ખરી સંવેદના ઔષધિ બની વિપત્તિના સમયમાં પણ રક્ષણ આપી ગૌરવ આપે છે

941

લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુનો સંવાદ ચાલતો હતો. ખટ-ખટ હિંડોળાનો અવાજ આવતો હતો. બાકી તો નીરવ શાંતિએ પોતાનો કબજો ચોતરફ લઈ લીધો હતો. સંગીતની સૂરાવલિમાં છેડ તો પંચમ અને વસંતઋતુમાં આંબા ડાળે ટહુકતી કોયલના મધુર નાદ સમો અવાજ આપી, દેવી લક્ષ્મીજી સ્થપાયેલી શાંતિનો કબજો તોડી, બોલે છે : ‘હે સ્વામિનાથ, તમારી કૃપાથી જીવોના કલ્યાણ માટે લખ-ચોરાસીમાં ભ્રમણ કરનાર જીવોને માનવ અવતાર મળે છે. આ અવતારયાત્રામાં માનવ શી રીતે આગળ ધપી શકે છે? તેમજ યાત્રામાર્ગમાં આવતા અવરોધોને રોકવા તેણે શું કરવું જોઈએ? આ સાંભળી ભગવાન બોલ્યા : ‘હે દેવી, સાંભળો…’ પૂર્વે કલ્યાણપુર નામના રાજ્યમાં જીતેન્દ્ર નામનો રાજા રાજ કરતો હતો. તેને એક સંવેદના નામની ગુણવાન રાણી હતી. જો કે આફત રાજાની પુત્રી મહારાણી વિપત્તિ તેની માનીતી રાણી હતી, તેથી રાજા જીતેન્દ્ર રાણી વિપત્તિની ઇચ્છા મુજબ રાજનો કારોભાર ચલાવતો હતો પણ તેની બીજી રાણી સંવેદના રાજાની ખોટી રાજનીતિના કારણે ઉભો થતો કોઈ પણ અનર્થ અટકાવતી હતી. તેથી રાજા પ્રજા વિદ્રોહથી હંમેશાં બચી જતો હતો.

રાજા કેટલાક બૌધિક લોકોને એકઠા કરી પોતાના રાજ દરબારમાં સભા ભરી બેઠા હતા. એક સ્ત્રી અને પૂરુંષ સભામાં ન્યાય મેળવા આવી પહોંચે છે. સ્ત્રીનું નામ શાંતિ અને પૂરુંષનું નામ ક્રોધ હતું. બન્નેને રાજાએ કહ્યુંઃ ‘બોલો, શું મુશ્કેલી ઊભી થઈ છે?’  પ્રથમ શાંતિ રાજાને વંદન કરી બોલીઃ ‘હે મહારાજ, મારે તો આપને એટલું જ કહેવું છે કે મારા સામ્રાજ્યમાં આ ક્રોધ શા માટે પ્રવેશી મારા રાજ્યમાં પોતાનો કબજો જમાવા આવે છે?’  આ સાભળી ક્રોધ બોલ્યોઃ ‘હે રાજન, હું મારું રાજ માંડ કરી સ્થાપુ છું ત્યાં જ આ સ્ત્રી આવી પહોંચે છે અને થોડા જ સમયમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી કબજો જમાવી દે છે. આ રીતે મેં મેળવેલી મારી રાજ્ય સત્તાનો અકાળે અંત આવે છે.’ આ સાંભળી રાજા જીતેન્દ્ર આવેલાં ન્યાય વાંછૂક સ્ત્રી-પૂરુંષને ઉદ્દેશીને કહે છેઃ ‘તમારો ન્યાય હું નહિ કરી શકું, તમારે ન્યાય જો’તો હોય તો ઇંદ્ર પાસે જાવ, તે તમને જરૂર ન્યાય આપશે.’ રાજા ઇંદ્ર પણ ન્યાય કરી શક્યો નહિ. આખરે કોઈ ઋષિમૂનિના કહેવાથી રાજા જીતેન્દ્રની બીજી રાણી સંવેદના પાસે વિવાદનો અંત લાવવા બંને ન્યાય મેળવા આવી પહોંચે છે. રાણીએ બન્નેને શાંતિથી સાંભળી કહ્યું : ‘તમારા બંનેનું રાજ્ય કોઈ પણ વ્યક્તિના દિલમાં હંમેશાં સ્થપાતું જ રહેશે પણ તમારે તે ટકાવી રાખવું હશે, તો તમારે સત્યને પ્રધાનપદ આપવું પડશે.’ સાભળી બંને ચાલતાં થાય છે. પ્રજાના કલ્યાણ માટે રાજાનું ગૌરવ વધે તેવું આ સંવેદના રાણીનું કામ હતું.

