મધ્ય પ્રદેશમાં વરસાદનો કહેર… ૫૦ હજાર લોકોને રાહત છાવણીમાં આશ્રય અપાયો

362

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાય સમયથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદ અને પાંચથી વધુ બંધ-નદીઓનાં પાણી ઘરો તથા દુકાનોમાં ઘુસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં આવી પડ્યા હતા. સત્તાવાર આંકડા મુજબ ૪૫થી ૫૦ હજાર લોકોને રાહત છાવણીમાં ખસેડવા પડ્યા હતા.

૩૬થી વધુ જિલ્લાઓમાં પૂર આવ્યા છે અને કેટલાંક સ્થળોએથી લશ્કરના જવાનોએ અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ લોકોને ઊગાર્યા હતા. નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફોર્સના ૨૧૦, સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફોર્સના ૧૦૦, હોમગાર્ડ તથા પોલીસના ૧૫૦૦ જવાનો રાહત કાર્યમાં લાગેલા છે.

૨૫૫ જિલ્લા રાહત કેન્દ્રો અને ૫૧ ઇમર્જન્સી સેન્ટર્સ ખોલવામાં આવ્યા હતા જે ચોવીસ કલાક કામ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

કેટલાક વિસ્તારોમાં જીવનજરૂરી ચીજોની ભારે અછત જોવા મળી હતી. મંદસૌર જિલ્લામાં જેમનાં મકાનો બે મજલા કરતાં ઊંચા છે એ લોકોએ ધાબા પર કે છત પર આશરો લેવો પડ્યો છે. વરસાદ હજુ પણ ચાલુ છે. એને લઇને રાહતકાર્યમાં અવરોધ સર્જાઇ રહ્યો છે એવું સરકારી પ્રવક્તાએ કહ્યું હતું.

મધ્ય પ્રદેશની રાજ્ય સરકાર અને ખાસ તો મુખ્ય પ્રધાન કમલનાથ એક તરફ કુદરતી આપત્તિ સામે લડી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસ પક્ષમાં પ્રવર્તી રહેલી આંતરિક ખેંચતાણનો સામનો કરી રહ્યા હતા.

Previous articleનાસાનું ઓર્બિટર ’વિક્રમ’ની લૅન્ડિંગ સાઇટ પાસે પહોંચ્યું
Next articleબોલો… ટ્રાફિક પોલીસે બળદગાડાનું પણ ચલણ કાપ્યું