પુંજ કમિટીની સમક્ષ હાર્દિક પટેલ રજૂ : વધુ સમય માંગ્યો

462

સને ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જની તપાસ માટે બનાવાયેલી પુંજ કમિટી સમક્ષ આજે બપોરે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાજર થયો હતો. જો કે, હાર્દિક પટેલે પુરાવા સાથે જરૂરી જવાબ રજૂ કરવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો અને હવે તે આગામી બુધવારે બપોરે ત્રણ કલાકે પોલીસ દમન અંગેના લેખિત જવાબ રજૂ કરશે. એટલું જ નહીં તે સમયે બનેલી ઘટનાઓ દરમ્યાન પોલીસે પાટીદારો પર કરેલા અમાનવીય લાઠીચાર્જની વિગતો રજૂ કરશે તેવી સ્પષ્ટતા પણ હાર્દિક પટેલે કરી હતી. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારોનું વિશાળ ક્રાંતિ સંમેલન યોજાયું હતુ અને ત્યારબાદ રાજયભરમાં પરિસ્થિતિ વણસી હતી અને છૂટીછવાઇ હિંસા, તોડફોડ અને આગચંપીના અનેક બનાવો નોંધાયા હતા. જેમાં પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. ખાસ કરીને પાટીદારો પર જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવાનું પ્રકરણ બહુ ચગ્યુ હતુુ અને તેને પગલે રાજકારણ જોરદાર રીતે ગરમાયું હતુ.

આ સમગ્ર પ્રકરણની તપાસ માટે રાજય સરકાર દ્વારા જસ્ટિસ કે.એ.પૂજની તપાસ કમીટીની રચના કરી હતી. પુંજ કમિટીએ નિવેદન નોંધાવવા માટે હાર્દિક પટેલને નોટિસ ફટકારી હતી, જેને લઈ તે આજે કમિટી સમક્ષ હાજર થયો હતો. હાર્દિક પટેલને એવું પુછવામાં આવ્યું હતું કે તમારી સાથે દિનેશ બાંભણિયા કેમ હાજર ન રહ્યાં તેના જવાબમાં હાર્દિકે કહ્યું કે નોટિસ માત્ર મને જ મળી છે. એટલે હું જ આવ્યો છું. જો કે, હાર્દિક પટેલે પુરાવા સાથે જરૂરી જવાબ રજૂ કરવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો, જેને પગલે કમીટીને હાર્દિકને બુધવાર સુધીનો સમય આપ્યો હતો.

Previous articleમોદી આજે કેવડિયામાં નમામિ દેવી નર્મદે મહોત્સવમાં પહોંચશે
Next articleસીએમ રૂપાણીની પાક.ને ચેતવણીઃ ‘પીઓકે ખોવા માટે તૈયાર રહો’