તમારા દિલમાં પણ તમે જો એકવખત સંવેદનાને સ્થાન આપી તમારું ગૌરવ વધરવા ઇચ્છતાં હોવ તો અન્યની વેદનાનું પૃથક્કરણ કરી તમારા દિલમાં તેની અનુભૂતિ કરો. પારકી પીડા પોતિકી જાણી તેને દૂર કરવા કામે લાગી જાવ. બીજાના કલ્યાણ માટે કરેલા ઉપકારને ભૂલી મનમાં જરા પણ અભિમાન ન લાવશો કારણ કે… ‘અહંકાર સંવેદનાનો મોટો દુશ્મન છે.’ તેમ છતાં એવું પણ હંમેશાં બનતું નથી કે અભિમાની અથવા અહંકારી લોકો, અહર્નિશ સંવેદનહીન વ્યક્તિત્વ ધરાવતા હોય છે. પણ હા, એવું તો જરૂર હોય છે તમારી પનોતી, મુશ્કેલી કે વિપત્તિના સમયમાં તમારા દિલમાં રાજ કરતી સંવેદના તમને આબાદ રીતે ઉગારી લે છે. ભલે કદાચ તમારા દિલમાં તેનું સ્થાન રાજા જીતેન્દ્રની જેમ કમને આપી રાખ્યું હોય. તેમ છતાં તમારા રક્ષણ માટે કોઈ પણ જાતના ભેદભાવ વિના તમને મદદ મળે તેવા સંજોગો અવશ્ય ઊભા કરશે. આમ તો, સંવેદનારૂપી ખૂદ ઇશ્વર તમારા દિલમાં બિરાજમાન થતો હોય છે. બાકી તો પામર માણસની શી તાકાત છે. જે અન્યના દુઃખોને જાણી પરપીડિતોને મદદ કરી શકે. સંવેદના જેના દિલમાં સ્થાન પામે છે તેનું નસીબ બદલાઈ જાય છે.

ભાવનગરના ગારિયાધાર તાલુકાનાં એક નાનકડાં ગામમાં ઘટેલી ઘટનાની આ વાત છે.

ગામમાં વાલા ભગત રહેતા હતા. તે ભગવાનને જમાડ્યા વિના કદી જમતા નહિ. તેને ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી. ચોમાસાનો સમય હતો. ગામના ખેડૂતો વાવણીનું કામ કરી રહ્યા હતા. વાલા ભગતના પરિવારને પણ ગામમાં ખેતી લાયક ઘણી મોટી જમીન હતી. પરિવારના સભ્યો જે કામ વાલા ભગતને સોંપતાં તે તેઓ ભારે ઉત્સાહપૂર્વક કરી આપતા હતા. આથી વાલા ભગત આજે પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા. વાલા ભગત પોતાને સોંપેલું કામ પૂરું થતા ભગવાનની ભક્તિ કરવા લાગી જતા હતા. તેથી તેમને જે કોઈ કામ આપવામાં આવતું, તે કામ વહેલી તકે પૂરું કરી વાલા ભગત ભક્તિ કરવા બેસી જતા હતા. આજે વાલા ભગતે ખેતરનું કામ પતાવીને ભગવાનના પ્રસાદ માટે જે ભથવારી ભાત લાવી હતી. તે છોડતા જ તેમાંથી થોડો ભાગ ભગવાન માટે અલગ કાઢી પૂજા-અર્ચના માટે લઈ લે છે. ખેતરના શેઢે બનાવેલ ભગવાનના સ્થાનકે પુજાવિધિ અને પ્રાર્થના કરી થાળ ધરાવાનું કામ ભગતને સોંપવામાં આવ્યું હતું. ખેતરનું કામ પૂરું થતાં જ વાલા ભગતે આ કામ કરવાનું હતું. તેમ છતાં વાલા ભગતને કોઈ ખાસ ઉતાવળ ન હતી. પરિવારના સભ્યો અને વાવણીના કામે આવેલાં  ખેત-મજૂરો ભોજન માટે ભગવાનનો ભાગ અલગ કરી જમવા બેસી જાય છે.  ખેત-મજૂરો થાકીને ખૂબ ભૂખ્યા થયા હોવાથી ભથવારી જેટલા લાડુ લાવી હતી તે બધાં પૂરા થઈ જાય છે. વાલા ભગત પૂજાવિધિમાં ઘણો જ સમય લઇ લે છે. ખેતમજૂરો બધા લાડુ ચટ કરી પોતાના કામે ચાલતા થાય છે. પછી એક ખેતમજૂરને વાલા ભગતની મશ્કરી કરવાનું મન થાય છે. તે માટીના ચાર લાડુ વાળી વાલા ભગત માટે ઢાંકીને મૂકી દે છે અને કોઈ બોલે પણ છે : ‘હે ભગત, તમારી માટે લાડુ ઢાંકી અલગ મૂકી રાખ્યા છે. તમારી ભક્તિનું કામ પૂરું થાય એટલે જમી લેજો. અમે કામે લાગીએ છીએ.’

બધાને એમ હતું કે ભગત જમવા બેસશે એટલે આપણને હસવાનું સાધન મળશે, પણ જેમ ભગવાને મીરાંબાઈની લાજ રાખી હતી, તેમ આજે વાલા ભગતની પણ લાજ રાખી. માટીના ચારે લાડુ લચપચતા ચોખ્ખાં ઘીના બની ગયા. વાલા ભગત જમવા બેસતા જ કામ પર ગયેલાં તમામ મજૂરો ભગતનો તમાશો જોવા આવ્યા. પણ ભગતને જમતા જોઈ વિમાસણમાં પડી ગયા. બધા એકમેક સામે જોતા જ રહી ગયા. ચમત્કાર….! ‘લાડુ ક્યાથી આવ્યા? માટીના લાડુ ક્યાં ગયા?’ બધાના વિસ્મયભર્યા ચહેરા જોઈ વાલા ભગતને નવાઈ લાગી. તેમણે કહ્યુંઃ ‘તમે બધાં શું જોઈ રહ્યા છો?’ કોઈએ ચોખવટ કરી લાડુ તો માટીના હતા તેમ છતાં તે ચોખ્ખાં ઘીના શી રીતે બની ગયા! વાલા ભગતને આ લોકોની વાત સાંભળી ખબર પડી. તેને થયું નક્કી મારા શામળાનું આ કામ છે. તે વિચારવા લાગે છે, કે આ લોકોએ મારા ભગવાનને માટીના લાડુ ખવડાવી મારી પરીક્ષા કરવા આવું તરકટ કર્યું લાગે છે. તે મનોમન ભગવાનની ક્ષમા માંગી દુઃખી થઈ જાય છે. કારણ કે ભગવાનને પોતાના લીધે માટીના લાડુ આરોગવા પડ્યા હતા. તેનો ખ્યાલ તેને આવતા અંતર આકુળ-વ્યાકુળ થઈ ગયું. ભગવાનની પ્રાર્થના કરી કહ્યું કેઃ ‘હે ભગવાન, તું આ લોકોને માફ કરી દેજે. તેઓ અજ્ઞાનની છે. ભગવાન, તું તો દયાળુ છો. આ લોકો મારી કસોટી કરવા ઇચ્છતા હતા પણ હે ભગવાન, તેં તો મારી લાજ રાખવા પોતે માટીના લાડવા ખાધા. હે પરમકૃપાળુ, પરમેશ્વર આજે મને નરસી મહેતા, દાસી જીવણ, મીરાંબાઈ જેવા ભક્તોની જેમ ઉગાર્યો છે.’ વાલા ભગતના ચમત્કારની વાત વાયુવેગે વહેતી થઈ ગઈ. વાલા ભગતના આવા અનેક પ્રસંગો આપણને જાણવા મળે છે. આથી આપણે કહી શકીએ કે સંવેદના રૂપી મૂડી વાપરવાથી વધે છે. આ તો એવું ધન છે જે વાપરવાથી વધતું રહે છે. વળી, આ ધન જીવાત્મા મૃત્યુ બાદ પણ પોતાની સાથે લઈ જઈ શકે છે. સામાન્ય રીતે આપણને એવું સાભળવા મળે છે કે માણસ સઘળું અહીં જ મૂકીને જાય છે પણ આ વાત સંવેદનાને લાગુ પડતી નથી. સંવેદના તો જન્મો-જન્મ વાપરી શકાય તેવું અમૂલ્ય, અવિચળ ધન છે.  આ ધન વડે કોઈ પણ મનુષ્ય પોતાની જીવનરૂપી નાવને ગતિમાન રાખી શકે છે. સંસારસાગરમાં મધ્યાહને પહોંચેલી, હલેસા લગાવી આગળ ધપતી, મારી નાવ નિયતગતિમાં તેણે કાપેલા અંતરના મજધારે હું મારા અનુભવના આધારે કશુંક કહેવા, ઓર્બિટના બટ્ટન દબાવા આંગળીઓ ઉપાડું તો શબ્દોની સરિતા હાલી નીકળે. નીકળેલી સરિતા સાહિત્યના સાગરમાં હલચલ મચાવી શબ્દોની શીતળતા બિછાવે.

