1479

રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં સેક્ટર-૬ સ્થિત ક્રિષ્ણા વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે મુલાકાતનો એક કાર્યક્રમ યોજાઈ ગયો.
આ પ્રસંગે રોટરી ક્લબ દ્વારા વૃદ્ધાશ્રમને વહીવટી કામ માટે એક કોમ્પ્યુટર ભેટ આપવામાં આવ્યું હતું. ૩૦ જેટલા વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમમાં સતત સમય પસાર કરવો પણ એક સમસ્યા જ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેઓને સારું, આનંદદાયક, જ્ઞાનવર્ધક અને મનને શાંતિ આપનારું વૈદિક સાહિત્ય પણ ભેટ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનાં પ્રમુખ અને વૈદિક પરિવારના મુખ્ય સંયોજક અરવિંદભાઈ રાણાએ વડિલોને ઉદ્‌બોધન કરતાં જણાવ્યું હતું કે આપણા પ્રાચીન ભારતીય પરંપરામાં ચાર પ્રકારનાં આશ્રમની વ્યવસ્થા હતી. બાળપણમાં બ્રહ્મચર્યાશ્રમ, ગુરૂકુળમાં અભ્યાસ બાદ બાળકો ભણીને ઘરે આવે પછી ગૃહસ્થાશ્રમ, બાળકોને ઘરે બાળકો થઈ જાય પછી વાનપ્રસ્થાશ્રમ અને અંતમાં વૈરાગ્યની ઉંચી સ્થિતિ બની જતાં સન્યાસ આશ્રમ. આમ, માનવ જીવન ચાર પડાવોમાં વહેંચાયેલું હતું. આજે આપણી પરંપરા લુપ્ત થઈ ગઈ છે ત્યારે ગુરૂકુળોનાં અભાવમાં બાળકોને નૈતિક શિક્ષણ ન મળતાં જ્યારે તેઓ યુવાન બને છે ત્યારે તેમનું નૈતિક સ્તર ખૂબ નીચું હોય છે. પરિવારોમાં વિચારભેદ અને પછી ધીમે ધીમે મનભેદ ઉભા થવા લાગ્યા છે. બાળકોની અને વડિલોની સહનશક્તિ અને સમજણ શક્તિ બંને ઘટતી જવાથી પરિવારો તૂટતા જાય છે. જેના પરિણામે બાળકો માતા-પિતાને તરછોડતા અચકાતા નથી. પરિણામ સ્વરૂપે આવા વૃદ્ધાશ્રમોની જરૂરત ઉભી થઈ છે.
વૃદ્ધો સ્વેચ્છાએ ઘર છોડીને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે વાનપ્રસ્થ આશ્રમોનું નિર્માણ કરે તે જરૂરી છે. વૃદ્ધાશ્રમને બદલે વાનપ્રસ્થ આશ્રમોમાં વૃદ્ધો નિવાસ કરવા લાગે તો કદાચ વધારે સ્વમાનભરી રીતે અને આનંદ તથા સંતોષ સાથે સ્વતંત્ર જીવન જીવવાનો અવસર મળી જાય. આવા વાનપ્રસ્થ આશ્રમોનું સંચાલન પણ વાનપ્રસ્થીઓ દ્વારા થાય તથા અસમર્થ વૃદ્ધોનો ખર્ચ સમર્થ ગૃહસ્થીઓ સ્વચ્છાએ ઉપાડી લે તે આદર્શ સ્થિતિ છે. 
આ પ્રસંગે વડિલોએ પણ પોતાની આપવીતી જણાવી સમાજ અને યુવા વર્ગને સુધારવા કાંઈક કરવાની જરૂર હોવા ઉપર ભાર મુક્યો હતો. ચર્ચામાં રોટરી ક્લબ ઓફ કેપિટલનાં સ્થાપક પ્રમુખ  જગતભાઈ કારાણી, પૂર્વ પ્રમુખ અમીબહેન શાહ, સેક્રેટરી અભેરાજભાઈ ચૌધરી, રોેટેરીયન પાર્થભાઈ ઠક્કર, પ્રહલાદભાઈ પટેલ, જયશ્રીબહેન ખેતીયા વગેરેએ પણ સક્રિયપણે ભાગ લઈ વડિલોના અનુભવો સાંભળીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. 
વૃદ્ધાશ્રમનાં સંચાલક રાજેષભાઈ ભટ્ટે પણ પોતે આ પ્રવૃત્તિ સાથે કેવી રીતે સંકળાયા તેની માહિતી આપી હતી. અંતમાં રોટરી ક્લબનાં સભ્યોએ વડિલોને કોઈપણ ભેદભાવ વગર સારી રીતે રાખી તેમની સેવા કરવા બદલ ક્રિષ્ણા વૃદ્ધાશ્રમને અભિનંદન પાઠવ્યા હતા.