ધર્મરાજ સોસાયટી પાસે રૂ.૭૫ લાખના ખર્ચે થનારા ગાર્ડન ડેવલોપમેન્ટના કામનું ખાતમુહૂર્ત

0
365

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રૂવા ટી.પી સ્કીમ નંબર ૩ ફાઇનલ પ્લોટ નંબર ૧૨૫ માં રૂપિયા ૭૫ લાખના ખર્ચે અમૃત યોજનાની ગ્રાન્ટમાંથી થનારા ગાર્ડન ડેવલોપમેન્ટના કામનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી  વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી  વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકો ખૂબ જાગૃત છે જેથી અહીં જો આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવે તો આ જાગૃત લોકો જાતે જ તેની કાળજી લેવા સક્ષમ છે.

રાજયમંત્રીએ રૂવા ટીપી સ્કિમ ૮ ના પાણીના નેટવર્ક માટે ત્રણ કરોડ રૂપિયા મંજૂર કરવાની  જાહેરાત કરી હતી અને  ઉમેર્યું હતું કે આ વિસ્તારને અસર કરતા કંસારા નાળા પ્રોજેક્ટના ફેઝ-૧ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ૫૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કેબલ સ્ટેઇડ બ્રિજ અને હાઈ માસ્ટ ટાવર જેવી આધુનિક સુવિધાઓ હોય કે પછી શહેરના રસ્તાઓ પહોળા કરવા કે પાણીની વ્યવસ્થા ઊભી કરવા જેવી પાયાની જરૂરિયાતો હોય આ તમામ દિશાઓમાં સરકારશ્રી દ્વારા ખૂબ ઝડપથી વિકાસના કાર્યો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. આંગણવાડીની બહેનોને સરકાર દ્વારા તાજેતરમાં સ્માર્ટફોન વિતરણ કરવામાં આવ્યા, બારમું ધોરણ પાસ કર્યા પછી યુવાનો માટે માત્ર રૂપિયા ૧૦૦૦માં ટેબલેટની સુવિધા ઉભી કરાઇ તેમજ વિધવા સહાય માટે નિયમોમાં હકારાત્મક સુધારાઓ કરાયા, ચેઇન સ્નેચરો માટે કડક કાયદાઓ અમલમાં લાવવામાં આવ્યા તથા લગ્નની જાન માટે રાહત દરે એસ.ટી બસની સુવિધા ઉભી કરાઇ વગેરે જેવી વિવિધ સરકારી યોજનાઓની રાજ્યમંત્રીએ ઉપસ્થિત લોકોને ઉંડાણપૂર્વકની સમજ આપી હતી.

નવા બની રહેલ આ બગીચામાં કમ્પાઉન્ડ વોલ, એન્ટ્રીગેટ, વૈવિધ્યસભર લેન્ડ સ્કેપિંગ, ગઝેબો, પાથવે કર્બીન સાથે ગાર્ડન પેવિંગ, ગૃપ સીટીગ બેન્ચીસ, ડ્રેનેજ તથા મુખ્ય હોલ, આકર્ષક લાઇટીંગ, તેમજ પ્લાન્ટેશન જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે. આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજ સિંહ ગોહિલ, ડેપ્યુટી મેયર અશોક ચૌહાણ, શિક્ષણ સમિતિના ચેરમેન  નીલેશભાઈ રાવલ, આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઇ રાબડીયા, પરેશભાઇ પંડ્યા, સનતનભાઇ મોદી તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here