફળની પૂંજી જમા કરવા યત્નશીલ રહેવું જોઈએ. કારણ માનવ અવતાર ધારણ કરનાર જીવાત્મા પુણ્ય કમાઈ પોતાનું કલ્યાણ કરી શકે છે. અનેક દુઃખો ભોગવ્યા પછી આપણને મૂલ્યવાન માનવદેહ પ્રાપ્ત થાય છે. ગાફેલ રહેશો તો મળેલી સોનેરી તક એળે જશે. ભાથામાંથી છૂટેલું તીર પરત ફરતું નથી, તે યાદ રાખવા જેવું છે. નિશાન તાક્યા વિના ચલાવેલું તીર પરિણામ આપી શકતું નથી. શિકાર છટકી જાય છે. દુશ્મન ભાગી છુટવામાં સફળ થાય છે. મળેલી માનવ જિંદગી પણ એક તીર સમાન યોગ્ય કર્મ બજાવામાં નિષ્ફળ જવાથી નકામી પુરવાર થાય છે, માટે ચેતવાની જરૂર છે. વારંવાર માનવ અવતાર મળતો નથી, ત્યારે કોઈ કવિની પંક્તિ મને યાદ આવે છે.

“ચેતી જા, ચેતી જા, માનવ જરા તારું કોણ છે?’… તારું કોણ છે!

સગા ને સંબંધી સ્વાર્થના સગા છે,

અંતકાળે તો એકલા જવાનું, સમજી જા તું, આવ્યા છે કિનારા સમજી જા તું, આવ્યા છે કિનારા…

“ચેતી જા, ચેતી જા, માનવ જરા તારું કોણ છે?’… તારું કોણ છે!

હે માનવ, જરા ચેતી જા. આ દુનિયામાં તારું કોઈ નથી. સગાસંબંધી બધા જ સ્વાર્થના સગા છે. અંતકાળે તો એકલા જ જવાનું છે. કર્મનો કોઈ સંગાથી બનતો નથી. એટલે કે પાપનો કોઈ ભાગીદાર થવા તૈયાર થતો નથી. તેથી કોના માટે તું ખોટું કરી અનીતિનું ધન ભેગું કરે છો? જેના માટે તું ધન કમાવા કાળાં-ધોળાં કરી રહ્યો છો. તે કોઈ તારા પાપનો ભાગીદાર થવાનો નથી. વાલિયા લૂંટારાને તેના કુટુંબીજનોએ કહી દીધું હતુ. ‘જે પાપ કરે તે ભોગવે. અમે તેમાં કોઈ ભાગીદાર થવાના નથી.’ વાલિયો બધું જ સમજી ગયો. તે વાલિયો મટી વાલ્મીકિ બની ગયો. આ વાર્તા મને અને તમને જગાડવા માટે શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવી હશે. પણ આપણે તેને કદી વાર્તાથી વધુ જાણી નથી. તેમાં કોને દોષ આપવો? કોઈ પણ પાપ આપણે કરતા ખચકાતા નથી. તેનું કારણ આપણે વાલિયાની જેમ અજ્ઞાન અને ગેરસમજના કાટમાળ નીચે દબાયેલા છીએ. આપણે એમ માનીએ છીએ કે આત્માને કોઈ દુઃખ સહન કરવાનું નહિ આવે. આત્મા તો અજર અમર છે. વળી ભોગ તો શરીર ભોગવે છે. તેથી સુખ કે દુઃખનું બંધન શરીરને જ લાગુ પડે છે. આત્માને શું નાવા-નિચોવાનું હોય? આ સમજ આપણા માટે ઘાતક નીવડી શકે છે. આપણે જાણીએ છીએ કે આગ લાગે ત્યાં સૂકા પાછળ લીલું પણ બળીને ખાખ થઈ જાય છે. દુર્જનનો સંગ કરો તો દૂરગામી પરિણામો આપણે પણ સહન કરવા પડે છે. કુસંગ ચારિત્રવાન માણસને પણ ભરખી જાય છે. તેથી દરેક માણસે કુસંગી લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.

આવું આપણે જો કરી શકીશું તો ઇશ્વરના લાડકા સંતાન બની શકીશું. ઇશ્વરના તમે એક વખત લાડકા સંતાન બની જશો તો સુખ અને સંપત્તિ તમારી પાસે દોડતા આવશે. પણ તેના મોહમાં તમે ફસાય જશો તો દુઃખી થઈ જશો. અન્યના હિતમાં મળેલી સંપત્તિ વપરવાના બદલે અંગત સ્વાર્થ સાધવા તેનો ઉપયોગ કરવા લાગશો, તો તમારું અધઃપતન થશે. તમે સંસાર-સાગરમાંથી પાર ઊતરવાની નાવ મળવા છતાં કાંઠે આવી ડૂબી મરશો. બધા જીવોમાં માણસને ભગવાને પોતાનું કલ્યાણ કરી શકે તેવી બુદ્ધિ આપી છે. તેથી મારે અને તમારે બુદ્ધિ રૂપી મળેલા ધનનો ઉપયોગ આત્મકલ્યાણના માર્ગે આગળ વધવા કરવો જોઈએ.

