૪૧.૭ ડિગ્રીએ ભાવેણાવાસીઓ ગરમી શેકાયા

788

રાજ્યભરમાં હવામાન ખાતા દ્વારા ચાર દિવસ માટે હિટવેવની આગાહી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ઓરેંજ, યલો અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ૪૪ થી ૪૬ ડિગ્રી સુધી ગરમી પડવાની શક્યતાઓ અપાઇ છે. ત્યારે તેના પગલે આજે ભાવનગરમાં પણ ગઇકાલની સરખામણીએ ૨.૬ ડિગ્રીના વધારા સાથે સીઝનની સૌથી વધુ  ૪૧.૭ ડિગ્રી તાપમાન નોંધાતા ભાવેણાવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. ભાવનગર શહેરમાં પડેલી કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે તો જાણેકે જનજીવન ઠપ થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં બપોરના સમયે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. જ્યારે ફરજીયાત બહાર નીકળનારા વ્યક્તિઓ પણ ટોપી-ચશ્મા અને બુકાની સાથે જોવા મળ્યા હતા. રાત્રીના સમયે પણ લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો. સાથો સાથ ૧૪ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગામી ત્રણેક દિવસ સુધી હજુ વધુ ગરમી પડવાની હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે અનેે સુતરાઉ વસ્ત્રો પહેરવાની સાથે ટોપી-ચશ્માનો ઉપયોગ કરવાનું પણ જણાવાયું છે. ગરમીથી બચવા લીંબુપાણી તેમજ ગ્લુકોઝ અને પાણીદાર ફળોનો ઉપયોગ કરવા પણ સલાહ આપવામાં આવી છે.

Previous articleકતલખાને લઇ જવાતા ગૌવંશને બચાવતી સિહોર પોલીસ ટીમ
Next articleપાલીતાણામાં પશુઓ માટે અવેડા મુકાયા