રાષ્ટ્રનો દરેક વ્યક્તિ રાષ્ટ્ર નિર્માણ માટે નિર્માતા બને : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

1064
gandhi952017-3.jpg

રાષ્ટ્ર નિર્માતાની શ્રેણીમાં રાષ્ટ્ર સંત પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજનું શ્રેષ્ઠ યોગદાન છે તથા રાષ્ટ્રનો દરેક વ્યક્તિ રાષ્ટ્ર નિર્માણ માટે નિર્માતા બને તેવું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ મહેસાણા શહેરમાં સીમંધર સ્વામી જૈન મંદિર ખાતે સંત પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના ૮૩મા જન્મ દિન પ્રસંગે યોજાયેલ ગુરૂ આશિષ મહાપર્વ કાર્યક્રમમાં જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ જણાવ્યું હતું કે, ગુજરાત સાથે મારો ખુબ જુનો સબંધ છે. ગુજરાત મારૂ બીજુ ઘર છે. ગુજરાતે દેશને મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદી જેવા કર્મનિષ્ઠ વડાપ્રધાન આપ્યા છે. ભારત ભુમિ સંતોની ભુમિ છે. સંતો, મહંતો અને આચાર્યો આ પરંપરા આગળ વધારી રહ્યા છે. ગૂરૂવરે આપેલ સદાચાર, પરોપકાર અને કરૂણાનો સંદેશો આજે સામાજિક સોહાર્દ બન્યો છે. મહારાજે દુર્લભ પડેલી પાંડુલીપીઓના બે લાખ ગ્રંથો કોબા જ્ઞાન મંદિરમાં સંગ્રહ કરી સંગ્રહસ્થાનનું કાર્ય કર્યું છે તે ઘણું પ્રશંસનીય છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગુજરાત સાથે ગાઢ નાતો છે. રાષ્ટ્રપતિ થયા બાદ ગુજરાતની ધરતી પરથી તેમના પ્રથમ કાર્યક્રમ આપણા માટે મહત્વની ઘટના છે. પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ અને રાષ્ટ્રપતિ વચ્ચે ગુરૂ શિષ્યના સંબધ છે અને આ સબંધ તેમને આજે મહારાજના જન્મ દિવસે ગુજરાતની ધરા પર ખેંચી લાવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રથમ રાષ્ટ્રપતિ છે કે, જેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ જાહેર કાર્યક્રમનો આરંભ ગુજરાતમાંથી કરી રહ્યા છે તે મહેસાણા જિલ્લા માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રસંત પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજે જીવદયા, શિક્ષણ, આરોગ્ય સહિત અનેક સેવાકીય કાર્યો કર્યા છે. ભારત વર્ષમાં અનેક રાજ્યોમાં પગપાળા વિહાર કરીને ન્યાય, નીતિ, સદાચાર અને સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસ કર્યા છે. નેપાળની ભૂમિ ઉપર પગપાળા વિહાર કરીને વિદેશની ધરતીમાં પણ ધર્મ અને સેવાની અદભુત પ્રભાવના કરી બધાજ ધર્મોમાં સદભાવનાને વધારવાનુ કામ કર્યું છે.
રાષ્ટ્રસંત પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજે આશિર્વચન આપતાં જણાવ્યું હતું કે, દેશને સાદગીપૂર્ણ જીવન જીવવા, કર્મનિષ્ઠ, પ્રમાણિક વ્યક્તિ એવા રામનાથ કોવિંદજી રાષ્ટ્રપતિ તરીકે મળ્યા છે. વ્યક્તિના ગુણ તેમની સાથે જ રહે છે, તેવું કહી મહારાજે જણાવ્યું હતું કે, પ્રાચીન ઋષિમુનીઓએ ભારતીય સંસ્કૃતિને ઘણું પ્રદાન કર્યું છે. આ સંસ્કૃતિને નાશ કરવા છેલ્લા ૧૦૦૦ વર્ષથી ઘણી સંસ્કૃતિએ પ્રયત્ન કર્યો છે, તેમ છતાં આજે આપણી સંસ્કૃતિ અવિરત છે.દરેક વ્યક્તિને પોતાની સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઇએ તેવું કહી તેમણે દેશનો દરેક નાગરિક ચારિત્ર્ય વાન, નિષ્ઠાવાન, રાષ્ટ્રપ્રેમી, પ્રામાણિક અને વ્યસન મુક્ત બને તેવા આશિર્વાદ પણ આપ્યા હતા.