ગાંધીનગરમાં વરસાદ બાદ બફારો અને વાદળછાયુ વાતાવરણ

1059

ગત મહિને રાજ્યનું હોટ સીટી બનેલા પાટનગરમાં એક સપ્તાહથી આકાશમાં વાદળો જોવા મળી રહ્યાં છે. બફારા અને ઉકળાટના કારણે નાગરિકો ત્રાહિમામ્‌ પોકારી ઉઠ્‌યાં છે, ત્યારે શુક્રવારે રાત્રે ૯ વાગ્યાના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ૯.૧૫ વાગ્યા આસપાસ જાણે અસલ વરસાદી માહોલ છવાઇ ગયો હતો, છાંટડા નહીં પરંતુ વરસાદ જ વરસવો શરૂ થતાં સેક્ટરોમાં બાળકો અને યુવાઓની ચિચિયારીઓ સંભળાઇ હતી. ગરમીમાં બેબાકળા થયેલા નાગરિકોએ રાત્રે વરસાદી મજા માણી હતી. રોડ પરથી પાણી વહી જવાના પગલે ભીની માટીની ખુશબુ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. પરંતુ ત્યાર બાદ વ્યાપક બપયારાથી નગરવાસીઓ પરેશાન થઇ ગયા છે અને વરસાદની ધૂવાધાર બેટિંગની રાહ જોવા લાગ્યા છે.

રવિવારે સવારથી જ આકાશામાં વાદળો ઘેરાઇ જવાની સાથે પવન ફૂંકાતો રહ્યો હતો અને ધૂળની ડમરીઓ ચઢતી હતી. વાતાવરમમાં ભેજનું પ્રમાણ વધીને સવારે ૭૦ ટકા પર પહોચી ગયુ હતું. પરિણામે હવામાં ભેજનું પ્રમાણ વધી જવાના કારણે દિવસ દરમિયાન વ્યાપક ઉકળાટ અને બફારો રહેવાથી નગરવાસીઓ રીતસરના ત્રસ્ત બની ગયા હતાં. રવિવારે રાત્રીનું તાપમાન ૨ ડિગ્રી જેટલું વધીને ૨૯.૨ પર પહોંચી જવાથી શનિવારની સરખામણીએ ઉપરના કારણથીજ બફારો વધ્યો અને નગરવાસીઓ પરસેવે નહાયા હતાં. હવે આકાશમાં વાદળ સતત ઘેરાયેલા રહેતા હોવાથી વરસાદી ઠંડકના દિવસો નજીક હોવાની આશા રાખી શકાય તેમ છે. કેમ કે દિવસના તાપમાનમાં ઘટાડો થવાનું શરૂ થઇ ગયું છે. દિવસનું તાપમાન રવિવારે ૩૯ ડિગ્રી રહ્યુ હતું.

Previous articleગાંધીનગર શહેર અને જિલ્લામાં ૧૩ હજાર જેટલી જગ્યાએથી મળી આવેલા લારવાનો નાશ કરાયો
Next articleડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની નવીન કચેરીનો કાર્યારંભ કરાવતા મુખ્યમંત્રી