યુવાનીનો મહાદ્વાર – અધ્યાત્મ

494

યુવા હૃદયની ઊર્મિઓથી છલકાતી પંક્તિમાં યુવાનીની વ્યાખ્યા આપતાં એક કવિ કહે છે કે,

“અમને નાંખો જીંદગીની આગમાં, ફેરવીશું આગને પણ બાગમાં;

સર કરીશું આખરે સૌ મોરયા, મોતને પણ આવવા દો લાગમાં.”

યુવાન એટલે જેનામાં અડગ આત્મવિશ્વાસ અને પ્રબળ ઈચ્છા છે સંયમની ઈમારતોને વાસ્તવિકતામાં ચણવાની ! ઉત્સાહના ધોધ સાથે શક્તિનાં મધુરસંગીતોનાં સુમેળ એટલે યુવાની. પરંતુ આધ્યાત્મિકતાનાં આધાર વિના  યુવાનોની આ રચનાત્મકતા શક્ય નથી.  ખરેખર!  અધ્યાત્મ યુવાનો માટે ઊર્જાનો મહાન સ્રોત અને અંધકારમાં ઊજાસ પાથરતી દીવાદાંડી સમાન છે. અધ્યાત્મનો સંગ યુવાનોને સિદ્ધિના શિખરે લઈ જાય છે. એટલે જ યુવાનો માટે અધ્યાત્મ મહાદ્વાર બની રહે છે. કેટલા બધાં ઉદાહરણો જગતના પૂર્વ-પશ્ચિમ ફલકમાં પડ્યા છે!

આધ્યાત્મિકતા એટલે જીવન ઘડાવવાનું એક સોપાન. યુવાનીને જીવનનાં સાચા પથ પર ચલાવવા માટેનો માર્ગદર્શક. આધ્યાત્મિકતા એટલે જીવનને સફળ બનાવવા માટેની તક.

ઘણા વર્ષો પહેલા આધ્યાત્મિકતાને વરેલા યુવાનની એક વાત ઉદ્બોધાય છે. આજથી ૧૨૦૦ વર્ષ પૂર્વે જેણે માત્ર સાત જ વર્ષની નાની વયે ગૃહત્યાગ કર્યો, આઠ વર્ષની નાની વયે ચાર વેદોનો ગહન અભ્યાસ પૂરો કર્યો. ૧૨ વર્ષની વયે ઉપનિષદ્‌, ગીતા, બ્રહ્મસૂત્ર, મહાભારત જેવા શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને જેણે માત્ર ૧૬ વર્ષની યુવાન વયે પ્રસ્થાનત્રયી પર મહાભાષ્યોની રચના માત્ર કરી હતી! એટલું જ નહીં, ચાર વખત આખા ભારતનું પરિભ્રમણ કર્યું. સાથે સાથે ભારતમાં ચારેય દિશામાં ચાર મઠોની સ્થાપના પણ તેમણે કરી હતી. તે ચાર મઠો આ પ્રમાણે છે – દ્વારકા, જગન્નાથપુરી, કાશી, શ્રૃંગેરી. જેની આજ સુધી પરંપરા ચાલી આવે છે. એ પુરુષ હતા આદિ શંકરાચાર્ય ! આવું વિરાટ કાર્ય તેમણે કર્યું હતું, તે પણ ફક્ત ૩૨ વર્ષના ટૂંકાગાળામાં!

પણ આપણા મનમાં એક પ્રશ્નનું ઉદ્બોધન થતું હશે કે શું આધુનિક કાળમાં યુવાનનાં જીવનમાં આધ્યાત્મિકતાની જરૂર છે? આધુનિક સમાજનાં યુવકોનો પડઘો લક્ષમાં લઈએ તો આ સવાલને બીજી રીતે એમ પૂછી શકાય કે અધ્યાત્મ યુવાનો માટે એક સ્ટિયરિંગ છે કે એક ઊર્જાનું પ્રબળ ઍન્જિન? યુવાનો માટે શિક્ષણ વધુ અગત્યનું છે કે અધ્યાત્મ ? આ પ્રશ્ન વિચારતા આપણે મુંઝાઈ જઈએ છીએ. ગત સદીના સૌથી વધુ પ્રભાવશાળી લોકનેતા અને રાષ્ટ્રના ઘડવૈયા મહાત્મા ગાંધી કહે છે, “જો તમારા વિચારો અને કર્મો ઉપર પ્રભુત્વ મેળવીને ચારિત્ર્યનું ઘડતર નહીં કરો તો તમારી તમામ ડિગ્રીઓ વ્યર્થ જશે.”

ભારતના સૌથી વધુ પ્રભાવશાળી વૈજ્ઞાનિક અને ચિંતક ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ કહે છે, “આધ્યાત્મિકતા વિના સાચો વિકાસ શક્ય નથી.”

પુસ્તક ‘ઈગ્નિટેડ માઈન્ડ્‌સ’માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પથદર્શક ઉપદેશનું પ્રતિબિંબ પાડતા તેમણે એ જ લખ્યું છે, “યુવાનોને આધ્યાત્મિકતાની તાલીમ આપો.”

સારા વિચાર, સારા કર્મો, પવિત્ર મુલ્યો અને સકારાત્મક વલણ, પ્રભાવશાળી વ્યક્તિત્વ એ બધું જો જીવનનાં સિક્કાની એકબાજુ હોય તો એ સિક્કાની બીજીબાજુ અચળ આધ્યાત્મિકતા છે, કારણ કે આધ્યાત્મિકતા અને ભગવાનમાં શ્રદ્ધા વિના કોઈપણ વ્યક્તિનું જીવન ઉચ્ચતર ન જ હોઈ શકે. જગતનો ઈતિહાસ અને જગતના અનેક મહાન ચિંતકોએ સિદ્ધ કરી બતાવ્યું છે – ‘આધ્યાત્મિકતા વિના યુવાન હોંશિયાર અને બુદ્ધિશાળી બની શકે, પરંતુ સાચા અર્થમાં એક પૂર્ણ માનવી બનવું તે ભિન્ન વાત છે. તે આધ્યાત્મિકતા પ્રદાન છે.’

આધ્યાત્મિકતાનો મહત્ત્વનો ઉપયોગ છે – મનની સ્થિરતા. યુવાનોને વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન કે તેમના વ્યવસાયિક અને અંગત જીવનમાં મનને સ્થિરતા આધ્યાત્મિકતા દ્વારા જ મળી શકે છે. આ સ્થિરતાના કારણે યુવાન જીવનમાં કંઈક નવું કરી શકે છે.

૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહે છે, “ભક્તિ એ પરમપદ છે.” અહીંયાં ભક્તિ એટલે આધ્યાત્મિકતા. જે પરમપદ છે. તો ચાલો, પ્રતિજ્ઞા લઈએ કે આપણે પણ આપણા જીવનમાં આધ્યાત્મિકતાના મહાદ્વારમાં પ્રવેશશું.(ક્રમશઃ)

Previous articleદાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એ.ગોહિલનો વિદાય સમારંભ યોજાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે