દિવાળીને લઇ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની પડાપડી

1578

આવતીકાલે દિપાવલીનું શુભ પર્વ અને ખુશીનો તહેવાર હોઇ અમદાવાદ સહિત સમગ્ર રાજયભરમાં દિવાળીને લઇ ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો છે. દિવાળી-નૂતનવર્ષ અને ભાઇબીજના આવતીકાલથી શરૂ થઇ રહેલા તહેવારોને લઇ શહેરના બજારોમાં પણ ભારે ભીડ અને માનવમહેરામણના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. શહેરના ભદ્ર, લાલદરવાજા, રતન પોળ, વિકટોરિયા ગાર્ડન, સી.જી.રોડ, એસજી હાઇવે, રિલીફ રોડ, ત્રણ દરવાજા, કાલપુર, સરસપુર, બાપુનગર, નરોડા, નારોલ, ઓઢવ સહિતના મુખ્ય બજારોમાં તો, દિવાળી પહેલાં છેલ્લા કલાકોની ખરીદી માટે મહિલા, બાળકો સહિત નગરજનોએ રીતસરની પડાપડી કરી હતી. દિવાળી, બેસતાવર્ષને લઇ શહેરના મુખ્ય માર્ગો, પુલો, મંદિરો અને બજારોમાં ઝળહળતી રોશની, અનેકવિધ આકર્ષણો અને મ્યુઝિક-ડી.જેની જમાવટ વચ્ચે તહેવારનો માહોલ છવાયો હોવાનો એહસાસ થતો હતો. કારમી મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ તહેવાર માણવા પંકાયેલા અમદાવાદ શહેર સહિત રાજયના પ્રજાજનોએ ખરીદી કરી ગુજરાતીઓ માટે પડેલી આ ઉક્તિને જાણે સાર્થક કરી છે. દિવાળીના પર્વને લઇ અમદાવાદ શહેરના એલિસબ્રીજ, અંજલિ બ્રીજ, સુભાષબ્રીજ અને નહેરુબ્રીજ એમ ચાર બ્રીજ પર બહુ જ સુંદર અને આકર્ષક ઝળહળતી રોશની કરવામાં આવી છે. આ ચારેય બ્રીજ પર દિવાળીના તહેવારોના સતત પાંચેય દિવસ સુધી રોશની રાખવામાં આવશે. અમદાવાદ શહેર ઉપરાંત, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર સહિતના શહેરો અને રાજયભરમાં આવતીકાલે શરૂ થઇ રહેલા દિવાળી, બેસતુવર્ષ અને ભાઇબીજ સહિતના તહેવારોને લઇ બજારોમાં ખરીદીની સાથે સાથે ઉત્સાહનો માહોલ પણ જાણે ચરમસીમાએ પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં ફટાકડા બજાર, રેડીમેડ કપડા સહિત કાપડ બજાર, સાડી-ડ્રેસ બજાર, મીઠાઇ બજાર, દાગીના અને ગીફ્ટ આર્ટિકલ બજારમાં ભારે ભીડ અને જબરદસ્ત ધસારાના દ્રશ્યો સર્જાયા હતા. દિવાળીના તહેવારની છેલ્લા કલાકોની ખરીદી માટે મહિલા, બાળકો સહિતના નગરજનોએ રીતસરની પડાપડી કરી હતી. ભદ્ર, લાલદરવાજા, રતનપોળ સહિતના બજારોમાં તો માનવમહેરામણનું જાણે કિડિયારૂ ઉભરાયું હોય તેવો નઝારો જોવા મળ્યો હતો. તો, શહેરના સીજી રોડ, એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, ગુરૂકુળ રોડ, આશ્રમ રોડ, પ્રહલાદનગર ગાર્ડન, સેટેલાઇટ, જોધપુર, શિવરંજની, એસ.જી હાઇવે સહિતના વિસ્તારના બજારો અને મોટા મોટા શોરૂમ્સ અને શોપીંગ મોલ્સમાં લલચાવતી ઓફરો અને સેલ-સેલના પાટિયા વચ્ચે ધૂમ ખરીદી જોવા મળી હતી. બજારમાં મંદીનો માહોલ અને કારમી મોંઘવારીની અસર જો કે, સ્પષ્ટ વર્તાતી હતી પરંતુ તેમછતાં દિવાળીના છેલ્લા દિવસે ખરીદીનું માર્કેટ ઉંચુ જોવા મળ્યું હતું. તો વળી, ગ્રાહકોને આકર્ષવા માટે કેટલાક શોરૂમ્સ અને શોપીંગ મોલ્સમાં તો ઝળહળતી રોશની સહિતના અનેકવિધ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા હતા. આવતીકાલથી દિવાળી પર્વના તહેવારોની ઉજવણી હોઇ શહેરના મુખ્ય માર્ગો, પુલો, વિવિધ મંદિરો સહિતના સ્થળોએ પણ રંગેબરંગી અને ઝળહળતી રોશની, ફયુઝન-હેલોજન લાઇટ સહિતના આકર્ષણોની જમાવટ કરવામાં આવી છે. મોડી રાત સુધી અમદાવાદના બજારોમાં દિવાળીના છેલ્લા કલાકોની ખરીદી માટે લોકોએ ભારે પડાપડી કરી હતી. જેના કારણે મોટા મોટા શોરૂમ્સ કે હાઇફાઇ શોપ્સની સાથે સાથે નાના ફેરિયાઓ અને ખૂમચા ધરાવતા વેપારીઓને પણ સારી એવી ઘરાકી થઇ ગઇ હતી. ફુલ બજારમાં અને ફુલ-હાર વેચતા ફેરિયાઓને પણ ફુલોના ભાવ આસમાને પહોંચતા ભારે તડાકો પડી ગયો હતો. દિવાળીના તહેવારોને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકોમાં ભારે ઉત્સાહ, ઉમંગ અને ખુશીનો માહોલ છવાયો છે.

Previous articleકોંગ્રેસે છેવાડા સુધી લોકોને લાભ પહોંચાડયા નથી : શાહ
Next articleવડાપ્રધાન મોદી અને હીરાબાની તસવીર રૂપિયા ૨૦ લાખમાં વેચાઈ