અનુભવના ઓટલે અંક: ૬૫ ચલણી સિક્કાનું રહસ્ય

5619

પરિસ્થિતિ ચલણી સિક્કા જેવી હોય છે. દિવસ પછી રાત થયા વિના રહેતી નથી. રોજબરોજના વ્યવહારમાં વપરાતા સિક્કાની બંને બાજુઓનો જે રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમ જીવનમાં આવતા સુખ –દુ:ખનો, આપણે હસતા મોંએ સ્વીકાર કરવો જોઈએ. કારણ કે જીવનરૂપી વ્યવહાર ચલાવવા ઈશ્વર પરિસ્થિતિરૂપી સિક્કો ચલણમાં મૂકે છે. જેના લીધે સંસારમાં સર્જન-વિસર્જનનો વ્યવહાર ચાલતો રહે છે. જેને આપણે પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. ચલણી સિક્કાનું મૂલ્ય ગ્રાહક અને વેપારીને સમજાય છે, ત્યાં સુધી બંનેનો વ્યવહાર ચાલે છે. પરંતુ બંને વચ્ચે જ્યારે મતભેદ ઉદ્ભવે છે, ત્યારે ખરીદ-વેચાણનો વ્યવહાર અટકી પડે છે. તેવી જ રીતે સંસારની બદલાતી પરિસ્થિતિ મનુષ્યની સમજશક્તિની બહાર જાય છે, ત્યારે સૄષ્ટિના વિનાશનો પ્રારંભ થાય છે. માનવની બેદરકારીના લીધે ખૂબસુંદર દેખાતી સૄષ્ટિ પર સમયરૂપી બુલડોઝર ફરી વળે છે. એટલું જ નહિ કોઈવાર જગતનો કચ્ચરઘાણ વળી જાય છે.
“વિવિધ રંગી ચિત્ર મારું ડાઘથી ખરડાય છે,
પાંદડિઓ પુષ્પ તણી ખીલ્યા વિના જ કરમાય છે”
ખૂબ સુંદર દેખાતું જગત એકાએક શા માટે કોવિડ-૧૯ની મહામારીથી ઘેરાય ગયું હશે?”
“હે ઇશ્વર, માનવજગતે કોવિડ-૧૯ વાઈરસનું શું બગાડ્યું છે?”
મિત્રો, પરિસ્થિતિ પ્રકૄતિ વડે બદલાય છે. કુદરત દ્વારા પરિસ્થિતિનું પરિવર્તન, સૄષ્ટિના સર્જન-વિસર્જન માટે સતત ચાલતું જ રહે છે. દરેક જીવ તેનું પરિવર્તન કરવા પોતાની ભૂમિકા ભજવતો રહે છે. તેમાં જીવાણુથી માંડી માનવ સુધીના જીવોનો સમાવેશ થાય છે. આપણે મેલરિયા ફેલાવતા મચ્છરનો નાશ કરવા ભલે દવાનો છંટકાવ કરતા હોઈએ. પરંતુ દવાના છંટકાવથી મૄત્યુ પામેલા મચ્છરો, બીજા કોઈ સ્વરૂપમાં નવો પડકાર લઈને આવી પહોંચે છે. કોવિડ-૧૯ વાઈરસ પણ આવો જ એક પડકાર છે. એવી જ રીતે તમારો પૂર્વ જન્મનો બદલો લેવા કોઈ જીવ સાપ બની તમને ડંખે છે. તેમ છતાં તે તમારો વાળ પણ વાંકો કરી શકતો નથી. કારણ કે તમે કમાયેલું પુણ્ય તેને તેમ કરવા દેતું નથી. ન્યાયના ત્રાજવે જયારે તમારું પુણ્યરૂપી પલ્લું જીતી જાય છે, ત્યારે કાતિલ વિષ ધરાવતો સાપ તમને મૄત્યુદંડ આપવામાં નિષ્ફળ નીવડે છે. પરંતુ કર્મફળનો ક્ષય થતા જ તે ફરી એકવાર નવા સ્વરૂપમાં બદલો લેવા આવી પહોંચે છે. આપણા શરીરમાં અસંખ્ય જીવો વસવાટ કરે છે. તેમાના કેટલાક જીવો શરીરની દૈનિક ક્રિયામાં સહાયભૂત બને છે. કેટલાક જીવો તમારા શરીરના અવયવોને હાનિ કરે છે તો કેટલાક તેની ખામી દૂર કરી શક્તિ આપે છે. આંતરડામાં પહોંચેલા આહારને અસંખ્ય બેક્ટરિયા વિઘટન ક્રિયાના વાહક બની પચાવે છે. જીવોનું આવું જોડાણ કર્મફળના આધારે થાય છે. કર્મની પૂંજી ખલાસ થતા જ જોડાણનો અંત આવે છે. જન્મ-મરણનો પેગામ લઈ આવતો દરેક જીવ તેના કર્મબંધન મુજબ વર્તે છે. કોઈનું કામ નિર્માણનું હોય છે, તો વળી કોઈનું કામ વિસર્જનનું પણ હોય છે. ઈશ્વર દ્વારા વર્તમાન સમયમાં, કોવિડ-૧૯ વાઈરસનું નિર્માણ થયું છે, તે સમગ્ર માનવજાત માટે ચિંતનનો વિષય છે. જ્યારે કોઈ ચોક્કસ સમૂહ અસંખ્ય જીવોના વિનાશ માટે કર્મ કરે છે, ત્યારે તેનો ભોગ બનેલા જીવો કોઈ ને કોઈ સ્વરૂપમાં તેનો બદલો લેવા આવી પહોંચે છે. સંચિત કર્મની મૂડી કમાઈ આવેલો જીવ બદલો લીધા વિના પરત ફરતો નથી. જેમ બજારમાં ખરીદી કરવા ગયેલો ગ્રાહક દામ ખૂટે નહિ ત્યાં સુધી પરત ફરતો નથી, તેમ ઈશ્વરે વિસર્જન માટે મોકલેલો જીવ તેની કર્મપૂંજી ગુમાવે નહિ ત્યાં સુધી ભોગ લીધા વિના વિદાય થતો નથી. જીવાત્માનું કર્મ, જન્મ-મરણની પૂંજી ગણાય છે. તેને આધ્યાત્મિક જગતનો ચલણી સિક્કો માનવામાં આવે છે. સર્જન અને વિસર્જન, આધ્યાત્મિક જગતના ચલણી સિક્કાની બે બાજુઓ ગણાય છે. આધ્યાત્મિક જગતમાં વેપાર ચલાવા, સર્જન તથા વિસર્જન એમ બંને પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે છે. આટલી સરળ સમજના અભાવે, આપણને આધ્યાત્મિક જગતનું ચલણી નાણું પ્રાપ્ત થઈ શકતું નથી. પરિણામે નાણાના અભાવે આપણો આધ્યાત્મિક વેપાર પડી ભાંગે છે. દરેક જીવ પરબ્રહ્મ પરમાત્મા અને દેવી લક્ષ્મીજીના રમકડાં છે. તેથી તેમની બાજી મુજબ આપણે રમવું પડે છે. પરમાત્મા દરેક જીવોને પરિસ્થિતિરૂપી ચલણી સિક્કો પકડાવી સંસારભૂમિ પર મોકલી દે છે. આધ્યાત્મિક પૂંજીનો હિસાબ દરેક જીવોને ઈશ્વરના દરબારમાં આપવો પડે છે. એટલા માટે કહેવાય છે:
“જિંદગી નથી દોસ્તો પત્તાનો મેલ, કે એમ તેને તોડી શકાય,
જિંદગી તો છે આશાનો ખેલ ‘ઝગમગ’ રમતા-રમતા જીતી લેવાય”

