સૌરાષ્ટ્ર-ઉ. ગુજરાતમાં મેઘ મહેર : ૭ ઇંચ વરસાદ

589

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મોનસુન જોરદારરીતે સક્રિય થયું છે. જુદા જુદા ભાગોમાં મેઘમહેર યથાવત રહેતા જનજીવન ઉપર તેની અસર થઇ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઉલ્લેખનીય વરસાદ થયો છે. આઠ ઇંચ સુધીનો વરસાદ એકંદરે નોંધાયો છે. બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૯૪ તાલુકાઓમાં વરસાદ થયો છે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદ થયો છે. બીજી બાજુ અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ તરફથી અકબંધ રાખવામાં આવતા તંત્ર પણ સાબદુ બનેલું છે. પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેતા વાતાવરણમાં ઠંડકની સાથે સાથે તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. સોમનાથ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં સાત ઇંચ સુધીનો વરસાદ થઇ ચુક્યો છે. તળાળામાં કલાકોના ગાળામાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે જ્યારે માણવદરમાં અઢી ઇંચ સુધીનો વરસાદ થયો છે. જામજોધપુરમાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે. જુનાગઢમાં માળિયાહાટીનામાં ચાર ઇંચથી પણ વધુ વરસાદ પડતા અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આવી જ રીતે પોરબંદરના રાણાકંડોરણામાં છ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે. ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જારી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. રાજ્યમાં હજુ સુધી ૧૦૦ ટકાથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદ જારી રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે, નવસારી, વલસાડ, દિવ-દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઇ શકે છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગરમાં પણ ભારે વરસાદ પડવાની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી ચુકી છે.

હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં વરસાદી માહોલ હાલ અકબંધ રહી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં ગોંડલ, ધોરાજી, કચ્છ સહિતના ૯૪ તાલુકાઓમાં ઉલ્લેખનીય વરસાદ નોંધાઈ ગયો છે. ઉત્તર કેરળના દરિયાઈ વિસ્તારમાં રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ જિલ્લામાં તા.૯ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ અસર રહેશે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં સરેરાશ ૩૩.૮૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સિઝનનો કુલ ૧૦૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ચોથી વખત ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડ્‌યો છે. જેમાં સૌથી વધુ વર્ષ ૨૦૧૩માં ૧૪૭.૨૪ ટકા ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષમાં પ્રથમવાર ૧૦૦ ટકા વરસાદ થયો છે. ભારે વરસાદ વચ્ચે જુદા જુદા ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. અનેક ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજકોટમાં ભાદર ૨ ડેમ ઓવરફ્‌લો થતાં ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા  હતા.  સુરતનો ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. કચ્છ જિલ્લાના અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્‌લો થયો છે. આજવા ડેમની સપાટી ૨૧૨.૮૫ ફૂટે પહોંચતા ફરી ઓવરફ્‌લો થયો હતો.  વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતા વડોદરાવાસીઓમાં ફરીથી પૂરનો ભય જોવા મળી રહ્યો છે. ભાદર-૨ ડેમ છલોછલ થતા હેઠળ આવતા ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દરમિયાન મોડી રાત્રે મળેલી માહિતી મુજબ ગીર પંથકમાં પાંચથી સાત ઇંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

Previous articleકઠોર ટ્રાફિક નિયમના સંદર્ભે મળનારી બેઠક મુલતવી રહી
Next articleરાજ્યભરમાં કોંગો ફિવરથી હજુ સુધી પાંચના થયેલા મોત