રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ૮ મોબાઈલ પશુ વાનનું લોકાર્પણ કરાયુ

435

ગુજરાત સરકાર જીવદયા અને કરૂણાને વરેલી છે. એના પગલે મૂંગા જીવોની જીવન રક્ષા માટે વ્યાપક કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ કરુણા અભિયાનના જાણે કે એક સશક્ત કદમના રૂપમાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક માનવ સારવાર માટેની ૧૦૮ સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર ૧૯૬૨ આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાને પણ ૮ પશુ વાન અર્પણ કરાઈ હતી. જેને લીલી ઝંડી આપી રાજ્ય શિક્ષણમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતુ.


આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અંને ભાવનગરને સૌથી વધુ પશુ મોબાઈલ વાન ફાળવાઈ છે. ૧૦ ગામ દિઠ ક્લસ્ટર મુજબ ૧ એમ્બ્યુલન્સ પશુઓની સેવામા કાર્યરત રહેશે અને હજુ પણ તબક્કાવાર કુલ ૧૯ ફરતા પશુ દવાખાના ભાવનગર જિલ્લાને મળશે. શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ૧૦૮ની સેવા શરૂ કરી હતી. આજ પ્રણાલીને આગળ વધારી આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ માનવીની જેમજ પશુઓની પણ દરકાર લીધી છે.ઘણા રાજ્યોમા હાલ માનવીઓ માટે પણ એમ્બ્યુલન્સની સુવીધા નથી ત્યારે ગુજરાત સરકારે પશુઓ માટે આ સુવિધાઓ ઉભી કરી માનવી જેટલુ જ પશુનુ જીવન પણ અમુલ્ય છે અને તેને રક્ષિત કરવા કટીબધ્ધ બની છે. ભાવનગર જિલ્લાના પશુપાલન અધિકારી શ્રી શાહે જણાવ્યું હતુ કે પશુ ચિકિત્સા રથ કહી શકાય એવું આ ફરતું દવાખાનું ફાળવવામાં આવેલા ૮૦ ગામોમાં ૧૯૬૨ નં.પર કોલને આધારે સેવા આપશે. બીજા તબક્કામાં જિલ્લાને વધુ ૧૧ મળીને કુલ ૧૯ ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવશે જે તેની સાથે જોડવામાં આવનારા જિલ્લાના કુલ ૧૯૦ ગામોના પશુપાલકોના પશુઓની વિનામૂલ્યે અને ઘેર બેઠાં આરોગ્ય સંભાળ લેશે. ૧૯૬૨ ના વાહનોમાં જીપીએસ લગાવેલું હોવાથી, આ સેવાનું સી.એમ.ડેસ્ક બોર્ડ થી રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે છે. આ મોબાઇલ એનિમલ હોસ્પીટલમાં એક પશુ ચિકિત્સક અને એક વાહન ચાલક સહ મદદનીશ સેવાઓ આપશે.સવારના ૭ વાગ્યા થી સાંજના ૭ વાગ્યા સુધી ૧૯૬૨ પર કોલ કરીને જે તે વિસ્તારના પશુપાલકો પશુ સારવાર સેવા લઈ શકશે. આ પ્રસંગે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ.ના કર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ પરમાર

Previous articleનારી ચોકડી નજીકથી બંધ બોડીના આઇશર ટેમ્પામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર
Next articleગીર વરસાદ ખેંચતા ખેડૂતો માં વધી ચિંતા. વરસાદના અભાવથી અનેક ખેડૂતોએ ફુવારા પદ્ધતિથી પિયત કરાયું