આત્મકલ્યાણ માટે ભેખધારણ કરવાનો એકમાત્ર માર્ગ નથી. ભેખધારણ કર્યા પછી પણ કેટલાક સાધુ-સંતો માયામાં ફસાઈ નીચે પટકાતા હોય છે. મને એક બહુ મોટા સાધક સંતનું ઉદાહરણ યાદ આવે છે.

એક જંગલમાં મહાત્મા ઘોર તપશ્ચર્યા કરી રહ્યા હતા. વર્ષોથી સંસારનો ત્યાગ કરી, તેઓ ઘરેથી નીકળી ગયા હતા. સંત મહાત્મા લોકોથી છૂટવા જંગલમાં વસવાટ કરી રહ્યા હતા. તેને સોનુ-ચાંદી કે ધન-દોલતનો કોઈ મોહ રહ્યો ન હતો. વૃક્ષ નીચે બેસી તેઓ ભગવાનની આરાધના કરતા રહેતા હતા. એક વખત શિયાળાની ઋતુમાં ભારે ઠંડી પડી. પવનના સુસવાટાના લીધે મહાત્માની દાઢી થર-થર ધ્રૂજવા લાગી. મહાત્મા વિચારવા લાગ્યા. ઠંડીથી બચવા કોઈ ઉપાય કરવો પડશે. મહાત્માને એક ઉપાય મળી ગયો. તેમણે જંગલમાંથી ઘાસ-પાંદડા અને વૃક્ષની ડાળીઓ ભેગા કર્યા. તેની એક પર્ણકુટી તૈયાર કરી. મહાત્મા તેમાં બેસી ભક્તિ કરવા લાગ્યા. મહાત્માને ઠંડીથી રક્ષણ મળ્યું. મહાત્મા હવે શાંતિથી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. થોડા સમયબાદ પર્ણકુટીમાં થોડા ઉંદરોનો ઉપદ્રવ શરૂ થયો. ઉંદરો મહાત્માની લંગોટ અને વસ્ત્રો કાપવા લાગ્યા. મહાત્મા ફરી વિચારોમાં ખોવાયા. ઉંદરોને દૂર કરવાનો કોઈ ઉપાય શોધવો પડશે. આખા જંગલમાં ભલે રખડવું પડે. આનો ઇલાજ તો કરવો જ પડશે. મહાત્મા એક બિલાડી શોધી લાવ્યા. બિલાડી ઉંદરોના દર પાસે બાંધવામાં આવી. બે-ત્રણ દિવસમાં ઉંદરોનો નાશ થઈ જતા. પર્ણકુટીમાં ઉંદરો દેખાતા બંધ થઈ ગયા. મહાત્મા રાજીના રેડ થઈ પુનઃ ભક્તિમાં લાગી ગયા. બે-ત્રણ દિવસ વળી પસાર થઈ ગયા. એક દિવસ મહાત્માની દૃષ્ટિ બાંધેલી બિલાડી પર સ્થિર થાય છે. બિલાડી ટૂંટિયું વળી પડી હતી. આજ મરશે કે કાલ! ઘડીઓ ગણાતી હોય તેવો મહાત્માને અહેસાસ થયો. મહાત્મા ચિંતામાં પડી ગયા. તેને થયું કે લાવ જંગલમાં જઈ તેના માટે ખાવાનું કશુંક લઈ આવું. મહાત્મા પર્ણકુટીમાંથી જંગલમાં નીકળી પડે છે. રસ્તામાં તેને એક ગાયોનો ગોવાળ, ગાયોના ધણ સાથે મળે છે. તેજસ્વી પ્રતિભા ધરાવતા મહાત્માના ચરણોમાં ગોવાળ દંડવત પ્રણામ કરી મહાત્માના આશીર્વાદ માગે છે. ગોવાળ મહાત્માને પૂછે છે- ‘હું આપની શી સેવા કરી શકું?’ મહાત્માઃ ‘તું મને એક ગાય આપ. ગાયનું દૂઘ હું રોજ મારી બિલાડીને પીવડાવીશ. જેનાથી મારી બિલાડી જીવતી રહેશે.’ ગોવાળે સૌથી વધુ દૂઘ આપતી ગાય મહાત્માને દાનમાં આપી. મહાત્માએ ગોવાળને આશીર્વાદ આપી વિદાય કર્યો. સંત મહાત્માએ ગાયનું દૂઘ એક પડિયામાં દોહીને બિલાડીને પાયું. બિલાડી ધીમે-ધીમે ચેતન આવતા રુષ્ટપુષ્ટ થવા લાગી. બીજી તરફ ગાય અને તેના વાછરડાની સંભાળ માટે બાપુને ચિંતા સતાવવા લાગી. બાપુ દિવસે દિવસે ભક્તિથી વિમુખ બનવા લાગ્યા. બધુ જ છોડી. બાપુ અર્થાત્‌ મહાત્મા તો ગાયની સારસંભાળના કામે લાગી ગયા. ગાય અને તેની વાછરડી માટે એક ઘાસની ઝૂંપડી તૈયાર કરી. તાજું ઘાસ ગાયને રોજ મળી રહે તે માટે તેણે આસપાસની જમીન સમતલ કરી ખેતી લાયક બનાવી. તેમણે એક ખેતર તૈયાર કર્યુ. બાપુ અર્થાત્‌ મહાત્મા ખેતી કરવા લાગ્યા. પછી તેણે એક વધુ ખેતર પણ તૈયાર કર્યું. નવા ખેતરને ખેડી તેમાં પણ જુદા-જુદા અનાજનું વાવેતર કર્યું. પાક મબલક પાક્યો. રાજાના થોડા માણસો જંગલમાં તપાસ કરવાના હેતુથી નીકળ્યા. તેની નજરે પેલા પાકથી ઝૂમતાં ખેતરો ચડ્‌યા. તેમણે તપાસ કરી ખેતરના માલિક મહાત્માને શોધી કાઢ્યા. રાજનો કર વસૂલવા માણસોએ મહાત્મા પાસે માગણી કરી. પાંચમા ભાગની ઊપજ કર પેટે વસૂલવામાં આવી. મહાત્માનું નામ રાજના ચોપડે ચડી ગયુ. દર વર્ષે મહાત્માને કર પેટે પાંચમા ભાગની ઊપજ રાજમાં જમા કરાવવી પડતી હતી. જંગલમાં સતત બે વર્ષ સુધી એક ટીપુંય વરસ્યું નહિ. કર રાજમા શી રીતે જમા કરાવવો? મહાત્મા વિચારોમાં દિગ્મૂઢ બની ગયા. રાજમાંથી મહાત્માને હાજર રહેવાનું કે’ણ મોકલવામાં આવ્યું. રાજદરબારમાં ભરી સભામાં મહાત્મા સામે ખટલો ચાલ્યો. સુનાવણી થઈ. મહાત્માને નગ્ન અવસ્થામાં નગરમાં ફેરવી, ૧૦૦ સોટીનો માર મારી કર નહિ ભરવાની શિક્ષા કરવામાં આવી. મહાત્મા જો ક્ષમા માગવા તૈયાર ન થાય તો વધુ ૧૦૦ સોટીનો માર મારવામાં આવે – તેવો હુકમ આપી, આખા નગરમાં ઉઘાડા શરીરે મહાત્માને ફેરવવામાં આવ્યા. પછી તેને જેલમાં પૂરવામાં આવ્યા. આમ, એક ત્યાગી મહાત્માને પણ મોહ કેટલી યાતના આપે છે? માટે મોહમાં ફસાતા પહેલા હજારવાર વિચાર કરો.

મહાત્માને ભક્તિરૂપી વૈભવ સજાવા ઘોર જંગલરૂપી સંપત્તિ આપી હતી. ભક્તિમાં કોઈ અવરોધ ન આવે તેવી નીરવ શાંતિ પણ આપી હતી. મહાત્માને શરીર સાચવવાનો મોહ થયો. તેને ઊભા થયેલા ઉંદરરૂપી અવરોધને ખાળવા વધુ મોહ જાગ્યો. તેના માટે તેમણે બિલાડી પાળી, તેના ભરણપોષણ માટે તેમણે ગાય વસાવી. ગાયની સંભાળ અને ખોરાક માટે વળી મહાત્માને મોહ જાગ્યો. તેમણે આ માટે ખેતી કરવાનું શરૂ કર્યુ. આગળ જતા મહાત્માને તે ભારે પડ્‌યું. હું અને તમે સુખ અને સંપત્તિ મળે છે, ત્યારે તેના રક્ષણ અને સલામતી માટે એક પછી એક માયારૂપી જાળમાં ફસાવા લાગીએ છીએ. તમે કદાચ લાડકા બાળકોનો અભ્યાસ કરશો તો પણ તમને તે બાળકો મહાત્માની જેમ ભીંત ભૂલી લાડકોડમાં પોતાનું બાળપણ વેરવિખેર કરતા જોવા મળશે. તમને તેમાના કેટલાક બાળકો કારકિર્દીવિહોણા નજરે ચડશે. આવા બાળકો ‘ધોબીના કૂતરાની માફક-નહિ ઘરના કે નહિ ઘાટના- થઈ જતા હોય છે’ માતા-પિતાના અતિ લાડકોડના કારણે ઘણા બાળકો ભણવામાં ધ્યાન આપતા નથી. પરિણામે અધૂરી કેળવણીના લીધે તેઓ ક્યાંય સ્થાપિત થઈ શકતા નથી. પેલા મહાત્માની જેમ સંસારત્યાગ કરીને પણ મોહમાં અટવાયીઈ રાજાની શિક્ષા ભોગવવા મજબૂર બનવું પડે છે. તેમ અઢળક સંપત્તિ ધરાવતા સંતાનો પણ કુસંગી બની નશીલા પદાર્થોનું સેવન કરતા થઈ જાય છે. નકામા લોકોના રવાડે ચડી બરબાદ થઈ જાય છે.

