ચાંદામામા આવેને અજવાળા લાવે…

1029

આથમણી દીશામાં ધીમી ગતિએ પૂનમનાં ચંદ્રનો પથરાયેલો પ્રકાશ ઓસરી રહ્યો હતો. વલસાડનાં વાપી શહેરમાં કાગળનું ઉત્પાદન કરતી કંપનીમાં ફરજ બજાવતો એક યુવાન બની-ઠનીને કંપનીમાં કામ પર પહોંચવા શહેરના બસ સ્ટેન્ડ પર ભારે ઊતાવળા પગે આવી પહોંચે છે.

આ યુવાન બસ સ્ટેન્ડ પર એક પગનો ટેકો લઈ ઊભો હતો. બસ સ્ટેન્ડમાં ઉતારૂઓ માટે બેસવા માટે બાકડા અને ઊભા રહેવા માટે સ્ટીલના પાઈપ ગોઠવેલા હતા. યુવાન પાઈપનો ટેકો લઈને  ઊભો હતો. બસ સ્ટેન્ડની આજુ-બાજુ પોતાની દૃષ્ટિ દોડાવી સોનેરી સવારનું સૌંદર્ય લૂંટી રહ્યો હતો. દરમિયાન  તેની નજર એકાએક રસ્તાની પેલેપાર આવેલા મકાનની ખુલ્લી બારીમાં બેઠેલી એક યુવતી પર મંડાય છે. પૂરો સમય કાઢીને કોઈ કલાકાર પોતાની પ્રતિકૃતિ (મૂર્તિ) બજારમાં મૂકે તેવી યુવતીની કાયા અને મુખાકૃતિ દેખાતી હતી. કામ પર પહોંચવા રોજ યુવાન જે બસમાં જતો હતો તે બસ બસસ્ટેન્ડ સામે આવીને ઊભી રહી જાય છે. યુવાનની નજર હજુ યુવતી પર મંડાયેલી જ છે. બસનું હોર્ન વાગે છે. યુવાન સફાળો જાગી જાણે પથારીમાંથી ઊઠીને ભાગે તેમ સ્ટેન્ડમાં ફેંકાયેલી ખાલી થયેલી પાણીની બોટલોને ઠેબે ચડાવતો જેમ-તેમ બસના પગથિયા સુધી પહોંચી જાય છે. તે વિચારોના વંટોળનાં વમળોમાં ખોવાય જાય છે. યુવાન અને યુવતીનો આ નિત્યક્રમ બની જાય છે. એક દિવસ બસસ્ટેન્ડની બહાર નીકળી યુવાન રસ્તાની સામે પાર પહોંચી જાય છે. યુવતીના ઘરના બારણે ટકોરા વાગે છે. થોડી જ વારમાં યુવતીનો ભાઈ દરવાજો ખોલી આગંતુકને આવકારી આવવાનું પ્રયોજન પૂછે છે. યુવક પોતાની આખી કહાની કહી સંભળાવે છે. યુવતીનો ભાઈ ગુસ્સે થઈ પેલા યુવાનને બે થપ્પડ લગાવી રવાના કરી દે છે. હતાશ અને નિરાશ થયેલો યુવક પુનઃ પોતાના કામે લાગી જાય છે. હવે તે બારી બંધ રહેતી હોવાથી યુવકની બેચેની વધી જાય છે. પેલી યુવતીને જોઈ પણ શકતો નથી. અણધારી આવેલી આફત યુવકના ખીલેલા નંદનવનને ઉજડ કરી નાખે છે. લગભગ એકાદ માસ આમને આમ પસાર થઈ જાય છે. એક દિવસ એકાએક બારી ખુલ્લે છે. યુવક બારી સામે ટગર-ટગર જુએ છે. વારંવાર આમ જૂવા છતાં પેલી યુવતી નજરે પડતી નથી. પછી યુવક ગણગણે છે. ‘નયનને બંધ રાખી ને જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે.’ થોડીવારમાં જ યુવતી બારીમાં નજરે પડે છે. યુવક ફરી ગણગણી ઊઠે છે. ‘ચાંદી જૈસા રંગ હૈં તેરાં, સોને જૈસા બાલ; એક હી તૂ હૈં ધનવાન, બાકી સબ કંગાલ.’ પ્રેમની ગાડી વાયુવેગે  પ્રેમના માર્ગે પૂરપાટ દોડી રહી હતી. દિવસો પછી દિવસો વીતી રહ્યા હતા.

એક દિવસ યુવક પોતાની બધી હિંમત એકઠી કરી યુવતીના ઘર પર પહોંચી તેના બંધ બારણા પર ટકોરા લગાવે છે. બારણું ખૂલતા જ યુવતીના પિતા યુવકને ઓળખી કાઢે છે. તે યુવકને ધક્કો મારી કહે છે : ‘જીવતો નહિ છોડું જો અહીં કદી દેખાયો છો.’ તારા બાપનો મોબાઈલ નંબર આપ, હું તેને ચેતવવા માગું છું; તને જરા સમજાવી દે. એક વખત તને મારા દીકરાએ જતો કર્યો છતાં હજુ તને સમજાતું નથી? તું શું અમને ઢીલાપોચા સમજે છો? બીજી વખત જો તું ભૂલથી પણ કદી અહીં દેખાયો તો તારા રાય-રાય જેવા કટકા કરી નાખીશું,  સમજ્યો? બારીમાં બેઠેલી છોકરીને જોઈને પ્રેમ કરવા નીકળી પડતા તને શરમ નથી આવતી? યુવકને ધક્કા મારી કાઢી મૂકે છે. ફરી બારી બંધ થઈ જાય છે. ઊગતા સૂર્યને જાણે વાદળોએ ઘેરો ઘાલ્યો હોય તેમ સવાર થવાની પ્રતિક્ષાલયમાં યુવક પોતાનું સ્થાન ગ્રહણ કરી સમયની રાહ જોવા લાગે છે. સમય પાણીનાં પ્રવાહની જેમ વહેતો રહે છે. પાણી જેમ-જેમ અંતર કાપે છે તેમ-તેમ તેના માર્ગમાં ઢોળાવ ને ખીણ, તો વળી ક્યાંક સપાટ મેદાન પણ આવે છે, તેમ સમય પણ પોતાનો કરવટ બદલતો જ રહે છે. બસસ્ટોપના સામેના ભાગે આવેલા મકાન બાજુની ફૂટપાથ પર આવીને યુવક ઊભો રહી જાય છે. થોડી જ વારમાં યુવતીના મકાનનો દરવાજો ખૂલે છે. આધેડ ઉંમરની સ્ત્રી હાથમાં થેલી લઈ શાકભાજી ખરીદવાના ઈરાદાથી મકાનની બહાર આવે છે. યુવક મક્કમ પગલે શાકની લારી તરફ આગળ વધવા લાગે છે. યુવક મનોમન ‘આ સ્ત્રી તેની મમ્મી જ હશે’ લાવને તેને મારા દિલની વાત કરું. કદાચ સ્ત્રીઓ પુરુષો કરતા મ?દુ હોય છે, તેથી તે મારી વાત જરૂર સાંભળશે. તેમ વિચારી યુવક પોતાના પગ ઊપાડે છે. નમસ્તે…આંટી, હું આપની સાથે થોડી વાત કરવા ઈચ્છું છું. આ સાંભળી નિયતીબેન બોલ્યાંઃ ‘બોલ બેટા, શું કહેવું છે? તું થોડા સમય પહેલા અમારા ઘરે આવ્યો હતો. તે જ છોરો છો ને?’ ‘હા, આંટી મારું નામ ચંદ્રકાંત.’ નિયતીબેન બોલી ઊઠે છેઃ ‘બેટા, તું કેમ સમજતો નથી. વારંવાર છોકરી પાછળ ગાંડો થઈ કેમ આવે છો? તને ખરી હકિકત જાણવા મળશે તો તારો પ્રેમ ક્યાંય સુકાય જાશે. તારે મારી દીકરીને મળવુ જ છે? યુવક વંદન કરી હકારમાં પોતાનું માથું ધુણાવે છે. નિયતીબેન યુવકને પોતાના ઘરે સાથે દોરી જાય છે. દરવાજો ખૂલતા જ ઘરના બધા સભ્યો ભારે આશ્ચર્ય સાથે યુવક સામે જોઈ રહે છે. નિયતીબેન બધાને શાંતિ જાળવા ઇશારો કરે છે. નિયતીબેન યુવકને અંદરના રુમમાં પેલી બારી પાસે લઈ જાય છે. એક વ્હિલચેર પર બેઠેલી છોકરીના કમરથી નીચેના પગ તદ્દન અચેતન થઈ ગયેલા છે. આ છોકરી વ્હિલચેરની મદદ વિના એક ડગલું પણ ચાલી શકતી નહોતી તેથી તેની વ્હિલચેર બારી પાસે આ લોકો રાખતા હતા. જેના કારણે છોકરી બહારની દુનિયા એક ડગલુંય ચાલ્યા વિના જોવાનો આનંદ ઊઠાવી શકતી હતી. રૂપથી અંજાયેલો યુવક હશે, તેમ સમજી ઘરના સભ્યો તેને ધિક્કારતા હતા. પરંતુ યુવકની લાગણી જોઈ સૌ અવાક્‌ બની ગયાં. કારણ કે, આ યુવક માત્ર રૂપથી અંજાયો ન હતો. યુવક તો યુવતીની આંખોમાંથી નિતરતો પ્રેમ પામીને અંતરથી ભીંજાયો હતો. યુવક બોલ્યોઃ ‘કમરની નીચેના પગ ભલે અચેતન બન્યા હોય. આ યુવતીની આંખોમાં મારું આખું જીવન મને દેખાય છે. આપની મંજુરી મારા નવા જીવનની રાહ જુએ છે. અંતરમાં મોટું તોફાન જાગ્યું છે. મારા માટે સુખની વ્યાખ્યા જરા જુદી છે. ભીતરની ભાગોળે આવેલી લીલીછમ વાડી, મારા બાગરૂપી જગતને સમૃદ્ધિ આપી ઊજાળી શકે છે. તેને આપની સંમતિના વાયુના સુસવાટાઓ અને લાગણીની વર્ષા ભીંજવી શકે છે.