પદના શબ્દો ઘણી ટકોર કરી જાય છે. સોનું, ચાંદી, ઝવેરાત, જમીન, મકાન અને રોકડ રકમનો હિસાબ માણસ ડગલે ને પગલે કરવા બેસી જાય છે. પરંતુ સંસારભૂમિ પર જેનું મૂલ્ય સમજવામાં આવે છે. તેનું આધ્યાત્મિક જગતમાં કોઈ મહત્વ નથી. અદ્રશ્ય જગતમાં વેપાર ખેડવો હોય તો અદ્રશ્ય નાણું કમાવું પડે છે. જેમ આકાશમાં ધ્રુવનો તારો અને સંગીતમાં પંચમનો સૂર હંમેશા અચળ રહે છે, તેમ કોઈપણ પરિસ્થિતિમાં જે મનુષ્ય ચલિત થતો નથી, તે અદ્રશ્ય જગતની અઢળક સંપત્તિનો માલિક બની પરમધામમાં રાજ કરે છે.

આપણે ત્યાં કહેવાય છે કે: “મરજીવો હોય તે ઊંડા સમુદ્રમાંથી મોતી લાવે” સંસારનો વૈભવ ત્યજી જે ભક્તિ કરે છે, તે આધ્યાત્મિક જગતનું રહસ્ય જાણી શકે છે. પરંતુ સમુદ્રના કાંઠે બેસી રહેનાર વ્યક્તિના હાથમાં છીપલાં જ આવે છે, તેમ દ્રશ્ય જગતનું દેખીતું દુ:ખ કે સુખ સમુદ્ર કિનારે મળી આવતા છીપલાં જેવું છે. પરંતુ અનાહદ નાદમાંથી ઉત્પન્ન થયેલું બ્રહ્માંડનું સંગીત આપણને વાસ્તવિક સુખની અનુભૂતિ કરાવે છે. ભીડની વચ્ચે પણ જે એકાંતની અનુભૂતિ કરી શકે છે, તે બ્રમ્હાંડનું સંગીત સાંભળવાનો લહાવો લઈ શકે છે. મતલબનો ઘોંઘાટ તેને વિક્ષેપ પહોંચાડી શકતો નથી. કોઈવાર તે સંસારભૂમિના મુસાફરનો માર્ગ બદલી નાંખે છે. જેના કારણે કેટલાક લોકો મુક્તિનો માર્ગ ખોળી કાઢે છે. શ્રદ્ધા વિના જીવન જીવી શકાતું નથી અને વિશ્વાસ વિના સમુદ્રમાં વહાણ તરી શકતું નથી.
“જિંદગીના સંઘર્ષનો સરવાળો ગણિતના અંકોમાં નથી હોતો,
મંજિલ પરના મુકામ પર પહોંચવાનો કોઈ પરવાનો નથી હોતો”
કોવિડ-૧૯ જેવી લાખો સમસ્યાઓ આવે ને જાય, આપણે ચલિત થવાની જરૂર નથી. કારણ કે કર્મમાં જે લખ્યું હોય છે, તે થયા વિના રહેતું નથી. તેથી આપણે તેની નાહક ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતાની આગ આપણા હાડ-ચામડાં બાળી નાખે છે. પરંતુ ચિંતનરૂપી અમૄત અંતરમાં સળગતી આગ ઠારી દે છે.

