કાવ્ય વિષેશ

0
220

મારા અંતરના ઉંડાણે ઉતરી તો જો,
હાશકારાનો અહેસાસ શ્વસી તો જો.

ટાઢક વળે તો યાદ અંતરની ઉર્મિથી,
પ્રણયથી મારા હ્રદયમાં વસી તો જો.

ઉર્મિઓ ઢંઢોળી જગાડી ચાલી આવ,
મારા અરમાનો અંતરમાં ઠાંસી તો જો.

આ હ્રદયના શ્વાસો શ્વાસ સસ્તા નથી,
આત્માનું મંથન જરા ચકાસી તો જો.

રાધા-કૃષ્ણની પવિત્ર પ્રીત યાદ કરી લે,
“અનુ”ના અંતરને જરા તપાસી તો જો.

અનિલ દવે. (“અનુ”)

આવ ભાઈ હરી, આપણે બેઉ સરખા,
જશ મળે નહી, મળે બધેથી પગરખા.

ગાંધી આશ્રમમાં નેતાઓ નાટક ભજવે
વિદેશી ખાદી પહેરીને ચલાવશે ચરખા.

સોરઠની શાખ, આબરૂ દેશ-વિદેશે છે,
સોરઠીનો વટ પાડે છે, તેના અંગરખા.

કર્મો એવા કરો કે દુનિયા યાદ કરે સદા,
કુદરત જોખશે કુકર્મોના લેખા-જોખા.

કવિતા લખીને મઝાકનો વિષય બનું છું,
કવિતા લખીને પૂરા કરું છું અભરખા.

અનિલ દવે. (“અનુ”)

ખંભા પર લટકતું દફતર સાંભરે,
નિશાળના જૂના દોસ્તાર સાંભરે.

ચડ્ડી પકડીને લફડ-ફફડ ચાલતો,
કાન આમળતો માસ્તર સાંભરે.

પેલો મને મીંઢો કહી ખીજવતો’તો
તેને ઢીબેડતો હેડ માસ્તર સાંભરે.

રીસેસમાં મેદાનમાં જંગ ખેલાતો,
શર્ટને ખેંચીને ફાડેલો કોલર સાંભરે.

સ્કૂલમાંથી ભાગીને સીમ-વગડામાં,
ભટકતા,પતંગ-દોરીનું લંગર સાંભરે.

અનિલ દવે. (“અનુ”)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here