ચંદ્રકાંતના મનમાં ખૂબ જ જાણીતું લોકગીત ગુંજી રહ્યું હતુંપ.

‘વીજ બાબી ક્યાં રોકાણા રાત, ઘટાટોપ વાદળ ઘેરાણા રે લોલ,

મેહુલો આવી આવી ને રહી જાય, ઘટાટોપ વાદળપ’

આ ગીતની પંકતિઓ તેને લાગણીના પ્રદેશમા ખેંચી રહી હતી. કારણ કે આંખ એકમેકને જોડતો સંવાદી સેતુ છે. આ સેતુ માણસને તેની લાગણીઓ સાથે અન્યના લાગણીનાં પ્રદેશમાં પહોંચાડે છે. આ માર્ગમાં અનેક અંત્રાયો અને અવરોધો તો આવતા જ હોય છે. પણ અવરોધો જે ખાળી શકે છે, તે પામી પણ શકે છે. મીરાંબાઈ જેવી સ્ત્રીને ક?ષ્ણને પામવા ઝેરનો પ્યાલો આરોગવો પડ્યો હતો. પરંતુ શામળા સાથે તેમની નિર્મળ આખો વડે થયેલો સંવાદ તેનું મિલન કરાવી શક્યો હતો. ચંદ્રકાંતની આંખો પણ આવો જ સંવાદ સ્થાપી શકી હતી, તેથી તો ઘરના તમામ લોકો મૂંગામંતર થઈ ચંદ્રકાંતની ભીતરની ભાગોળે આજે રાસ રમવા લાગ્યા હતા.