ઠંડક ભરી મહેક સંવાદની થઈ શબ્દ સંભળાવે.

ચોતરફ અવાજ દઈ ગુંજી ઊઠે,

પ્રજ્ઞાની પાંખે પહોંચી કીધા શબ્દના સિતારા;

અક્ષરના અજવાળે અમે તો ઝુંકાવ્યા કષ્ટના મિનારા;

શબ્દસંગતની પારસમણીથી,

ઝગમગ જ્ઞાનજ્યોત જલાવે.

મિત્રો, સંવેદના અક્ષરોમાંથી ચૂંટી કાઢેલો સુવાસિત પુષ્પનો અનોખો દસ્તાવેજ છે. તેથી તેનું તો આપણે જતન કરવું જોઈએ. આ ખૂબ કિમતી અતિ મૂલ્યવાન આપણો દસ્તાવેજ હોવા છતાં આપણે તેની કાળજી રાખતા નથી. તેનાથી ઊલટું જેનું ભાવી આપણે જાણતા નથી, મૃત્યુ થતા જે આપણા ખપમાં આવવાનું નથી. તેવા માલ, મિલકત અને મકાનના દસ્તાવેજના સંગ્રહ માટે મજબૂત તિજોરી, લૉકર કે બેંકમાં પણ તેના માટે લૉકર ભાડે લઈએ છીએ. આમ, આપણી યાત્રા દિન-પ્રતિદિન લોકેશન વગરના માર્ગે ચાલે છે. રાત્રીના અંધકારને ખાળવા આપણે ઘણું કામ કર્યું. ભીતરનાં ભંગાણને ભરપાય કરવા કોણ આગળ આવશે? આથમતા સૂર્યના કિરણોને કોણ પકડવા ભાગશે? જાગી શકો તો જાણી લેજો સંધ્યાના મેધધનુષી રંગો. સંવાદના ચોકમાં કોઈવાર તમારા ભીતરમાં ભૂલા પડી સંવેદનાની શીતળતાને માણવા ને જાણવા એકાદ ડોકિયું કરવા એટલા માટે પ્રયત્ન કરવા જેવો છે. સંવેદના તો આપણી અચળ મૂડી છે. તેના વડે જગત નહિ સ્વર્ગ પણ જીતી શકાય છે.

