ગાંધીનગર જિલ્લામાં રેતી માફીયાઓ દ્વારા બેફામ રેતીની ચોરી

958
gandhi2932018-6.jpg

ગાંધીનગરમાં સાબરમતી નદીની રેતી રેતી માફીયા દ્વારા થતા ગેરકાયદેસર વહનના છેલ્લા બે વર્ષના આંકડા સરકારે જાહેર કર્યા છે જે જોતાં આંખો ફાટી જાય તેમ છે અને વારંવાર રેતી ચોરી-માફિયા રાજ અંગે ધ્યાન દોરવા છતાં સાબરમતીમાંથી ગેરકાયદેસર રેતી વહન રાજયના પાટનગરમાં પણ બંધ કરી શકાતું નથી તે પુરવાર થતાં આંકડા સરકારે વિધાનસભામાં રજુ કર્યા હતા. 
કોંગ્રેસના બળદેવજી ઠાકોરે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે ૩૧ જાન્યુઆરી, ર૦૧૮ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં કઈ ખનિજની ચોરી અંગેના કેટલા કેસ નોંધવામાં આવ્યા તે પૈકી કેટલા કેસમાં દંડ વસુલવામાં આવ્યો, એમાંથી વર્ષવાર કેટલી આવક સરકારને થઈ અને દંડની આકારણી પછી કેટલા કેસમાં અપીલ દાખલ થઈ છે. 
ત્યારે એકલા રેતીના કેસનો સૌથી મોટો આંકડો સાબિત કરે છે કે રેતીની ચોરી ગેરકાયદેસર વહન ગાંધીનગર જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થાય છે. રેતીના કેસની સંખ્યા પ૬૭ જેટલી જંગી છે જેમાંથી ફકત ૩૮૭ કેસોમાં દંડની રકમ વસૂલવામાં આવી હોવાનું પણ સરકારે કબુલ્યું હતું જેમાં ૩૩ર લાખ ૪૪ હજારનો દંડ વસુલવામાં આવ્યો હોવાનું પણ વધુમાં જણાવ્યું હતું. 
આ ઉપરાંત સાદી માટીના ૩૮ પૈકી ર૯ માં ર૯ લાખ ૯૬ હજાર દંડ, બ્લેક ટ્રેપના ૧૮ કેસમાંથી ૧૪ કેસમાં ૧૩ લાખ ૪૦ હજાર દંડ, કવાર્ટઝના બે કેસમાં ૩.૦૬ લાખ દંડ, ગ્રેવલના ૩ પૈકી ર કેસમાં ર.૧પ લાખ, બિલ્ડીંગ સ્ટોનના ૧ કેસમાં ૧ લાખ કરવેરો સેલના ૧ કેસમાં ૧ લાખ સેન્ડ સ્ટોનના ર કેસમાં ર લાખ દંડ વસુલ્યો હોવાની માહિતી ખાણ ખનિજ મંત્રીએ આપી હતી. 
આમ જિલ્લામાં કુલ ખનિજ ચોરીના ૬૩ર કેસ કરવામાં આવ્યા જે પૈકી ૪૩૮ કેસમાં દંડની વસુલાત કરવામાં આવી અને કુલ ૩ કરોડ ૮પ લાખની રકમ દંડ પેટે વસુલ કરવામાં આવી હોવાની આધારભૂત માહિતી સરકાર તરફથી ખાણ ખનિજ મંત્રીએ આપી હતી. બે વર્ષમાં કુલ રપ કરોડ ર૯ લાખ જેટલી રોયલ્ટીની આવક પણ થઈ હોવાનું વધુમાં જણાવ્યું હતું. 
વારંવાર અનેક ફરિયાદો રેતીની ચોરી માફિયાઓ દ્વારા રેતીનું વહન થવાની નાગરિકો દ્વારા પણ ઉઠાવવામાં આવે છે. પકડાયેલી રકમ અને દંડ તથા કેસ તો ખૂબ ઓછા છે બાકી ભ્રષ્ટાચારી રીતરસમથી આનાથી અનેકઘણી ચોરી થતી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Previous articleસિવિલના ભ્રષ્ટ એકાઉન્ટ અધિકારી વિરૂદ્ધ પગલા લેવામાં તંત્રની પીછેહટ
Next articleબાબરીયાવાડમાં ધાર્મિક પ્રસંગે ભોજન કરતા પ૦થી વધુને ઝાડા-ઉલ્ટી થયા