‘અનોખું ઉડાન અમારું’- ૮માં વિશિષ્ટ પ્રદર્શનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો ૫૭ શાળા-કોલેજનાં ૬૫૦૦ થી વધુ વિધાર્થીઓએ મુલાકાત લીધી..

664

પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા રાજ્યની જાણીતી એવી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળા અને રાષ્ટ્રીય અંધ જન મંડળ ભાવનગર જીલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે તા.૦૩ થી ૦૫ ડીસેમ્બર ૨૦૧૯ સવારના ૯ થી ૫ દરમિયાન ત્રિ-દિવસીય “અનોખું ઉડાન અમારું” વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાવનગર અને બોટાદ જીલ્લાની છેલ્લી માહિતી મળવા મુજબ ૫૭ થી વધુ શાળાઓનાં ૬૫૦૦ થી વધુ વિધાર્થીઓએ મુલાકાત લીધી હતી.સાથોસાથ શહેરના પ્રબુધ્ધ નાગરિકોએ આ વિશિષ્ટ પ્રદર્શનની મુલાકાત લઇ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની આવડતને બિરદાવી હતી.  સમગ્ર રાજ્યમાં કાર્યરત વિકલાંગ ક્ષેત્રની સંસ્થાઓમાં નેતૃત્વ લઇ સમાજ અને સરકારની વિકલાંગોના પુન:સ્થાપન, શિક્ષણ અને રોજગારનાં કાર્યક્રમમાં આમૂલ પરિવર્તન લાવવા આ પ્રકારનાં વિશિષ્ટ પ્રદર્શનોનું છેલ્લા ૮ વર્ષથી આયોજન કરવામાં આવે છે. અનેક હ્રદયસ્પર્શી યોજાયેલા વિશિષ્ટ પ્રદર્શનના આયોજનનાં પરિણામે શાળા-કોલેજનાં વિધાર્થીઓમાં ઉત્સાહ જોવા મળે છે.કેટલાક મુલાકાતી વિધાર્થીઓએ પોતાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ કોઇપણ ક્ષેત્રમાં સ્થાપિત થઇ વિકલાંગોનાં પુન:સ્થાપનનાં કાર્યને વેગ મળે, તેમના માટેની ખાસ નીતિઓ તૈયાર કરવામાં તેઓ કડીરૂપ ભૂમિકા ભજવી તંદુરસ્ત સમાજ રચનાને સ્થાપિત કરવા જીવનપર્યંત કાર્ય કરવા યત્નશીલ રહેશે. વિકલાંગોને શિક્ષણ આપતી ખાસ શાળાઓમાં ખાલી પડેલ જગ્યાઓ છેલ્લા ઘણા વર્ષથી ભરવામાં આવતી નથી. એટલું જ નહી આવી મંજુર થયેલ મોટાભાગની જગ્યાઓ રાજયસરકાર દ્વારા કરકસરનાં બાના નીચે રદ કરી દેવામાં આવી છે. દેશ અને રાજ્યનું ભાવી સુકાન વર્તમાન સંવેદનશીલ વિધાર્થીઓના હાથમાં જયારે આવશે ત્યારે આવી સંસ્થાઓ માટે સોનેરી સૂર્ય ઉગશે પરિણામે પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગોનાં કાર્યને વેગ મળશે. તેમ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું

Previous articleગુજરાત સચિવાલયના નવ નિયુક્ત મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ
Next articleસ્વચ્છતા અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરતી કોડીનાર નગરપાલીકા