માઈનીંગ મામલે ખેડુતો – પોલીસ વચ્ચે ઘર્ષણ

0
960

અલ્ટ્રાટેક કંપની દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે માઈનીંગ કામગીરી કરાતા આજુ-બાજુના દસ ગામના લોકો, ખેડુત દ્વારા વિશાળ રેલી કાઢી, વિરોધ કરાતા પોલીસ- ખેડૂતો વચ્ચે બઘડાટી બોલી

રેલી કાઢી દાઠા-પો.સ્ટે.માં રજુઆત કરવા આવી રહેલા પૈકી કોઈએ કાંકરી ચાળો કરતા મામાલો બિચકયો : પોલીસે લાઠી ચાર્જ કરવા સાથે ટોળાને વિખેરવા ટીયરગેસના સેલ છોડયા

પ૦ ઉપરાંત લોકોને તેમજ-પાંચથી વધુ પોલીસ કર્મચારીઓને થયેલી ઈજા : એસ.પી. તથા કલેકટર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા : નીચા કોટડા પોલીસ છાવણીમાં ફેરવાયું : એક પણ નેતા ડોકાયા નહીં

ભાવનગર જિલ્લાના તળાજા- મહુવા તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં અલ્ટ્રાટેક કંપની દ્વારા ચાલી રહેલી માઈનીંગની કામગીરીનો આસપાસના ગ્રામજનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. દરમ્યાન આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની દ્વારા નિચા કોટડા ગામે દરિયા કાંઠા વિસ્તારમાં પોલીસ પ્રોટેકશન સાથે માઈનીંગનું કામ શરૂ કરાતા ઉંચા- નિચા કોટડા, દયાળ સહિત દસેક જેટલા ગામના ખેડુતો એકઠા થયા હતાં. અને રેલી કાઢી રજુઆત કરવા જતા પોલીસ સાથે ઘર્ષણ થતા બઘડાટી બોલી હતી અને ખેડુતોએ પત્થર મારો કરતા પોલીસે લાઠી ચાર્જ કરવા સાથે ટીયર ગેસના સેલ છોડયા હતાં. સમગર્‌ મામલે પ૦ ઉપરાંત લોકોને તેમજ અનેક પોલીસ કર્મચારીઓને ઈજા થવા પામી હતી. બનાવના પગલે ભાવનગર જિલ્લા પોલીસ વડા માલ તથા જીલ્લા કલેકટર હર્ષદ પટેલ સહિત ઘટના સ્થળે દોડી ગયા હતાં. જયારે વધારાનો પોલીસ કાફલો બોલાવતા નીચા કોટડા ગામે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા તળાજા-મહુવાના દરિયા કાંઠાના ગામોમાં માઈનીંગની કરવામાં આવી રહેલી કામગીરીનો દરિયાકાંઠાના દસેક ગામના ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો મેથળા બંધારાની માંગણી કરી રહ્યા છે. પરંતુ સરકારએ કરતી નથી અને માઈનીંગ કરીને સ્થાનિક જમીન ખતમ કરવા માંગતી હોવાના ખેડુતો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની દ્વારા આજે મહુવાના નીચા કોટડા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે માઈનીંગની કામગીરી શરૂ  કરાતા બાંભોર, તલ્લી, કળસાર, નીચા કોટડા, ઉંચા કોટડા, મેથળા, ગઢુલા, ઝાંઝમેર સહિત દસેક ગામના લોકો એકઠા થયા હતા અને રેલી સ્વરૂપ પોલીસ મથકે રજુઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ પણ રજુઆત સાંભળવા સામે પહોંચી હતી ત્યારે રેલીમાંથી કોઈએ કાંકરી ચાળો કર્યો અને પોલીસ ઉપર પથ્થર મારતા મામલો બીચકયો હતો અને રેલીમાં આવેલા લોકો કાંઈં સમજે વિચારે તે પહેલા જ પોલીસે લાઠીચાર્જનો આદેશ આપતા બંદોબસ્તમાં રહેવા પોલીસ જવાનો રેલી ઉપર તુટી પડ્યા હતા. જ્યારે ખેડૂતો પણ સામે આવ્યા હતા અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પીઆઈ ઉપરાંત પોલીસ કર્મચારીઓને ઈજા થતા પોલીસ ઉશ્કેરાઈને ટોળાને વિખેરવા અસંખ્ય ટીયરગેસના સેલ છોડ્યા હતા ત્યારે માઈનીંગ મામલે પ્રજા અને પોલીસ વચ્ચે ભારે ધીંગાણુ સર્જાયુ હતું.

સામસામી થયેલા ધીંગાણા પ૦ ઉપરાંત લોકોએ ઈજા થવા પામી હતી. જેમાં કેટલાયે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. જેમાંના અનેક લોકો સ્થાનિક દવાખાને સારવાર લેવા ગયા ત્યાં પણ પોલીસ પહોંચીને તેઓેને માર મારવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જ્યારે પોલીસ કર્મચારીઓને પણ નાની-મોટી ઈજાઓ થતા તેઓને સ્થાનિક તેમજ તળાજા અને મહુવાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

માઈનીંગ મામલે થયેલી બઘડાટીની જાણ થતાની સાથે જ ભાવનગર જિલ્લા પોલીસવડા માલ તથા જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત બંદોબસ્ત જાળવવા માટે વધારાની પોલીસ પણ બોલાવાતા નીચા કોટડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. આ બનાવથી હાલ પુરતું માઈનીંગ કામ અટકાવી દેવામાં આવ્યું છે. જ્યારે આસપાસના તમામ ગામોમાં કર્ફ્યુ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આ બનાવ સંદર્ભે દાઠા પોલીસ દ્વારા ટોળા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે અને કેટલાક લોકોને રાઉન્ડઅપ કર્યાનું પણ જાણવા મળી રહ્યું છે.

માઈનીંગ મામલે થયેલા ઘર્ષણ છતાં સમાધાન માટે કે ખેડૂતોને વ્હારે એક પણ રાજકિય આગેવાન ડોકાયા ન હતા અને ખેડૂતોને માર ખાવા મજબુર બનવું પડ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here