ઉત્સાહની દિવ્યશક્તિ -સાધુ કૌશલમૂર્તિદાસ(વચનામૃત : જીવનમાર્ગદર્શક–૪૦)

0
396

સંસ્કૃતમાં એક કહેવત છે, ‘सोत्साहानांनास्त्यसाध्यंनराणाम्’ ઉત્સાહી મનુષ્યો માટે કોઈ પણ વસ્તુ

અસાધ્ય નથી.

જીવનમાં ઝંઝાવાતો તો આવ્યા જ કરવાના. સુખ-દુઃખથી ભરેલી મેઘધનુષી જિંદગીના તરેહ તરેહના
રંગ પલટાય છે. ‘चक्रवत्परिवर्तन्तेदुःखानिचसुखानिच’જિંદગીમાં સુખ-દુઃખ રથના પૈડા માફક ફર્યા જ કરે છે. છતાં
જિંદગીને દુઃખપ્રધાન કહી છે. જીવનનાં આ સુખ-દુઃખનાં ચક્રમાં કે આંધી-ઝંઝાવાતોમાં જે પોતાના ઉત્સાહને ટકાવી રાખે
છે તે જ સામે પાર ઉભેલા સુખનાં રમણીય ઘરમાં પ્રવેશવાનો અધિકારી બને છે.

લડાઈના મોરચે લડવૈયાઓ હથિયારથી સજ્જ થઈ સામી છાંતીએ કૂચ કરતાં આગળ ધપે છે. તેમાંથી
એકાદ સૈનિક થોડો પણ પાછો હઠે તો સેનાપતિ એને તરત બરતરફ કરે છે. એમ ન કરે તો તેની પાછળ બીજા ઘણાં
હતોત્સાહી બની રહે. દુનિયામાં ઘણાં લોકો અકલ્પ્ય અને અપૂર્વ સફળતાને વર્યાં છે કારણ કે તેમને કદી પણ ઉત્સાહનો
પનારો છોડ્યો નથી.

ઉત્સાહ ગયો એટલે સમજવું જીવનનો રસ પણ ગયો ! ઉત્સાહહીન અને રસવગરનું શુષ્કજીવન એ

જીવન નથી.

અર્નોલ્ડ લખે છે : જે પોતાનો ઉત્સાહ ખોઈ બેસે છે તે જ આ જગતમાં સૌથી નાદાન માનવી છે. પોતાની
પાસે હોય તે તમામ ભલે ખોઈ નાખે પણ જો તે ઉત્સાહને સાચવી રાખશે તો તે એક દિવસે જરૂર સફળતાને પામવાનો.
ભગવાન સ્વામિનારાયણે પણ આધ્યાત્મિક માર્ગે ચાલનાર સાધકને ઉત્સાહ જાળવી રાખવાનો ઉપદેશ
આપતાં વચનામૃત ગ.પ્ર.15 માં કહ્યું છે : ' ભગવાનના સ્વરૂપને અંતરમાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર થઈને મૂકી
ન દે, પણ સંકલ્પને ખોટા કરતો રહી વળગ્યો રહે ને ધારતાં ધારતાં દશ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા
પચીશ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ. એવું જેને વર્તતું હોય તેને
એકાંતિક ભક્ત કહીએ.'

સફળતાનું શિખર સર કરી વિજયધ્વજ લહેરાવવો હોય તેણે દૃઢતા કરી લેવી કે : ' હું જે કામ હાથ પર
લઈશ તે પૂરતો વિચાર કર્યા પછી જ લઈશ. કામ કરતાં કદી પણ પ્રમાદ સેવીશ નહિ. ને એકવાર કામને હાથ પર લીધા
પછી ગમે તેટલાં વિઘ્નો આવે તો પણ એને કદી પણ છોડીશ નહિ, બસ મંડ્યો રહીશ ને કામ પૂરું કરીને જ જંપીશ.'

નિરાશામાં આશાના સૂર્યની અપેક્ષા હોય કે પછી સ્થગિત થયેલાં કાર્યોની નિરંતરતા હોય, સફળતાના
શ્રેષ્ઠ પરિણામની ઈચ્છા હોય કે પછી વર્તમાન કાર્યની ગૌરવપ્રાપ્તિ હોય, ઉત્સાહ જીવનના આવા દરેક પાસાને વેગવંત
અને ચેતનવંત બનાવે છે. દરેક પાસાને વેગવંત અને ચેતનવંત બનાવે છે.

ભારતભરમાં શેખચલ્લીના દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે. તેની માફક હવાઈ તરંગોની મહેલાતમાં રાચવાથી
જીવનમાં સફળતા હાંસલ કરી શકાતી નથી. જે નથી અથવા ચાલ્યું ગયું છે તેને જરા પણ અફસોસ કર્યા વગર સામે
ઊભેલા પડકારોને જે ઝીલી શકે છે વળી અંતરમાં ઉત્સાહ હશે ને હૈયામાં હામ હશે તો સુખ સફળતા મળશે જ.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામીમહારાજના ગુરુ યોગીજીમહારાજનો સંકલ્પ હતો કે દિલ્હીમાં યમુના કિનારે મંદિર
કરવું છે. તેઓના ધામગમન બાદ પ્રમુખસ્વામીમહારાજે ગુરુના આ સંકલ્પને સાર્થક કરવાનું બીડું ઝડપ્યું. દિલ્હી માટે એવું
કહેવાય છે કે ચાંદ પર જમીન મળવી સહેલી છે પણ દિલ્હી શહેરમાં મળવી અઘરી છે. અનેક વિઘ્નો અને કાયદાકીય
આંટીઘુંટીઓ વચ્ચે પણ પ્રમુખસ્વામી મહારાજ હિંમત ન હાર્યા. યમુનાના કિનારાથી દૂર બીજી જમીનો મળતી હોવા છતાં
પ્રમુખસ્વામીમહારાજે 35 વર્ષ સુધી શ્રદ્ધા જાળવી રાખી અને ઉત્સાહ પૂર્વક જમીન સંપાદનના કાર્યમાં મંડ્યા રહ્યા. છેક
સન્ 2000 ની સાલમા પોતાના ગુરૂના સંકલ્પાનુસાર યમુના કિનારે કાયદેસર ભૂમિ લઈને તેના પર ફક્ત પાંચ જ વર્ષમાં
વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરની રચના કરીને યોગીજીમહારાજના ચરણે ભાવાંજલિ અર્પણ કરી.

આમ ઉત્સાહ એ જીવનનો બીજો પર્યાય છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરાવે તેવી દિવ્યશક્તિ એ

ઉત્સાહ છે. આવો એ ઉત્સાહરૂપી દિવ્યશક્તિ દ્વારા જીવનનાં અનેક સોપાનો સર કરીએ.(ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here