આધ્યાત્મિક જગતના ચલણી સિક્કામાં ત્રણ તત્વનો સમાવેશ થાય છે.
લિપિ,ભાષા અને વિષય વસ્તુ જેને સમજવા પ્રયાસ કરીએ.
માનવ શરીર એક ફેક્ટરી છે. મુખ્યત્વે તેમાં બે પ્રકારના કર્મનું ઉત્પાદન થાય છે. શારીરિક અને માનસિક.
(૧) શારીરિક:
દૈનિક ક્રિયાઓ, જીવન-નિર્વાહ અને સંપત્તિ અર્જિત કરવા કરવામાં આવતો શ્રમ,શારીરિક કર્મ છે. વિચાર અને વાણી માનસિક કર્મ કહેવાય છે. વળતરની ચિંતા છોડી નિષ્ઠાપૂર્વક ગુણવત્તા જાળવવા, બજાવેલું કર્મ સાત્વિકફળ આપે છે. નોકરીદાતાના ડરથી બજાવેલું કર્મ ઉત્તમ હોવા છતાં રાજસીફળ આપે છે. જે વ્યક્તિ વળતર મુજબ પોતાનું કર્મ બજાવતો નથી. તેનું સરવાળે પતન થાય છે. કારણ કે તમોગુણી કર્મ હંમેશા નકારાત્મક ફળ આપે છે.
(૨) માનસિક કર્મ:
ત્રાહિત વ્યક્તિ અથવા અન્ય જીવોના ભલા માટે કરેલો ઉમદા વિચાર તેમજ મૄદુ વાણી ઉત્તમ ફળ આપે છે. પોતાને ફાયદો થાય તેવો કરેલ વિચાર અને ઉચ્ચારેલ વાણી મધ્યમ ફળ આપે છે. માત્ર પોતાના હિત માટે કરેલ વિચારણા તેમજ ઉચ્ચારેલી વાણી કનિષ્ઠ ફળ આપે છે.
(૩)જોગસંજોગ:
મનુષ્ય માટે શારીરિક અને માનસિક કર્મો બજાવવા ખુદ ઈશ્વર જોગ-સંજોગ ઊભા કરે છે.
મહાભારતમાં જુગટું રમતા યુધિષ્ઠિરની બુદ્ધિ ભગવાન હરી લે છે. જેના લીધે યુધિષ્ઠિર એક પછી એક બાજી હારતા હોવા છતાં વારાફરતી પાંચે ભાઈઓ નકુળ, સહદેવ, અર્જુન, ભીમ તેમજ અંતે સ્વયંને દાવ પર લગાવી પરાજીત થાય છે. તેને પરિવાર દ્વારા વારંવાર રોકવા છતાં યુધિષ્ઠિર જુગટું રમતા અટકતા નથી. મામા શકુનિની યુક્તિ તેઓ જાણી શકતા નથી. આખરે તે દ્રૌપદીને પણ દાવ પર લગાવી દે છે. સંપત્તિ અને પરિવારની સ્વતંત્રતા ગુમાવે છે. આખરે શક્તિશાળી પાંચ પાંડવો સામે ભરીસભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે. પોતાની સ્વતંત્રતા ખોઈ બેઠેલા પાંડવો શક્તિશાળી હોવા છતાં દ્રોપદીનું શિલ બચાવી શકતા નથી. ત્યારે ભગવાન કૄષ્ણ નવસો-નવ્વાણુ ચીર પૂરી દ્રૌપદીની રક્ષા કરે છે. પરંતુ ભગવાન કૄષ્ણ સભામાં બેઠેલા મહાર્થીઓને પાપના ભાગીદાર પણ બનાવે છે. જ્યારે વ્યક્તિ પોતાની આંખ સામે આચરવામાં આવતું કૃત્ય નિહાળતો રહે છે, ત્યારે તે પાપનો ભાગીદાર બને છે.

સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ નિહાળી ભીષ્મ, ગુરુદ્રોણ, વિકર્ણ અને મહારાજા ધૃતરાષ્ટ્રના ચહેરા વિલાઈ જાય છે. વાતાઘાટના અંતે મામા શકુનિ એક ફોર્મ્યુલા રજુ કરે છે. મામા શકુનિની ફોર્મ્યુલા મુજબ પાંચ પાંડવો અને દ્રૌપદીને સ્વતંત્ર કરવામાં આવે છે, પરંતુ મામા શકુનિની શરત મુજબ પાંચ પાડવો અને દ્રૌપદીને બાર વર્ષનો વનવાસ અને એક વર્ષ અજ્ઞાત અવસ્થામાં પસાર કરવાનો હુકમ સંભળાવામાં આવે છે. પાંડવો તેનો સ્વીકાર કરે છે. દ્રૌપદી નારાજ થઈ એક રૂમમાં પુરાઈ જાય છે. દરવાજો ખોલવા બધા ખૂબ સમજાવે છે. કોઈને સફળતા મળતી નથી. તેને તોડવા ભીમ પ્રહાર પણ કરે છે પણ દરવાજો તૂટતો નથી. સુભદ્રાજી ભગવાન કૄષ્ણને યાદ કરે છે. ભગવાન કૄષ્ણ તેમની સહાય કરવા આવી પહોંચે છે. દુ:ખી દ્રૌપદી સાથે ભગવાન કૄષ્ણ સંવાદ કરે છે: ‘કર્મફળ ભોગવવા કોઈપણ સમસ્યાનો સામનો કરવા આપણે તૈયાર રહેવું જોઈએ. સુખદ ઉકેલ માટે ઈશ્વર તમને સહાય કરવા અવશ્ય આવે છે. તમારું કામ સમસ્યા ઊભી કરનારને ક્ષમા આપવાનું છે. કારણ કે તેમ કરવાથી તમે ન્યાયનો દરવાજો ખોલી નાંખો છો. તમને ન્યાય આપવાની જવાબદારી ઈશ્વરની બની જાય છે.’ ભગવાન કૄ્ષ્ણનો સંવાદ દ્રોપદી હૄદયસ્ત કરી શકી હતી. પરિણામે મહાભારતમાં કૌરવોનો વિનાશ થાય છે, પરંતુ પાંડવોને રાજ પ્રાપ્ત થાય છે. પોતાના દુ:ખ પર વિચાર કરનાર વ્યક્તિ તેમાંથી મુક્તિ મેળવી શકે છે. પરંતુ અન્યના દુ:ખો દૂર કરવા જે વિચારે છે, તે મોટો સમ્રાટ બની જાય છે. ભગવાન કૄષ્ણએ પાંડવોને ઉદ્દેશીને કહ્યું હતું કે: ‘દ્રૌપદી જેવી સુરક્ષિત નારીની હાલત હસ્તીનાપુરના રાજદરબારમાં થતી હોય તો બીજી સ્ત્રીઓની શી હાલત થઈ શકે? વિચારવાનો સમય પાકી ગયો છે.’ ભગવાન શ્રીકૄષ્ણના મતે લાખો લોકોના કલ્યાણ માટે છેડેલું યુદ્ધ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. યુદ્ધમાં ભલે ગમે તેટલા લોકોનો ભોગ લેવાય, તેમ છતાં ધર્મના રક્ષણ માટે છેડેલું યુદ્ધ ઉત્તમ છે.

આપણે પણ કોવિડ-૧૯ દ્વારા ઊભી થયેલ પરિસ્થિતિ સામે લડવાનું છે. લોકડાઉનમાં પરિવાર સાથે રહી સૄષ્ટિના કલ્યાણ માટે ખરા દિલથી પ્રાર્થના કરવાની છે. દોષિત લોકોને ક્ષમા આપી જગતના કલ્યાણ માટે કર્મ કરવાનો સંકલ્પ લેવાનો છે. જીત આપણી નક્કી છે, પણ કોરોના વાઈરસ ફેલાવનાર વ્યક્તિ, સમૂહ અથવા દેશને ક્ષમા આપી નિર્મળ બનવું પડશે. અરીસો સાફ કર્યા વિના ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો નથી. જ્યાં સુધી કોઈપણ સિક્કામાં છાપ અને કાટ એમ બંને બાજુઓનો સમાવેશ થતો નથી, ત્યાં સુધી તે સિક્કો ચલણમાં મૂકી શકાતો નથી. ઈશ્વર દ્વારા મનુષ્યનું જીવન સુખ અને દુ:ખના આભૂષણ વડે સજાવામાં આવે છે. ઘરેણા વિનાની સ્ત્રી શોભતી નથી, તેમ સુખ અને દુ:ખ વિનાનું મનુષ્યનું જીવન મહેકી શકતું નથી.

 

લેખક: લાભુભાઈ ટી. સોનાણી

Previous articleરાણપુર શહેર સહીત સમગ્ર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ.
Next articleભાવનગર શહેરમાં પોલીસ દ્વારા માસ્ક ન પેહરનારાઓ અનેક વાહનચાલકોન દંડાયા