વાવાઝોડાના પગલે મુંબઈ, થાણે, પાલઘર માટે યલો એલર્ટ જાહેર

142

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી મહારાષ્ટ્ર્‌, હોવા, કર્ણાટક અને કેરળ તેમજ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી
મુંબઈ, તા.૯
હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાને પગલે મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને સોમવાર સુધી ભારે પવન સાથે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે. આ અઠવાડિયાની શરૂઆતથી જ વીજળી અને વરસાદ સાથે વાવાઝોડાની એક્ટિવિટી શરૂ થઈ ગઈ હતી. શુક્રવારે મુંબઈ શહેરનું તાપમાન ૩૫.૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ સાથે હવામાનમાં બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું હતું. આઈએમડીના કોલાબા અને સાંતાક્રુઝ ઓબ્ઝર્વેટરીમાં હ્યુમિડિટી ૮૦ ટકા અને ૭૪ ટકા સુધી નોંધવામાં આવી હતી.
દક્ષિણ પશ્ચિમ સહિત સમગ્ર દેશમાં વરસાદની સિઝન પૂરી થવાના આરે છે. પણ અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ ચોમાસાએ વિદાય લીધી નથી. જો કે અગાઉ ૮ ઓક્ટોબરે મુંબઈમાંથી ચોમાસું વિદાય લેશે તેવી સંભાવના હતા.ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી મહારાષ્ટ્ર્‌, હોવા, કર્ણાટક અને કેરળ તેમજ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી હળવો વરસાદ વરસી શકે છે. અને તેનું કારણ એ છે કે, ચક્રવાતી હવાઓનું એક ક્ષેત્ર દક્ષિણ મહારાષ્ટ્ર અને કર્ણાટકના ચટની પાસે પૂર્વ મધ્ય અરબ સાગરના ઉપર બનેલું છે. તેનાથી આગામી ૪-૫ દિવસો દરમિયાન કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળમાં ભારે વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત આગામી ૨-૩ દિવસ દરમિયાન ગુજરાતના અમુક વિસ્તાર, સમગ્ર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂની વાપસી માટેની પરિસ્થિતિઓ અનુકુળ થતાં જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં ચોમાસું નબળું પડી રહ્યું છે. પણ આગામી ૨૪ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.