મનરેગા હેઠળ રોજગારી આપવામા ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમા દ્રિતીય ક્રમે, ૧,૦૧,૫૭૨ શ્રમિકો મેળવી રહ્યા છે રોજગારી

666

ભાવનગર જિલ્લામાં કોરોના કોવિડ-૧૯ની મહામારીના આ સમયમાં મનરેગા યોજના હેઠળ રોજગારી આપવાના હેતુથી સરકારશ્રીની સુચના અનુસાર જિલ્લા કક્ષાએથી વધુમાં વધુ શ્રમિકો મનરેગા યોજનાના કામોમાં જોડાય તેવા બહોળા પ્રમાણમાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જિલ્લાની ૨૬૮ ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા ઉતારવા, ચેકડેમ ઉંડા ઉતારવા અને માટી પાળાના કામો શરૂ કરી દેવામાં આવેલ છે. જેના થકી આજે જિલ્લામાં ૨૩૨ ગ્રામ પંચાયતોમાં ૨૫૪ કામોમાં ૧,૦૧,૫૭૨ શ્રમિકોને જિલ્લામાં રોજગારી મળી રહી છે. એપ્રિલ માસના અંતથી શરૂ કરવામાં આવેલ આ કામગીરીમાં ભાવનગર જિલ્લો રાજયમાં અગ્રતા ક્રમે છે. આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ધર્મેશ પટેલે જણાવ્યુ હતુ કે આ મહામારીના સમયમાં ગ્રામિણ રોજગારી પ્રદાન કરવાના હેતુથી મનરેગા યોજના હેઠળ મહત્તમ લોકોને રોજગારી મળે તેવા પ્રયત્નો સરકારશ્રી દ્વારા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમા અન્ય જિલ્લાઓમાંથી પોતાના ગામમાં આવેલ કુટુંબોને અને ગામના જોબકાર્ડ વાંછુક કુટુંબો એમ જિલ્લામાં કુલ ૨૯,૦૦૦ જેટલા નવા જોબકાર્ડ કુટુંબ દિઠ ઇસ્યુ કરવામાં આવેલ છે અને આ તમામ કુટુંબને મનરેગા યોજના હેઠળ નવા દર મુજબ કામના પ્રમાણમાં દૈનિક ભથ્થુ રૂ.૨૨૪ મુજબ કામ આપવામાં આવી રહ્યુ છે. જેમા આજદિન સુધી ૪૬,૬૮૮ કુટુંબોને ૪,૦૯,૮૫૯ માનવદિનની રોજગારી પુરી પાડવામા આવેલ છે અને શ્રમિકોને રૂ.૭૨૧.૭૦/- લાખનું ચુકવણુ કરવામાં આવેલ છે.
આ યોજના હેઠળ રોજગારીની સાથો સાથ ગ્રામિણ વિકાસના કામો પણ થઇ રહેલ છે. જે અંતર્ગત જળ સંચયના કામો જેવા કે તળાવ ઉંડા ઉતારવા,ચેકડેમ ઉંડા ઉતારવા તથા ગ્રામ્ય રસ્તાના કામો, માટી પાળાના કામો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે “ગામનુ પાણી ગામમા જ” સુત્ર સાર્થક થઇ રહ્યુ છે. આવા પ્રકારના કામો હજુ પણ તબક્કાવાર શરૂ કરી આગામી સમયમા મોટાભાગની ગ્રામ પંચાયતને મનરેગા કામ હેઠળ આવરી લેવામાં આવશે. મનરેગા કામોનુ સુચારૂ સંચાલન અને અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા તેમજ તાલુકા સ્તરેથી કામોનુ મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે અને શ્રમિકે કરેલ કામનુ વેતન ૮ દિવસમા શ્રમિકને મળી જાય એ મુજબની સુચારૂ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવેલ છે.

Previous articleલોકડાઉનના કારણે થયેલ નુકશાની ની સહાય કરવા બાબતે
Next articleરાણપુરમાં ચંદ્રોદય આયુર્વેદીક ફાર્મસી દ્રારા વિનામુલ્યે ઉકાળા વિતરણ કેમ્પ યોજાયો..