ભગવાન શ્રી કૃષ્ણ એક વખત શેરડીનો સાંઠો ખાય રહ્યા હતા. અચાનક તેને શેરડીના છોતરાની એક ધારદાર ફાંસ આંગળીમાં વાગી જવાથી લોહીની ધારા છૂટી. તે જોઈ દ્રૌપદીને સંવેદના જાગી, તેણે ભગવાનને પોતાની કિંમતી સાડીનો થોડો ટુકડો કાપી લોહી નકળતા ભાગ પર બાંધી દીધો. જેના લીધે ભગવાનને લોહી નીકળતું બંધ થઈ ગયું. દ્રોપદીના દિલમાં જાગેલી સંવેદનાના કારણે એક વખત દ્રૌપદી પર જ્યારે વસ્ત્રાહરણનું અચાનક સંકટ આવી પડ્યું હતું. ત્યારે સંવેદનારૂપી સંચિત થયેલા ધન વડે સમયસર તેને મદદ મળી શકી હતી. ઈતિહાસમાં આવા અનેક ઉદાહરણો જોવા મળે છે. નવસો નવાણુ ચીર દ્રૌપદીની લાજ રાખવા ભગવાને તેના પર જાગેલી સંવેદનાનું ઋણ ચૂકવી આપી દ્રૌપદીના ચીર એક પછી એક પૂરી, સમગ્ર નારી જાતિનું સન્માન વધાર્યું હતું. એટલું જ નહિ ભગવાને ભરી સભામાં નારી શક્તિનું ગૌરવ જાળવી ખરા અર્થમાં ‘નારી તું નારાયણી’ નું સન્માન આપ્યું હતું. એટલે જ એમ કહી શકાયઃ ‘ખરી સંવેદના ઔષધિ બની વિપત્તિના સમયમાં ગૌરવ આપી રક્ષણ આપે છે.’

તા. ર૬ને મંગળવારેથી અનુભવના ઓટલે કોલમ

અંધ ઉદ્યોગ શાળાના સીઈઓ અને ભાવનગર તથા ગાંધીનગરથી પ્રસિધ્ધ થતા લોકસંસાર દેનિકમાં છેલ્લા એક વર્ષથી સંવેદનાની શોધ કોલમ લખતા લાભુભાઈ સોનાણી દ્વારા અનેક દિવ્યાંગોના જીવનમાં નવો પ્રકાશ પાડવા ઉપરાંત તેઓને દિવ્યાંગોના કાયદાની સમજણ આપવા ઉપરાંત દિવ્યાંગો પ્રત્યે સંવેદનાની પણ અઢળક માહિતી આપેલ આજે તા. ૧૯ને મંગળવારે પ્રસિધ્ધ થયેલ સંવેદનાની શોધ કોલમનો પ૧મો હપ્તો છે. અને હવે તે પુર્ણ કરવામાં આવશે. હવે તા. ૬ને મંગળવારથી લાભુભાઈ સોનાણી દ્વારા નવા વિષય સાથે અનુભવના ઓટલે નામની કોલમ શરૂ કરી રહ્યા છે. જેમાં તેમણે અનુભવેલ કેટલાક વાતો સહિત અનેક રસપ્રદા મુદ્દાઓ પ્રકાશિત કરવામાં આવશે અને વાંચકોને કંઈક નવું જાણવા મળશે.

Previous article૧૩૦ જંકશન પર ૧૫૦૦થી વધુ હાઇસ્પીડ કેમેરા લગાવાશે
Next articleહોળી-ધૂળેટીના ઉત્સવનું સમાજમાં મહત્વ