747

બોટાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાના નીરથી ભરવા માટેથી સૌની યોજના તબક્કા-રનો શુભારંભ અને લીંક-રનો લોકાર્પણ કાર્યક્રમ આગામી તા.૧૭મી એપ્રિલના રોજ યોજાનાર છે. આ કાર્યક્રમના સુમારૂ આયોજન અર્થે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામભાઈ પરમાર અને જળસંપતિ રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાના અધિકારી-પદાધિકારીઓની એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રી આત્મારામભાઈ પરમારે ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓને પરસ્પરના સંકલન સાથે આયોજનબધ્ધ કાર્ય દ્વારા આ કાર્યક્રમ વધુ સારો બને અને તે માટે અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં રાજયમંત્રી નાનુભાઈ વાનાણીએ સભા સ્થળની બેઠક વ્યવસ્થા અને લોકો માટેની વ્યવસ્થા બાબતે જરૂરી સુચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે માત્ર બોટાદ જિલ્લામાંથી જ નહીં પરંતુ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાંથી પણ લોકો આવશે. જેને ધ્યાને લઈ વાહનોના આવાગમન માટે ટ્રાફિક નિયમન પણ એટલું જ જરૂરી બની રહેશે.
જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.એ વડાપ્રધાનની આ મુુલાકાત સંદર્ભે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી અર્થે રચવામાં આવેલ કમિટીઓની માહિતી આપી જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. બેઠક બાદ મંત્રી તથા મહાનુભાવોએ કાર્યક્રમના સ્થળની મુલાકાત લઈ કાર્યક્રમ સંદર્ભે ચાલતી કામગીરીનું જાત નિરીક્ષપ કર્યુ હતું.
આ બેઠકમાં ભાજપ અગ્રણી ગોરધનભાઈ ઝડફીયા, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, જિલ્લા પોલીસ અધિક્ષક સરોજકુમારી, સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર આર.એમ. મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિતના વિવિધ કમિટીના અધ્યક્ષ તથા અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.