નિસર્ગ વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

417

રાજય સરકાર દ્વારા ભાવનગરને NDRF તેમજ SDRFની બે ટીમો ફાળવાઈ. ભાવનગર જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જિલ્લામાં જાન-માલની કોઈ નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલે મહુવા તેમજ તળાજા તાલુકાના દરિયાઇ કાંઠા વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી અને કરવામાં આવેલ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકરશ્રીએ મિઠાના અગરીયાઓને સુરક્ષિત સ્થળે જવા તેમજ માછીમારોને દરીયો ન ખેડવા સુચન કર્યું હતુ. આ સિવાય કલેકટરશ્રીએ શેલ્ટર હોમની મુલાકાત અને ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા અંગેની પણ સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ માર્ગ-મકાન, વન વિભાગ, મત્સ્યઉદ્યોગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરે વિભાગોની સંકલિત ટીમોને વાવાઝોડા અંગે સતર્ક રહેવા તાકીદ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા દરમ્યાન જિલ્લામાં ઓછામા ઓછુ નુકસાન થાય તે માટે આગમચેતીના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેમાં જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત ૪ તાલુકાઓના ૩૪ ગામોમાં તાત્કાલીક રાહત બચાવની કામગીરી માટે નક્કી કરાયેલ ૯ ક્લસ્ટર પોઈન્ટ પર તમામ વિભાગની ક્લસ્ટર-ટીમોને ૨૪*૭ કાર્યરત કરવામા આવેલ છે તેમજ જિલ્લામાં અસરગ્રસ્ત તાલુકાઓમાં રાહત બચાવ કામગીરી માટે ૧૦૮ સહિત કુલ ૫૬ એમ્બ્યુલન્સ કાર્યરત કરેલ છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારોમાંથી રોડ સાઈડના કુલ ૯૭ મોટા હોર્ડિંગ્સ સબંધિત વિભાગો દ્વારા ઉતારી લેવામાં આવેલ છે. COVID-19ની પરિવહનની ગાઈડલાઈન ધ્યાને લઈ સોશ્યલ ડિસ્ટન્સ રાખી જિલ્લામાં કુલ કુલ:-૩૦૬૬ લોકોનું સલામત સ્થળે શેલ્ટર હોમ્સમાં સ્થળાંતર કરેલ છે તેમજ નિસર્ગની સંભવિત અસરને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા જિલ્લાને NDRFની ૨૫ સંભ્યોની ટીમ તેમજ SDRF ની ૬૬ સંભ્યોની ટીમ ફાળવવામાં આવેલ છે જેમને મહુવા તાલુકા મથકે નગરપાલીકા વિસ્તારમાં લીલીવાડી તેમજ ઘોઘા તાલુકા મથકે ઘોઘા બી.આર.સી.ભવન ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે.

Previous articleકુડા ગામની જળ સમસ્યાને નિવારવા તંત્ર દ્વારા ટેન્કરથી પાણી વિતરણની વ્યવસ્થા શરૂ કરાઈ
Next articleરાણપુરના રાજપરા ગામે ઈલેક્ટ્રીક શોક લાગવાના કારણે મૃત્યુ પામેલા બે સગા ભાઈઓના પરીવારને તાત્કાલિક સહાય અપાઈ.