નાગરિકોની સુવિધાનો ધ્યેય કેન્દ્રસ્થાને રાખ્યો છે : મુખ્યમંત્રી

1361

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં રાજ્ય સરકારની માર્ગ પરિવહન સેવાઓમાં નફો કે નૂકશાન નહિ, પ્રજાજનોની સુવિધાઓ સગવડતાનો કેન્દ્રવર્તી ધ્યેય રાખ્યો છે તેમ સ્પષ્ટપણે જાહેર કર્યુ છે.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યના સામાન્યમાં સામાન્ય મુસાફરને પણ સલામતીનો વિશ્વાસ અહેસાસ એસ.ટી. નિગમની બસોમાં થાય છે.  મુખ્યમંત્રીએ પ્રજાવર્ગોના આ વિશ્વાસ ભરોસાને વ્યાપક સ્તરે બળવત્તર બનાવતાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, નાગરિકો-પ્રજાજનોને લગ્ન સરામાં ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પરૂપે સલામત-સરળ અને સસ્તી બસ સેવા રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવવા પ્રતિબધ્ધ છે.  મુખ્યમંત્રીએ આ અંગેની પ્રજાલક્ષી જાહેરાત કરતાં જણાવ્યું કે, લગ્ન પ્રસંગ માટે એસ.ટી.નો લાભ વધુ મળે તે માટે ૨૦ કી.મી. સુધી આવન-જાવન માટે માત્ર રૂા. ૧૨૦૦ તેમજ એક ફેરો હોય તો રૂા.૭૦૦ના નજીવા દરે સેવા અપાશે. એટલું જ નહિેં, ૪૦ કિ.મી. સુધી આવવા-જવાના ફેરા માટે રૂા.૨૦૦૦ અને એક ફેરા માટે રૂા.૧૨૦૦ ચૂકવવાના રહેશે તથા ૬૦ કિ.મી. સુધી ઉપયોગ કરનારે આવન-જાવન માટે ત્રણ હજાર અને એક ફેરા માટે રૂા.૧૫૦૦ ચૂકવવાના રહેશે.  મુખ્યમંત્રીએ આજે, રાણીપ ખાતે એસ.ટી. નિગમ દ્વારા પી.પી.પી. પ્રોજેકટ હેઠળ નિર્માણ થયેલી નવીન મધ્યસ્થ કચેરીને ખુલ્લી મૂકી હતી. સાથે સાથે અત્યાધુનિક કંટ્રોલ એન્ડ કમાન્ડ, સેન્ટરનું લોકાર્પણ તેમણે કર્યું હતું. નરોડા એસ.ટી.વર્કશોપ ખાતે મધ્યસ્થ યંત્રાલયનું નિદર્શન ઉપરાંત સેન્ટ્રલ મોટર્સ વ્હીકલ રૂલ્સ અને બસ બોડી કોડ મુજબની  છૈંજીઃ ૦૫૨ સર્ટીફાઇડ સુપર એક્સપ્રેસ બસને તથા રેડી-મીડી બસને ફલેગ ઓફ કરાવ્યું હતું. તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં મેટ્રોલીંક બસ રૂટનો પણ પ્રારંભ કરાવ્યો હતો.   કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટરનો ઉલ્લેખ કરી મુખ્યંત્રીએ જણાવ્યું હતું કે, મુસાફરો સમયસર ગંતવ્ય સ્થળે પહોંચે તે જરૂરી છે. તે માટે નિગમ અને રાજ્ય સરકાર કટિબધ્ધ છે. બસો સમયસર ઉપડે-પહોંચે અને નિયત સ્ટેશનો પર ઉભી રહે તેનું નિયંત્રણ અદ્યતન ટેકનોલોજી દ્વારા કરાશે તેનો સીધો લાભ લોકોને મળશે અને તો જ ખાનગી પરિવહન સેવા કરતાં એસ.ટી.ની સેવા વધુ સ્વીકૃત બનશે અને બની પણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

Previous articleશિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની સમિતિ રચાઇ
Next articleરાજયમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે ગરમીના પ્રમાણમાં વધારો