‘કોઈ ગોકુળ-મથુરા જાય રે, લખી કાગળીયો રે પ્રેમનો;

હૈયે હરખ ના સમાય રે, આવ્યો અવસરિયો આનંદનો.’

લગ્નવિધિ પૂર્ણ થતા જ ચંદ્રકાંત શ્રદ્ધાને રાજસ્થાનમાં આવેલી નારાયણ સેવા સંસ્થાન-ઉદયપુર ખાતે કૃત્રિમ પગ બેસાડવા લઈ જાય છે. સંસ્થાના નિષ્ણાત તજજ્ઞો દ્વારા નવા બંને પગ તૈયાર કરવામાં આવે છે. તેને થોડા દિવસ ચાલવાની તાલીમ પણ આપવામાં આવે છે. પરિણામ જાણી આપ સૌને આશ્ચર્ય થશે. બંનેનું જીવન સામાન્ય પરિવારના લોકો કરતાય અસાધારણ ગતિએ ચાલવા લાગ્યું હતું. શ્રદ્ધા પણ ભણેલી-ગણેલી યુવતી હોવાથી તેને પણ ચંદ્રકાંતની કંપનીમાં કામ મળી જાય છે. થોડા જ સમયમાં પોતાની કુશળતાભરી કામગીરી વડે તે કંપનીમાં ટોચના સ્થાને પહોંચી જાય છે. ખૂબ આછો ચંદ્રનો પ્રકાશ પણ માણસને સૂર્યના દર્શનના દ્વાર સુધી દોરી જતો હોય છે. એમાય પૂનમનાં ચંદ્રપ્રકાશનું તો પૂછવું જ શું? ચંદ્રકાંત જેવા યુવકો અનેક યુવતિઓનું જીવન ઊજાળી શકે છે. પરંતુ આ માટે તો નિયતીબેન જેવી સંવાદની દૃષ્ટિ સમાજે કેળવવી પડશે.

લગભગ વર્ષ ૧૯૮૬ માં ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી અંધ ઉદ્યોગ શાળામાં પ્રાથમિક પછી આગળ ભણવાની સગવડ નહિ હોવાથી વિશુદ્ધાનંદ વિદ્યામંદિરમાં હું, માધ્યમિક શાળામાં દાખલ થવા માટે ગયો હતો. તે સમયનો એક પ્રસંગ મને અહીં ટાંકવા જેવો ઉચિત લાગે છે. તે સમયે સનેત્ર બાળકો સાથે અંધજનો પણ ભણી શકે તે વાતને કોઈ સમર્થન આપવા તૈયાર થતું ન હતું. તેમ છતાં હું મૈયાણીસાહેબ (પ્રથમ ઉપ કુલપતિ – નરસિંહ મહેતા યુનિવર્સિટી) ની ઓફિસમાં એડમિશન માટે હિંમત એકઠી કરી પહોંચી ગયો. ઘણી આનાકાની પછી સાહેબ ત્રણ દિવસ માટે મને વર્ગખંડમાં સામાન્ય સનેત્ર બાળકો સાથે ભણવા બેસવા દેવા તૈયાર થયા. તેમની શરત હતી, કે શિક્ષકો જો તારા દેખાવથી ખુશ થશે તો ત્રણ દિવસ પછી તારું નામ કાયદેસર રીતે દાખલ કરવામાં આવશે. પણ જો શિક્ષકોનો અભિપ્રાય જરા પણ નબળો આવશે તો તને એડમિશન કોઈ પણ સંજોગોમાં મળી શકશે નહિ. મારા માટે આ પડકાર હતો પણ મયાણીસાહેબનો તો એ પૂર્ણિમાના ચંદ્રપ્રકાશનો આછો ઊજાસ હતો. તેની આંખોએ મારો આત્મવિશ્વાસ જાણે જાણી લીધો હતો. લગભગ ૬૫ વિદ્યાર્થીઓ વચ્ચે મારે મારી શક્તિનું પ્રદર્શન બતાવી શિક્ષકોની લાગણી જીતવાની હતી. શાળામાં શારીરિક શિક્ષણ અને ચિત્રકામના વિષયો પણ હતા. બધા જ વિષયોમાં મહેનત કરવાનો સંકલ્પ કરી લીધો પણ ચિત્રકામ અને શારીરિક શિક્ષણના વિષયમાં મને ચિંતા વધુ સતાવતી હતી. જોકે શરતી ત્રણ દિવસમાં આ વિષયનો એક પણ તાસ ન આવતા મને ઘણી રાહત મળી હતી. સંસ્કૃતમાં શીલાબેન, ગણિતમાં હરિભાઈ ભૂંગળિયા, ગુજરાતીમાં દેવયાનીબેન, અંગ્રેજીમાં સંગીતાબેનનો પ્રેમાળ અને લાગણી ભર્યો વ્યવહાર જોઈ મારા થાકેલા પગમાં શક્તિનો સંચાર થયો હતો. તમામ વિદ્યાર્થીઓમાં સૌથી પહેલો ઉત્તર હું આપી શકતો હતો. તેમાં પણ મારા શિક્ષકોની લાગણી વાર્તામાં જણાવેલા નિયતીબેન જેવી હતી. બધા જ શિક્ષકો મને કાયમી પ્રવેશ મળી જાય તે માટે અમારા આચાર્ય જીવરાજભાઈની ઓફિસમાં જઈ મને પ્રવેશ આપવા ભલામણ કરે છે. મને તાકીદે પ્રવેશ મળી જાય છે.

