દિવાળી તહેવાના કારણે ફાયરના જવાનોની રજાઓ રદ્દ

332

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડ આગ અકસ્માતના બનાવોને લઈ સજ્જ થઈ ગયું છે. સામાન્ય દિવસો કરતા દિવાળીના દિવસોમાં ફાયર બ્રિગેડમાં નોંધાતા આગ અકસ્માતના બનાવોમાં ૩૦ ટકાનો વધારો થાય છે.

અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનો હોય કે અમદાવાદ પોલીસના જવાનો તેઓ તહેવારોમાં ખડે પગે હાજર રહે છે. જેના કારણે શહેરીજનો સુખચેનથી તહેવારની ઉજવણી કરી શકે છે. દિવાળીનાં આ તહેવારની તૈયારીઓમાં અમદાવાદ ફાયર બ્રિગેડ પણ સજ્જ થઈ ગયું છે. દિવાળીનાં તહેવાર દરમિયાન ધનતેરસથી લાભપાચમ સુધીમાં ફાયર વિભાગને ૧૫૦ આગના કોલ્સ મળે છે. આ ૧૫૦માં ૩૦ ટકા મેજર કોલ્સ હોય છે. સામાન્ય દિવસોમાં આગ અકસ્માતના ૧૦થી ૧૨ કોલ્સ આવતા હોય છે. તેના કરતા દિવાળીનાં દિવસોમાં ફાયર બ્રિગેડમાં નોંધાતા આગ અકસ્માતનાં બનાવોમાં ૩૦ ટકાનો વધારો થાય છે. અમદાવાદ ફાયર બ્રિગેડમાં ફાયરના અધિકારીઓથી માંડીને ફાયરના જવાનો મળી અંદાજે ૬૦૦થી વધુ જવાનો ફરજ બજાવે છે. આ આગ અકસ્માતનાં બનાવોમાં કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયરના જવાનોની રજાઓ પણ રદ કરી દેવામાં આવે છે.

મહત્વનું છે કે અમદાવાદમાં રાયપુર, દિલ્લી દરવાજા, કાલુપુર, બાપુનગર, સરદારનગર, બોપલ, વાડજ જેવા વિસ્તારમાં ફટાકડાના મોટા બજાર છે. ભૂતકાળમાં દિલ્લી દરવાજા અને બાપુનગર વિસ્તારમાં ફટાકડા બજારમાં આગ અકસ્માતના મોટા બનાવો નોંધાયા છે. ત્યારે આવી આગ અકસ્માતની ઘટનાઓને લઈ સજ્જ રહેવા ફાયર વિભાગને સૂચનાઓ અપાઈ છે.

Previous articleદાદા સાથેના ફોટાને બિભત્સ બનાવી વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ
Next articleઇ-મેમોની અવગણના કરી દંડ નહીં ભરનાર ૧૮૦ ચાલકોના લાયસન્સ રદ્દ થશે