ગાંધી વિચારથી જ દુનિયાની સમસ્યામાંથી ઉકેલ મળશે – મુખ્યમંત્રી

1466

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીજીના આચાર વિચારના જન જનમાં પ્રસાર માટે યોજીત પદયાત્રાના સમાપન અવસરે સ્પષ્ટ પણે જણાવ્યુ હતું કે મહાત્માં ગાંધીની કલ્પનાના રામરાજ્યને સાંપ્રદાયિક રીતે નહી પરંતુ સર્વના કલ્યાણ સૌન સાથ સૌના વિકાસ અને સૌ સાથે મળી સામાજીક સમરસતાથી વિકાસના પરિપ્રેક્ષયમાં જોવાની અનિવાર્યતા છે.  કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ૧૫૦મી ગાંધી જયંતીના સંદર્ભમાં યોજેલી ૧૫૦ કિ.મી.ની પદયાત્રાનું લોકભારતી સણોસરામાં સમાપન થયું હતું.  વિજયભાઇ રૂપાણીએ ગાંધીજીના જીવન કવનને ટ્રસ્ટીશિપ સર્વઘર્મ સમભાવ અને સત્ય અહિંસા જેવા વિચારો વિશ્વ આખાનું માર્ગદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાવિ પેઢી ને પ્રેરણા અને સ્વરાજ્યને સુરાજ્યમાં પલ્ટાવવાની દિશા ગાંધી વિચારો આપશે તેમ જણાવ્યું હતું.    મુખ્યમંત્રીએ દેશના મહાપુરૂષો ગાંધીજી, સરદાર સાહેબ, સાવરકર, તીલકજી આંબેડકરજી, વગેરેના ત્યાગ તપસ્યા અને દેશ માટેના સમર્પણને આઝાદી પછીના સાશકોએ એક જ પરિવારની ભક્તિ અને ગુણગાન કરવામાં ઇરાદા પૂર્વક વિસરાવી દેવાનો પ્રયાસ કર્યો તેની આલોચના કરી હતી.   વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારે પણ ૧૫૦મી ગાંધીજયંતીની રાજ્યવ્યાપી ઉજવણી કરીને સ્વચ્છતા અભિયાન સાથે ગરીબ, વંચીત, પીડિત, શોષિત કલ્યાણના અનેક કાર્યક્રમો ઉપાડયા છે. તેની વિશદ છણાવટ કરી હતી વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, ૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન દાંડી ખાતે યોજાશે.  કેન્દ્રીય સડક રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા ગાંધી મૂલ્યોના માર્ગે યોજાયેલી પદયાત્રાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણામંત્રી શીવપ્રકાશ શુકલા સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇએ ગાંધીજીના વિચારને ઝીલ્યો છે અને તેને સમાજ વચ્ચે લઇ જવા જે પદયાત્રા કરી છે તેની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી.   તેમણે કહ્યું કે, ગાંધીજીએ જે રીતે દાંડીયાત્રા કરી હતી જેને સમગ્ર વિશ્વે ઐતિહાસિક ઘટના તરીકે સ્વીકારી છે તે જ રીતે ગાંધીજીના વિચારોથી પોષિત અને સ્વ. મનુભાઇ પંચોલી, નાનાભાઇ ભટ્ટ દ્વારા સિંચિત ધરા સણોસરા ખાતે આ યાત્રા પુરી થઇ છે તે દર્શાવે છે કે, આ યાત્રા ખરા અર્થમાં ગાંધીજીના વિચારો અને મૂલ્યોને ગ્રામજીવન સુધી ઉતારવામાં સફળ રહી છે. કેન્દ્રીય સડક રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું કે, ગાંધીજીએ દેશને આઝાદી અપાવી તેટલું જ નહીં તેમના સામાજીક મૂલ્યોને વિશ્વ આખું સ્વીકારે છે. ગાંધીજીનાં આ મૂલ્યોનું યુવાનોમાં સિંચન થાય અને બૂનિયાદી શિક્ષણમાં ગાંધી મૂલ્યો ઉજાગર થાય તેવા દ્વિવિધ વિચાર સાથે આ ગાંધી યાત્રા કરી છે. આ યાત્રામાં મારી સાથે ૧૫૦ યુવાનો જોડાયા હતા જે દર્શાવે છે કે ગાંધી વિચારો યુવા માનસમાં આજે પણ જીવંત સ્વરૂપમાં સચવાઇ રહ્યા છે.

ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર રાષ્ટ્ર ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. મહાપુરૂષોના વિચાર, મૂલ્યો સમાજજીવનમાં જાગૃત રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે પ્રયત્ન કર્યો છે તે સરાહનીય છે.

વડાપ્રધાન મોદીનો વિડિયો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૫૦ કિ.મી.ની ગાંધી વિચાર પ્રેરિત પદયાત્રા પૂર્ણ થવાના અવસરે દિલ્હીથી વિડિયો સંબોધન કર્યુ હતું.  વડાપ્રધાન મોદીએ તેમના વિડિયો સંબોધનમાં જણાવ્યું કે, આઝાદી બાદ કર્તવ્યભાવ – અધિકારભાવમાં પરિવર્તન થતો ગયો છે. કર્તવ્યભાવ અને અધિકારભાવના બંને પાટીયા પર વિકાસની ગાડી દોડાવીશું તો જ સાચી પ્રગતી કરી શકીશું.  જો આ બંન્ને બાબતોમાંથી કોઇ પણ એક નહી હોય તો અપૂર્ણતા અનુભવાશે. મનસુખભાઇની યાત્રા દ્વારા ગામડે-ગામડે જઇ ગાંધીજીના મૂલ્યો-આદર્શોને પુનઃ ઝકઝોળ્યા છે આ વિચાર માત્ર ભાવનગર જિલ્લા પુરતો સીમિત ન રહેતા સમગ્ર દેશમાં તેની ચર્ચા થાય તે જ ગાંધીજીને ખરી અંજલી લેખાશે.  તેમણે કહ્યુ કે, ગાંધીવિચાર જેટલી જ તાકાત કાર્યશૈલીની પણ છે. એટલે કે દેશની પ્રત્યેક વ્યકિત પોતાની જવાબદારી સાથે અન્ય વ્યકિતની પણ જવાબદારી ઉઠાવે. વડાપ્રધાનએ દેશના જન પ્રતિનિધિઓને પણ ગાંધીવિચારોને જનસમાજમાં લઇ જવા પદયાત્રાઓ યોજવા આહવાન કર્યુ હતું.

Previous articleભાવનગર અને બાંદ્રા ટર્મી વચ્ચે ચાલશે સ્પેશ્યલ ટ્રેન
Next articleપરપ્રાંતીયોને ભગાડવાના મુદ્દે રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