ચિત્રકામ અને શારીરિક શિક્ષણનાં વિષય ભણાવતા શીલાબેન ત્રિવેદીનાં સંસ્કૃત વિષયનાં તાસમાં હું અગાઉ થી પરિચયમાં આવ્યો હોવાથી મારી મુશ્કેલી તેમની સમક્ષ રજૂ કરી શક્યો. તેમણે મને આ બંને વિષયનાં થિયરી પર ભાર મૂકી મારો અભ્યાસ શરુ રાખવા આશ્વાસન આપ્યું. પ્રેક્ટિકલમાં મારી મર્યાદાને ધ્યાને લઇ તેઓ મારી પાસે શારીરિક શિક્ષણનાં તાસમાં પ્રેક્ટિકલ કરાવતા હતા. ચિત્રકામનાં વિષયમાં પણ તેમ જ કરતા હતા. તેના કારણે હું માત્ર થિયરીમાં મહેનત કરી જેમ તેમ બન્ને વિષયમાં પાસ થઇ જતો હતો.  શ્રી શીલાબેન ત્રિવેદીની સંવેદના ભરી દૃષ્ટિનાં કારણે આજે હું પ્રગતિનાં પંથે ડગ માંડી રહ્યો છું. જો વિશુદ્ધાનંદના પ્રિન્સીપાલ જીવરાજભાઈ મૈયાણી અને તે શાળાના શિક્ષિકાશ્રી શીલાબેન ત્રિવેદી જેવી સમાજની દૃષ્ટિ કેળવાશે તો અસંખ્ય ક્ષતિગ્રત લોકો પોતાની જીવનયાત્રામાં આગળ ધપી શકશે. એટલું જ નહિ તેઓ પ્રગતિ પણ કરી શકશે.

પૂનમનાં ચંદ્રનો આછો પ્રકાશ પણ જે રીતે સૂર્યનાં દર્શન કરાવી સોનેરી સવાર આપે છે, તેમ સમાજની થોડી હકારાત્મક વિચારધારા પણ અક્ષમ લોકોને સમાજની મુખ્યધારામાં સ્થાન અપાવી શકે છે.

Previous articleરાજ્યભરમાં કાળઝાળ ગરમી અકબંધ રહી : પારો હજુય ૪૪
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે