બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનું હલ્લાબોલ

490

બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ઘરની ઘોરાજી ચલાવી મનસ્વી વર્તન કરી દર્દીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી દર્દીઓ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર નરેશ જાદવની વિરુધ્ધમાં સુત્રોચ્ચાર કરી હલ્લાબોલ મચાવી તંત્ર પ્રત્યે રોષ ઠાલવ્યો હતો.જયારે દર્દીઓ દ્વારા અનિયમિત રહેતા ડોક્ટર સામે શિક્ષાત્મક પગલા લઇ બદલી કરવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લાના બરવાળા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની અનિયમિતતા,મનસ્વી વર્તનથી દર્દીઓ તોબા પોકારી ગયા છે જયારે આ બાબતે નીંભર તંત્રના ઉચ્ચ અધિકારીઓને ગ્રામજનો દ્વારા ટેલીફોનીક રજુઆતો કરવા છતાં સરકારી બાબુઓને પેટના પાણી શુદ્ધા હલતું નથી ત્યારે બરવાળા શહેર-  તાલુકાના રહીશો તેમજ દર્દીઓમાં આરોગ્ય તંત્ર પ્રત્યે ઘેરો રોષ વ્યાપી ગયો હતો.

બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમદાવાદ-ભાવનગર હાઇવે ઉપર આવેલું આરોગ્ય કેન્દ્ર છે રોડ ઉપર બનતા અકસ્માતોમાં ઈજાગ્રસ્તો,દર્દીઓને સારવાર અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવે છે ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા બોન્ડ ઉપર ફરજ ઉપર રાખવામાં આવેલા ડોક્ટરો પૈકી ડો.નરેશ જાદવ હોસ્પીટલ ખાતે વારંવાર અનિયમિત રહેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી ન હોવાથી રોષ ફેલાઈ ગયો છે ડો.નરેશ જાદવ ઘરની ધોરાજી ચલાવી દર્દીઓ સાથે મનસ્વીભર્યું વર્તન કરતા હોવાથી દર્દીઓમાં રોષ સાથે ફિટકારની લાગણી પ્રસરી જવા પામી હતી. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા.૧૧/૦૯/૨૦૧૯ ના રોજ હોસ્પીટલ ખાતે સારવાર મેળવવા દર્દીઓની મોટી કતારો લાગી ગઈ હતી હોસ્પીટલમાં ઓ.પી.ડી.નો સમય સવારે ૯/૦૦ કલાકથી શરુ કરવાનો નિયમ છે પરંતુ ડોકટર નરેશ જાદવ ઓ.પી.ડી.ના સમયસર હાજર રહેલ ન હોવાના કારણે દર્દીઓએ હોસ્પીટલમાં હલ્લાબોલ મચાવી હતી અને આરોગ્ય વિભાગ સામે સુત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો આ હલ્લાબોલ થતા જ રોગી કલ્યાણ સમિતિના સભ્ય અલ્પાબા ચુડાસમા તેમજ બળવંતસિંહ ગોહિલ સહીતના ગ્રામજનો હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા.ડોકટરના અનીયમીતતાના કારણે ૧૦૦ જેટલા દર્દીઓ સારવારના અભાવે રજળી પડ્યા હતા.જયારે ડોક્ટર ૧૧/૨૦ કલાકે હોસ્પીટલ ખાતે પહોચ્યા હતા અને પછી ઓ.પી.ડી.શરુ કરવામાં આવી હતી. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અવાર નવાર ડોકટરની ઘરની ધોરાજી તેમજ દર્દીઓ સાથે મનસ્વી વર્તન કરવામાં આવતું હોવાના અનેક બનાવો બનવા પામ્યા છે ત્યારે વધુ એકવાર ડો.નરેશ જાદવની હોસ્પીટલમાં અનિયમિતતા અને મનસ્વી વર્તનથી દર્દીઓ તોબા પોકારી ગયા છે અને ડોક્ટર સામે કાર્યવાહી કરી બદલી કરી નિયમિત ડોક્ટર ફાળવવા ઉગ્ર માંગ ઉઠી છે તેમજ આ અંગે તાત્કાલીક નિર્ણય નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

Previous articleકડવું પી જવું અને અમૃત વહેચવુઃ પુ.મોરારિબાપુ
Next articleઉમરાળા મામલતદાર કચેરી ખાતે કાળુભાર નદી કાંઠેના ગામોના સરપંચની મીટીંગ યોજાઈ