ગુજરાતમાં મેઘતાંડવઃ સૌથી વધુ ઉમરપાડામાં ૧૬ ઇંચ

0
260

ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં જ સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ ૧૬ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, તો કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા હાઇ-વે બંધ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે એ જોતાં અતિવૃષ્ટિની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

વહેલી સવારથી જ શરુ થયેલા વરસાદે અમદાવાદ શહેરને બે કલાકમાં જ ધમરોળી નાંખ્યું હતું. સવારે ૯ વાગ્યાની આસપાસ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને ૯.૩૦થી ૧૦.૩૦ સુધી ગાજવીજ અને ધડાકાઓ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એક કલાકમાં જ ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

અમદાવાદ પૂર્વના જશોદાનગર, સરસપુર, ગોમતીપુર, મણિનગર ઉપરાંત પશ્ચિમના સેટેલાઈટ, શિવરંજની, બોપલ, શીલજ સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એસજી હાઈવેનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અનેક વાહનોમાં પાણી ભરાઈ જતાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા.

અમદાવાદમાં સોમવારે મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અમદાવાદમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. ત્યાર બાજ કડાકા-ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો. લો વિઝિબિલિટીના કારણે સવારે ઓફિસ જવા માટે નિકળેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી જિલ્લામાં અને દમણ-દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં અનરાધાર વરસાદ થતાં ઠેર ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે અને આજે સવારથી વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે.

મણિનગર વિસ્તારમાં આવેલો દક્ષિણી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાતા સર્કલ નજીક આવેલા ખોડિયાર માતાના મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યું હતું. ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસીગ બોર્ડની સોસાયટીઓમાં ઘરના ઓટલાઓ સુધી પાણી ભરાયા હતાં. ઘોડાસર પુનિત રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા હતાં. ઈસનપુરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મણિનગર જવાહર ચોક નજીક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મણિનગર ગોરના કુવા વિસ્તારમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા જોકે આ માર્ગ પર શારદાબેનની વાડીથી કેનાલ સુધી વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નાખવામાં આવી હતી પરંતુ લાખોના ખર્ચ બાદ પણ ખરા સમયે પાઈપલાઈન ચાલુ ન કરાતા વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આ વરસે મેઘ કૃપા થતા રાજ્યના ૩૩ પૈકીના ૨૨ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન મુજબ ઉત્તર ગુજરાતને બાદ કરતા દક્ષિણ, મધ્ય તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો સંપૂર્ણ વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયો પણ છલકાઈ ગયા છે.

વડોદરા શહેર અને જિલ્લામાં રાત્રી દરમિયાન ૪ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. નિચાણવાળા વિસ્તારો વડોદરા શહેરના રાજમહેલ રોડ, માંડવી, ન્યાયમંદિર, રાવપુરા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ ગયા છે. વાઘોડિયા રોડ અને આજવા રોડ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આજવા ડેમના કેચમેન્ટ એરિયામાં ૬૧ મિ.મી. જેટલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઇ રહ્યું છે. જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં રાતથી જ વધારો થઇ રહ્યો છે. કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ ૨૧૨.૭૫ ફૂટ ઉપર પહોંચી છે. અને વિશ્વામિત્રી નદીની સપાટી ૧૨.૭૫ ફૂટ ઉપર પહોંચી છે. ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી રહી છે. જેને પગલે કંટેશ્વર ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે.

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં ૫.૪ અને માંડવીમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ધરમપુર, આહવા , વઘઈ, વલસાડ, ખેરગામ અને સોનગઢમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે નીચાણ વિસ્તાર સહિતના માર્ગો પર પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે.

રાજકોટમાં છેલ્લા ૭૦ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ, તમામ જળાશયો છલકાયા

રાજકોટ શહેરમાં ૭૦ વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ આ વર્ષે નોંધાયો છે. ચાલુ વર્ષે શહેરમાં સિઝનનો કુલ ૫૬ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા ૭૦ વર્ષની વાત કરવામાં આવે તો ૭૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ વર્ષ ૨૦૧૦ માં ૫૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. જે રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે. રાજકોટ શહેરમાં સૌથી ઓછો વરસાદ વર્ષ ૧૯૭૩-૭૪માં માત્ર ૭ અને ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ વર્ષે રાજકોટનો રેકોર્ડબ્રેક વરસાદ સીઝનનો ૫૬ ઇંચ નોંધાયો છે. જેમાં પશ્ચિમ રાજકોટમાં ૫૬ ઇંચ, સેન્ટ્રલ રાજકોટમાં ૩૭ ઇંચ અને પૂર્વ રાજકોટમાં સૌથી ઓછો ૩૦ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉલેખ્ખનીય છે કે, હજુ ચોમાસાની ઋતુને એક મહિનો બાકી છે. તેવામાં આ વર્ષે રાજકોટ શહેરમાં સારો વરસાદ નોંધાતા શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ શહેરમાં ૨૪ કલાકમાં અનરાધાર ૧૮ ઇંચ વરસાદ નોંધાયા બાદ મોટા ભાગના જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થવા પામી હતી. સમયાંતરે સારો વરસાદ થતા આજે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા એક માત્ર ભાદર સિવાય તમામ જળાશયો ઓવરફલો જોવા મળી રહ્યા છે. જયારે ભાદર ડેમ ઓવરફલો થવામાં માત્ર ૩.૫૦ ફૂટ બાકી છે.

કોઝ વે પર પાણી ફરી વળતા કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું

છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ઢાઢર નદીનું પાણી કંટેશ્વર ગામના કોઝ વે ઉપર ફરી વળતા ગામ સંપર્ક વિહોંણુ બન્યું છે,  ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં મેઘ મહેરથી નદી નાળાઓ છલકાયા છે. સંખેડાના કંટેશ્વર નજીકથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઢાઢર નદીમા પાણીનું સ્તર વધતા કંટેશ્વરના ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગામની બહાર લો-લેવલ કોઝ વે ઉપરથી ૧૫ ફૂટ ઊંચે સુધી પાણી ફરી વળ્યાં છે.

તેમજ કંટેશ્વરથી કસુંબિયાનો નવા રસ્તા ઉપરથી ઢાઢર નદીનું પાણી આવી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન ધમાકેદાર મેઘ મહેર થતા છ જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ભરૂચમાં છ વર્ષ બાદ પૂરના પાણી શહેરમાં પ્રવેશ્યા, તંત્ર સાબદું બન્યું

સરદાર સરોવરમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામા આવતા ભરૂચ નજીકના ગોલ્ડન બ્રિજની સપાટી ૩૦ ફૂટને પાર કરી દેતા ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નર્મદાના પાણી ફરી વળતાં જ્યાં વાહનો ચાલતા હતા જ્યાં આજે બોટ ફરતી જોવા મળતા ભરૂચવાસીઓએ ૨૦૧૩ની ઘટનાને ફરી યાદ કરી હતી. નર્મદામાં સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટી ૩૩ ફૂટને વટાવે તેવી સંભાવના જોવા મળી રહી છે.સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા ડેમના ૨૩ દરવાજા ખોલી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. જેના કારણે નર્મદા નદીમાં પાણીની આવક થતાં કાંઠા વિસ્તારના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરાયા હતા. પરંતુ સતત નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી ૩૦ ફૂટે વટાવી દેતા સમગ્ર પાણી ભરૂચ નજીકના દાંડિયા બજાર,રોકડીયા હનુમાન,ગોલ્ડનબ્રિજ ઝુંપડપટ્ટી,લાલબજાર,બહુચરાજી ઓવારા,ફુરજા બંદર સહિતના અનેક સ્થળોએ નર્મદા નદીના પાણી શહેરમાં પ્રવેશી રહ્યા છે જેને લઈને કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા માટે ભરૂચ નગર પાલીકા દ્વારા પાંચ જેટલી વિવિધ ટિમો બનાવી અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવાની કવાયત શરુ કરી દેવામાં આવી છે ત્યારે ભરૂચ શહેરના ફુરજા ચાર રસ્તા નાળીયેરી બજારમાં જ્યાં વાહનો ફરતા હતા તે જગ્ય એ આજે નાવડીઓ ફરતી જોવા મળતી હતી.

ભારે વરસાદથી માંડવી-કીમ સ્ટેટ હાઇવે બંધ, ૧૦૦ લોકોનું સ્થળાંતર

સુરત જિલ્લાના માંડવી અને કીમને જોડતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા હાઇવેને બંધ કરવાની ફરજ પડી હતી. માંડવી અને કિમ સ્ટેટ હાઇવે પર ઉમરપાડામાં રાત્રી દરમ્યાન ૧૩ ઈંચ વરસાદ વરસતા આમલી ડેમ માંથી ૧૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળતા ગામના ૧૦૦થી વધુ લોકો ને વહીવટી તંત્ર દ્વારા સલામતી સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉમરપાડામાં રાત્રી દરમ્યાન મુશળધાર વરસાદના પગલે આમલીડેમ ઓવર ફોલો થતા સ્ટેટ હાઇવે તેમજ ગોડસબા અને આબાપાણી ગામોમાં પાણી ફરી વળ્યા હતા. માંડવીના કાછીયાબોરી,ગોડસંબા સહિતના ૩થી ચાર ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કીમનદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં વરસાદથી કુલ ત્રણના મોત, પાટણમાં વીજળીએ લીધો ૨નો ભોગ

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના તમામ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘમહેર થઈ રહી છે. ત્યારે પાટણ જીલ્લા અને સુરેન્દ્રનગરમાં વરસાદી આફતથી કુલ ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જેમાં બે લોકોના વીજળી પડવાથી મોત થયા છે, તો એક બાળકનું દિવાલ ધરાશાયી થતા મોત નિપજ્યું છે.સૌપ્રથમ જો પાટણમાં વીજળી પડવાથી મોતના મામલે વાત કરીએ તો, પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. પાટણ જીલ્લાના તમામ ગામોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાંતલપુરના ઝઝામ ગામમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે. જેમાં એક મહિલા અને એક યુવકનું મોત નિપજ્યું છે.ઘટનાને વિગતે જોઈએ તો, ઝઝામ ગામમાં બે અલગ અલગ જગ્યા પર વિજળી પડી, જેમાં બે લોકોના મોત થયા છે. આ બંને લોકો ખેતરમાં ભાગીયા તરીકે અલગ અલગ ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે સમયે અચાનક વીજળી પડતા તેમનું મોત થયું છે. બંને મૃતક ઠાકોર સમાજના હોવાનું સામે આવ્યું છે.આ ઘટના સર્જાયા બાદ અન્ય હાજર સ્થાનિકોએ તેમને તુરંત નજીકમાં વારાહી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તબીબોએ તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કરાયા હતા. પોતાના પરિવાર માટે રોજી કમાવવા માટે બહાર નીકળ્યા હતા, પરંતુ વીજળી કાળનો કોળીયો બની તેમના પર તૂટી પડતા ઠાકોર પરિવારમાં માતમ છવાયો છે. આ બાજુ સુરેન્દ્રનગર જીલ્લાના લખતરના ભાસ્કર પરામાં ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાયી થતા એક બાળકનું મોત થયું છે. બાળક ઘરમાં હતું તે સમયે ભારે વરસાદને પગલે ઘરની દિવાલ ધોવાઈ જતા, ગર ધરાશાયી થયું હતું, જેમાં બાળકનું દટાઈ જવાથી મોત નિપજ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here