રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્‍ટ્રના શિલ્‍પી સરદાર સાહેબનો જન્‍મ થયો હતો તે પવિત્ર ભૂમિ ખાતે કરી વંદના

521

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીનું પોરબંદરમાં આવેલું જન્‍મ ઘર કિર્તીમંદિર તરીકે સુખ્‍યાત છે. ખેડા જિલ્‍લાના
વડા મથક નડિયાદમાં પણ જેને બીજુ કિર્તીમંદિર કહી શકાય એવું તિર્થસ્‍થળ આવેલું છે, એ છે સરદાર વલ્‍લભભાઇ
પટેલના મોસાળનું ઘર. જ્યાં ભારતના ઘડવૈયાનો જન્‍મ થયો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના બીજા કિર્તીમંદિર જેટલા જ પવિત્ર સરદાર જન્‍મ ઘરની આજે મુલાકાત લીધી હતી અને એ પાવન, સરદાર પ્રાગટ્ય ભૂમિની અનેરા આદરભાવ સાથે વંદના કરી હતી.


ઉલ્‍લેખનીય છે કે, આણંદ જિલ્‍લાનું કરમસદ એ સરદાર સાહેબની પિતૃભૂમિ છે. જ્યાં એમનું પૈતૃક ઘર આવેલું
છે. તેવા નડીઆદના દેસાઇવગામાં આવેલ સરદાર સાહેબના મામાનું ઘર એ એવું તીર્થ સ્‍થળ છે, જ્યાં લાડબાની કૂખે
ભારતના સરદાર અવતર્યા હતા. નડિયાદના ઘરમાં એક એવો રાષ્‍ટ્ર દિપક અવતર્યો હતો જેણે એક્તાની દિપશિખાથી
૫૦૦ થી વધુ રજવાડાઓની જુદી જુદી જ્યોતને એક કરીને અખંડ ભારતનો દીપ પ્રગટાવ્‍યો હતો. રાજ્યપાલશ્રીએ
સરદાર સાહેબના જન્‍મ સ્‍થળનું રસપૂર્વક નિરીક્ષણ કરી ખંડમાં સમય વિતાવ્‍યો હતો. જ્યાં રાજ્યપાલશ્રીએ અનેરા
સ્‍પંદનોની અનુભૂતિ કરી હતી.


રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ખેડા સત્‍યાગ્રહના સાક્ષી રહેલા નડિયાદના ૧૧૨ વર્ષ જુના હિન્‍દુ અનાથ
આશ્રમની પણ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્‍લેખનીય છે કે ખેડા સત્‍યાગ્રહના બીજ હિન્‍દુ અનાથ આશ્રમમાંથી
રોપાયા હતા. આશ્રમમાં પૂ.મહાત્‍મા ગાંધીજી સરદાર સાહેબની સાથે રહ્યા હતા. આઝાદી આંદોલનનો પાયો ખેડા
સત્‍યાગ્રહથી નંખાયો હતો. રાજ્યપાલશ્રીએ આશ્રમમાં સ્‍થિત પૂ. મહાત્‍મા ગાંધી અને સરદાર સાહેબની પ્રતિમાને
સુતરની આંટી અર્પણ કરી બંને મહાપુરૂષોની વંદના કરી હતી. રાજ્યપાલશ્રીએ આશ્રમમાં પ્રદર્શનને પણ રસપૂર્વક
નિહાળ્યુ હતું. આ અવસરે ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, સંસ્‍થાના વડાશ્રી દિનશા પટેલ,સંસ્‍થાના હોદે્દારો, કલેકટરશ્રી આઇ.કે.પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ સહિત આશ્રમના અંતેવાસી બાળકો હાજર રહ્યા હતા.

Previous articleઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
Next articleઆયુર્વેદ સારવાર માનવીને આધ્‍યાત્‍મિક-બૌધ્‍ધિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી