ભાલની ઉજ્જડ ભૂમિમાં પ્રગતિશીલ ખેડૂતે દાડમનો પાક લહેરાવ્યો

793

ભાવનગર જિલ્લાનો વલ્લભીપુર તાલુકો ભાલ પંથક તરીકે પણ ઓળખાય છે. ભાલ પ્રદેશ એટલે માત્ર ખારાશ વાળો અને ઉજ્જડ વિસ્તાર. બાવળને ઉગવા માટે પણ યોગ્ય જમીન નહિ એવી ખારાશ સમગ્ર ભાલ વિસ્તારમાં વ્યાપ્ત થઈ ગઈ છે. માત્રને માત્ર ચોમાસા આધારિત ખેતી એક માત્ર વિકલ્પ અહીંના ખેડૂતો પાસે રહેલો છે. વરસો વરસ નબળા ચોમાસાના કારણે ભાલનો ખેડૂત દેવાના ડુંગરો નીચે દબાઈને લાચાર અને ઓશિયાળો થઈ ગયો છે. પેઢી દર પેઢી ખેતી પર નભતા અહીંના ખેડુ પાસે ઈશ્વર ઈચ્છા બળવાન કહીને બેકાર બેઠા રહેવા સિવાય કોઈ આરો ઓવરો નથી રહ્યો. ત્યારે હજારો નિરાશામાં આશાનું એક કિરણ ઊગ્યું છે. વલ્લભીપુર તાલુકાના મોણપર ગામના પ્રગતિશીલ ખેડૂતે હિંમત હાર્યા વગર સમયની માંગ પ્રમાણે પરંપરાગત ચોમાસુ પાક પર આધાર ન રાખતા આધુનિક પદ્ધતિથી બાગાયતી પાક લેવાનો દ્રઢ નીર્ધાર કર્યો અને બે વરસની સખત મહેનતના પરિપાક રૂપે આજે તેઓ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બને એવો દાડમનો પાક લેવામાં સફળ થયા છે.

વલ્લભીપુર તાલુકાના મોણપર ગામના રાયસંગભાઈ નાનુભાઈ પરમાર નામના ખેડૂતે કુદરત પર આધાર રાખીને બેસી રહેવાના બદલે બાવડાના બળે   કુદરત સામે બાથ ભરવાનો નીર્ધાર કર્યો.

રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ખેતી નિષ્ણાંત સુભાષ પાલેકર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી માર્ગદર્શન શિબિરોમાં જવાનું શરૂ કર્યું. રાજકોટના જામકંડોરણામાં પહેલી વાર છ દિવસીય શિબિરમાં ભાગ લીધો અને રાયસંગભાઈને એક નવી દિશા મળી. ત્યાર બાદ તેઓએ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં બીજી છ દિવસીય શિબિર તેમજ ડીસા તાલુકામાં છ દિવસીય શિબિરમાં ભાગ લીધો. અહીંથી એમણે મનમાં ગાંઠ વાળી લીધી કે ઉજ્જડ એવી ખારાશ વાળી ભાલની જમીનમાં બાગાયતી પાક દાડમનું વાવેતર કરવું છે અને મંડી પડ્યા એ અંગે સંશોધન કરવા. ૨૦૧૭ની સાલમાં ડીસાના ખેડૂતોની ખેત પદ્ધતિનો અભ્યાસ કર્યો. આણંદ કૃષિ લેબોરેટરીમાંથી એક હજાર દાડમના છોડ મેળવ્યા. અને દસ બાય દસનું માપ રાખીને ત્રણ એકરમાં એ છોડ વાવ્યા. વચ્ચેની જમીનમાં મગ વાવ્યા. ખારાશ વાળી જમીનને માફક આવે એ માટે ગૌ આધારીત ખેતી કરવાનો વિકલ્પ અપનાવ્યો.  ડી.એ.પી ખાતર, યુરિયા, વિદેશી જંતુનાશક દવા વગર છોડ ઉછેરવાનું શરૂ કર્યું.

જેમાં માત્ર ગાયનું છાણ, ગૌમૂત્ર, લોટ, ગોળ મિશ્રિત જીવામૃત દવા બનાવી. આ દેશી દવાનો છંટકાવ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કરવાનું શરૂ કર્યું. દર મહિને એક વાર અને સિઝન દરમ્યાન ત્રણ વાર આ દવાનો છોડ પર છંટકાવ કર્યો. આ ઉપરાંત અળસીયાના ખાતરનું નિતારેલ પાણી ડ્રિપ મારફતે આપતા કોઈ રોગ આજ સુધી આ પાકમાં જોવા મળેલ નથી. આજે છોડ ૨૨ મહિનાના થઈ ગયા છે. દાડમનો પાક આવવાનું શરૂ થઈ ગયું છે. આમ છતાં છોડના સંપૂર્ણ વિકાસ માટે હજુ બે ત્રણ મહિના બાકી હોવાથી છોડ પર આવેલા દાડમ ખેરવી નાંખીને રાયસંગભાઈ હજુ છોડનો વધુ વિકાસ કરવા દેવા માંગે છે. ત્યાર બાદ ભાલની ખારી જમીનમાં દેશી દાડમનો ઓર્ગેનિક પાક લહેરાશે. ઓર્ગેનિક દાડમની બજારમાં ખૂબ મોટી માંગ છે અને વળતર પણ ખૂબ સારું મળી રહે છે. ત્રણ એકરમાં ખેડૂતે કરેલી આ કમાલને જોવા માટે આજુ બાજુના વિસ્તારના અનેક ખેડૂતો રોજ આવી રહ્યા છે.

જોકે આ તબક્કે પહોંચવું ખેડૂત માટે બિલકુલ આસાન ન હતું. અન્ય કુદરતી વિટંબણાઓ વચ્ચે પાકની રક્ષા કરવાનો પડકાર ખૂબ મોટો હતો. આ વિસ્તાર નીલગાય (રોઝડા) માટે કુખ્યાત છે. ખેતરની ચારે બાજુ કાંટાળી વાડ અને વાડમાં સરકાર માન્ય ઝટકા મશીન લગાવ્યા પછી પણ નિલગાયોનો ભય સતત ઝળુંબતો જ રહે છે આથી ચોવીસે કલાક રખેવાળી કરવી પડે છે. આમ છતાં દરેક મુસીબતમાંથી માર્ગ શોધી આ ખેડૂતે વિસ્તારના અન્ય ખેડૂતોને એક નવી દિશા ચીંધી છે.

Previous articleભુરખીયા હનુમાનજી મંદિરની સફાઇ કરતા બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદનાં સભ્યો
Next articleજેલમાં મોબાઇલ રાખવાનાં ગુનાના ફરાર અરોપીઓને ઝડપી લેતી પોલીસ