ક્યાર વાવાઝોડાની અસરના કારણે હવામાનમાં ફરી પલ્ટો

1632

ગુજરાતના દરિયાઇ કાંઠે ત્રાટકનાર સંભવિત વાવાઝોડા ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં જોરદાર તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. કયાર વાવાઝોડાની અસરના ભાગરૂપે રાજયના હવામાન અને વાતાવરણમાં આજે નોંધપાત્ર પલ્ટો આવ્યો હતો. ઝંઝાવાતી અને તોફાની પવન અને દરિયામાં ઉછળી રહેલા ઉંચા મોજાના કારણે પોરબંદર, દીવ, ચોરવાડ સહિતના દરિયાકાંઠાના પાણીમાં વીજકરંટ પેદા થઇ રહ્યો છે. કયાર વાવાઝોડાની સંભાવના અને અસરોને જોતાં તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે. વલસાડ, પોરબંદર સહિતના દરિયાઇ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો સહિત તંત્રના અધિકારીઓને સાબદાં કરી દેવાયા છે. બીજીબાજુ, દરિયાઇ પટ્ટામાં ભારે પવનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે બેટ દ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરાઈ છે. દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે નિત્ય ફેરી સર્વિસ ચાલે છે. જો કે, તોફાની પવનના કારણે કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તો, ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે અને તે પશ્ચિમ-ઉત્તર દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં ૧૨૦-૧૩૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે રાજયના હવામાનમાં નોંધપાત્ર પલ્ટો આવ્યો છે. ખાસ કરીને રાજનાય કેટલાક વિસ્તારો વાદળછાયા વાતાવરણ અને માવઠાની અસર હેઠળ આવી ગયા છે.

બીજીબાજુ, હવામાન વિભાગની જાણકારી મુજબ, ક્યાર દરિયામાં દર ૬ કલાકે ૧૨ કિ.મી. આગળ વધી રહ્યું છે. ક્યારના લીધે ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો, ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા વ્યકત કરાઇ છે. રાજ્યની સાથે સાથે અમદાવાદમાં પણ હવામાનમાં ફરી એકવાર પલટાની સ્થિતિ જોવા મળી હતી. વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. ઠંડા પવનો પણ ફુંકાયા હતા.

Previous articleવડાપ્રધાન મોદી અને હીરાબાની તસવીર રૂપિયા ૨૦ લાખમાં વેચાઈ
Next articleનાગાલેન્ડ શાંતિ સમજુતિ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં