શહેર- જિલ્લામાં રમજાન ઈદની ઉજવણી

1372

ભાવનગર શહેર જિલ્લાના મુસ્લીમ બિરાદરોએ આજે શનિવારે રમજાન ઈદની શાનૌ-શોકત સાથે ઉજવણી કરી હતી. ઈદ-ઉલ-ફિત્રના પાવન

અવસરે ખાસ ઈબાદતો સાથે તમામ હિન્દુ તથા મુસ્લીમ બિરાદરોએ એકબીજાને રમજાન ઈદની મુબારક બાદી પાઠવાઈ હતી.આજે વહેલી સવારે શહેર જિલ્લાની તમામ મસ્જીદો તથા ઈદગાહોમાં લાખ્ખો મુસ્લીમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની ખાસ નમાજ અદી કરી હતી અને સામુહિક દુઆઓ કરવામાં આવી હતી અને મુસ્લીમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઈ પોતાના મર્હુમની કબર ઉપર ફુલ ચડાવી ફાતેહા પઢી ખાસ દુઆઓ કરી હતી.

આજે શનિવારે વહેલી સવારે સમગ્ર ગોહિલવાડનાં મુસ્લીમ બિરાદરોએ મસ્જીદોમાં ઈદની નમાજ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી અને આખુ વર્ષ શાંતી અને એખલાસથી પસાર થાય તેવી દુઆ કરી હતી. ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે મુસ્લીમ વિસ્તારોમાં  સર્વત્ર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરે ઘરે કીમામી સેવ, નમકીન, ખીરખુરમાં સહિતની વાનગીઓ બનાવવામાં આવી હતી વડિલોએ ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે નાના ભુલકાઓથી માંડી ઈદીનાં જે હક્કદાર છે તેમને ‘ઈદી’પણ અર્પણ કરી હતી. તેમજ ગરીબ, લાચાર, મોહતાજ, વિધવા, બહેનોને પણ આર્થિક સહાય કરી હતી. આજે ઈદ નિમિત્તે ભાવનગર શહેરની ઈદગાહ મસ્જીદમાં સામુહિક ઈદની નમાજ અદા થઈ હતી.

મુસ્લીમ સમાજમાં પવિત્ર ગણાતા રમઝાન માસનું અંતિમ રોજુ ગઈકાલે શુક્રવારે પૂર્ણ થયુ હતું.

જોગાનુજોગ ગઈકાલે પવિત્ર રમજાન માસનો આખરી જુમ્મા (શુક્રવાર)હોવાથી તમામ મસ્જીદોમાં રમઝાન શરીફની અલવિદા પઢી ખાસ દુઆઓ કરવામાં આવી હતી. તેમજ ગઈકાલે ઈદની ચાંદની રાત હોય આ રાતનું પણ ખાસ મહત્વ હોવાથી મુસ્લીમ બિરાદરોએ મસ્જિદોમાં ખાસ નીફલ નમાઝ પઢી દુઆઓ કરી હતી. આ રાતને ઈનામની રાત પણ કહેવામાં આવે છે.

મુસ્લિમ બીરાદરોએ રમજાન માસના ૩૦ રોજા રાખી બંદગી અને નેકી કરી પુણ્યનું બાથુ બાંધ્યુ હતું. તેના ઈનામ રૂપે આજે ઈદ-ઉલ-ફિત્ર અર્પણ કરવામાં આવી છે.

આ અવસર મુસ્લીમ બિરાદરોનો મોટો તહેવાર છે અને આજના દિવસની પરંપરાગત રીતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પોલીસ તંત્ર દ્વારા શહેર જિલ્લાની મસ્જીદો તેમજ મુસ્લિમ વિસ્તારોમાં પોલીસ સ્થળો, સર્કલો, બોરતળાવ, ઘોઘા, કુંડા સહિતનાં ફરવા લાયક સ્થળોએ આજે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતાં આવતીકાલે વાસી ઈદ હોવાથી ત્યારે પણ ફરવા લાયક સ્થળોએ મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો હરવા ફરવા જશે.

Previous articleભાડુતી હત્યારાઓ કરતા તો ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ વધુ ખતરનાકઃ ગુજરાત હાઇકોર્ટ
Next articleસરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડનારાની તપાસ સાઈબર ક્રાઇમને સોંપી : ગૃહમંત્રી