શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો : બે દિવસમાં જ ૨૦ મિલ્કત તંત્રના ધ્યાને ચડી

18

ગામતળ, કાળિયાબીડ અને કૃષ્ણનગરમાં નિયમો નેવે મુકી થતા બાંધકામો અટકાવવા નોટિસ ફટકારાઇ, આજે પણ કામગીરી યથાવત
ભાવનગર શહેરમાં તંત્રની મંજુરી વગર ગેરકાયદે ચાલી રહેલા બાંધકામો મામલે આખરે મહાપાલિકા જાગી છે અને છેલ્લા બે દિવસથી શહેરના કાળિયાબીડ, ગામતળ તેમજ કૃષ્ણનગર વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. મહાપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ થઇ રહી છે જેમાં અત્યાર સુધીમાં ૨૦ બાંધકામોનું ગેરકાયદે ચણતર ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આથી તમામ આસામીઓને નોટીસ ફટકારાઇ છે. જ્યારે આજે બુધવારે પણ વરસાદી માહોલ વચ્ચે ટાઉન ડેવલોપમેન્ટ વિભાગની ટીમ ગેરકાયદે બાંધકામો શોધવા નીકળી પડી હતી.
ભાવનગરમાં જાણે મહાપાલિકા તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ ગેરકાયદે અને નિયમ વિરૂદ્ધના બાંધકામોનો રાફડો ફાટ્યો છે. ગામતળમાં તો જુની મિલ્કતોને પાયાથી ચણી રિનોવેશનમાં ખપાવી દેવામાં આવે છે. આ કામગીરીમાં રાજકીય ક્ષેત્રે સંકળાયેલા કેટલાક લોકો પણ દલાલની ભૂમિકા ભજવે છે. આ પ્રકારે ગેરરીતિ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે પરંતુ તાજેતરમાં મ્યુ. સાધારણ સભામાં શાસક વિપક્ષે આ સામે નારાજગીનો સુર આલાપતા તંત્ર આખરે કાર્યવાહી કરવા મજબુર બન્યું છે અથવા તો કહી શકાય કે તંત્રને કાર્યવાહી કરવા છુટ મળી છે !
મહાપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગે સોમવારથી ગેરકાયદે બાંધકામો શોધી-શોધીને તેને ૨૬૦(૧) મુજબ નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે અને ૭ દિવસનો સમય આપીને મંજૂરી લેવામાં આવી હોય તો રજૂ કરવા તાકીદ કરાઇ છે. તંત્રએ ગામતળ, કાળિયાબીડ અને દક્ષિણ કૃષ્ણનગરમાં રેસિડેન્ટ તથા કોમર્શિયલ બાંધકામોને અટકાવવા અને આધાર-પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારી છે. મ્યુ. ટાઉન ડેવલોપમેન્ટના ઓફિસર વઢવાણીયાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂર્વ મંજૂરી વગર અને નિયમ નેવે મુકી બાંધકામ થયા હશે તેને તોડી પાડવામાં આવશે.