3201

સુત્રાપાડા તાલુકાનાં પ્રશ્નાવડા ગામે આવતા ૮ માસમાં રૂ. ૪૭૬ લાખનાં ખર્ચે ૬૬ કે.વી. સબ સ્ટેશન સાથે જરૂરી વિજ લાઇનો નંખાશે. નિર્માણ થનાર આ સબ સ્ટેશનનું  કૃષિ અને ઉર્જા મંત્રી ચીમનભાઇ શાપરીયાએ તકતી અનાવરણ કરી ભુમિપુજન કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કાર્યરત કરેલ જ્યોતિગ્રામ યોજનાથી  વિજ ક્ષેત્રે થયેલા સુધારાની વિગતો આપી  ઉર્જા મંત્રી ચીમનભાઇ શાપરીયાએ કહ્યું કે, ગુજરાત રાજ્યમાં દર વર્ષે નવા ૧૦૦ સબ સ્ટેશનનોનું નિર્માણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેતેવાડી ક્ષેત્રે વેઇટીંગ ઘટાડવા એક હજાર કરોડની સામે વધુ વિજ કનેકશનો ખેતીવાડીમાં આપવા રૂ. ૨ હજાર કરોડની ફાળવણી કરી છે. આ વર્ષે ૨૦૧૩ સુધીનું ખેતીવાડીનું વેઇટીંગ લીસ્ટ ક્લીયર કરીશું. વર્ષ ૧૯૬૦ થી ૨૦૦૧ સુધી ખેતીવાડીનાં અંદાજીત ૭.૩૩ લાખ વિજ જોડાણ હતા. જ્યારે ત્યારબાદ છેલ્લા ૧૬ વર્ષમાં ૮.૩૪ લાખ ખેતીવાડીનાં વિજ કનેકશન અપાય છે, તેમ  શાપરીયાએ ઉમેર્યું હતું. ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે ૧૯૯૫માં સુત્રાપાડા તાલુકામાં પ્રાચી ખાતે માત્ર એક જ સબ સ્ટેશન હતું. જ્યારે આજે કણજોતર, લોઢવા, સુત્રાપાડા, મોરડીયા, ગોરખમઢી સહતિ છ સબ સ્ટેશન કાર્યરત છે અને આ સાતમું સબ સ્ટેશન બનશે. જે લોકો પ્રત્યેની સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે. પ્રવાસન નિગમનાં ડિરેકટર ઝવેરીભાઇ ઠકરારે આ સબ સ્ટેશનોનાં નિર્માણથી કૃષિ ક્ષેત્રને વિશેષ ફાયદો થશે તેમ જણાવ્યું હતું. પ્રશ્નાવડા ખાતે યોજાયેલ કાર્યક્રમનાં પ્રારંભે અગ્રણી કેશુભાઇ જાદવે સૈાનુ સ્વાગત કર્યું હતું.