લાડકા હોવું કોઈવાર શાપરૂપ પણ નીવડી શકે છે. માટે આપણે મળેલી સત્તા અને સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા શીખવું જોઈએ. સત્તા અર્થાત્‌ શક્તિ અને સંપત્તિ અર્થાત્‌ આપણને પ્રાપ્ત થયેલ ધન. સત્તા કે સંપત્તિ આપણને કદી સુખી કરી શકતા નથી. તેથી તેની પાછળની દોટ નિરર્થક છે. મહાત્માને ભક્તિ સુખ પ્રાપ્ત થયા પછી પણ મોહ જાગ્યો. મોહના લીધે તે એક પછી એક માયાના બંધનમાં ફસાતા ગયા. આખરે તેને રાજાની શિક્ષાનો ભોગ બનવું પડ્‌યું. મને અને તમને કાર્યભક્તિનો સમન્વય ભગવાન જરૂર કરાવે છે, પણ હું અને તમે તેના માલિક બનવા વધુ ને વધુ માયાનો પ્રપંચ રચવા લાગીએ છીએ. આમ થવાથી આપણે ઇશ્વરકૃપાના પ્રસાદથી વંચિત રહીએ છીએ. એટલે આપણે ત્યાં કહેવાય છે. “તારા બધા જ લાડ વેરાઈ જશે’ માટે કહ્યા મુજબ કામ કર. સુખ અને સંપત્તિ મેળવનારે ફુલાવાની જરૂર નથી. તેણે તો તે સંપત્તિ અન્યના કલ્યાણ માટે વહેતી મૂકી દેવાની હોય છે. પરમાર્થે ખર્ચેલી સંપત્તિ વ્યક્તિને ખરું સુખ આપે છે. માનવતાના પ્રદેશમાં વ્યક્તિએ ઊંગવુ હોય, ઊગીને મહેકવું હોય, તો સુખરૂપી છોડ પર ખીલી નીકળેલા સમૃદ્ધિરૂપી પુષ્પો બની અન્યના આનંદ માટે મહેકી ઊઠો. તમારી મૂડીની સુવાસનું સામ્રાજ્ય પાથરી દો. કોઈ પણના હાથે ચુટી શકાય તેવી તમારી સંપત્તિરૂપી મૂડી ઇશ્વરને પ્રસાદરૂપી ધરી દો. પીડિતોના આંગણાની શોભા બનવાનું ચૂકશો નહિ. તમારું આ સમર્પણ ઇશ્વરનો પેગામ બની જશે.

ઇશ્વરનો સ્નેહ તમને જરૂર લાડ લડાવતો જ રહેશે. શરત માત્ર એ જ છે, તમે તમારું સુખ, તમારી સંપત્તિ બીજાના વિકાસ માટે વાપરતા રહો. તમારા પ્રારબ્ધનો ખજાનો વધતો રહેશે. એક સમયે તમે દેવત્વને પામશો. તમે દેવલોકના અધિપતિ બનશો.

વાચક મિત્રો,  યાદ આખજો સત્તા કે સંપત્તિ ઇશ્વરના લાડકા સંતાનને મળે છે. માટે ઇશ્વરની સૃષ્ટિને શોભાવવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે.

Previous articleરોટરેકટ કલબ દ્વારા સ્વાતંત્ર્ય દિન ઉજવાયો
Next articleવિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો