પોષણ માહ ઉજવણી અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઉમેશ વ્યાસની અધ્યક્ષતામાં બેઠક મળી

0
38

દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે ‘પોષણ માહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઉમેશ વ્યાસની અધ્યક્ષતામાં આયોજન ખંડ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓની ‘પોષણ માહ’ અંતર્ગત કરવાની કામગીરી સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. આ વર્ષે પોષણ માહ અંતર્ગત પાંચ મુખ્ય બાબતો ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન અને પૌષ્ટિક આહારનો સમાવેશ થાય છે. દરેક આંગણવાડીમાં આ પાંચ બાબતોને ધ્યાને રાખીને કામગીરી કરવા પર ભાર આપવામાં આવશે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારી હોઇ સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકોના માતા-પિતાને પોષણ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. બાળકોને પૂરતું પોષણ મળી રહે એ માટે કીચનગાર્ડન (ન્યૂટ્રીશીયન ગાર્ડન) કરવા માટે અને કુપોષિત બાળકોના પાલક માતા-પિતાનો સંપર્ક કરી તેમને પૂરતી સમજ આપવી જેવી બાબતો અંગે ઉપસ્થિત સૌ બાળ વિકાસ યોજના અધિકારીઓને સમજાવાવમા આવ્યુ હતું. સપ્ટેમ્બર માસ દરમિયાન સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોષણ અભિયાનને સફળ બનાવવા ગૃહ મુલાકાત, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર, વેબિનાર, પૂર્વ પ્રસૂતિ તપાસ, સુખડી વિતરણ, હેન્ડ વોશ નિદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ સૂત્ર ‘સહી પોષણ દેશ રોશન’ ના ધ્યેય સાથે પોષણ માહની ઉજવણી કરાશે. આપણા જિલ્લામાંથી કુપોષણને નાબુદ કરવા માટે ‘પોષણ માહ’ અભિયાન લોક સહભાગિતાથી જનઆંદોલન બની રહે તેવા પ્રયાસો સાથે કામગીરી કરવા જણાવાયુ હતું. આ બેઠકમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઉમેશ વ્યાસ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી કાંતાબેન પરમાર, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી રોજગાર અને તાલીમ કચેરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વિવિધ તાલુકાની બાળ વિકાસ યોજના અધિકારી બહેનો ઉપસ્થિત રહી હતી. બેઠકને અંતે સૌએ દેશમાંથી કુપોષણને દૂર કરી પોષણયુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here