દહેગામમાં કાર ચાલક મહિલાએ સાતને ઉડાડ્‌યા

1023
gandhi1722018-1.jpg

દહેગામ શહેરના ભરચક વિસ્તાર એવા અમદાવાદ મોડાસા રોડ પર નાંદોલ ત્રણ રસ્તા પાસેથી નવી નક્કોર અલ્ટો કાર હંકારી જઇ રહેલ મહિલા ચાલકે કારપર નો કાબુ ગુમાવ્યો હતો.અને સુવિધા પથ નજીક શૌચાલય પાસે લારીમાં ફળ, શાકભાજી, મરચા મસાલાનું વેચાણ કરતા તેમજ ખરીદી માટે આવેલ સાત વ્યક્તિઓને ટક્કર મારતાં ઇજાઓ પહોંચાડી હતી.અને એક મોટર સાયકલને નુકશાન પહોંચ્યુ હતુ. ભીડભાડવાળા વિસ્તારમાં થયેલ અકસ્માતથી સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી હતી.આ અંગે ઇજાગ્રસ્તો અકસ્માત કરનાર કાર ચાલક વિરૂધ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના ભરચક વિસ્તાર એવા નાંદોલ રોડ ત્રણ રસ્તા નજીક સુવિધા પથ પાસેથી બુધવારે સાંજે એક મહિલા નવી નંબર પ્લેટ વિનાની અલ્ટોકાર લઇ પસાર થઇ રહી હતી.કાર ચાલક મહિલાએ અચાનક કાર પરનો કાબુ ગુમાવતાં કાર સુવિધાપથ પાસેના શૌચાલય પાસે ધડાકાભેર અથડાઇ હતી.તે સમયે લારી પર શાકભાજી ફળ અને મરચા મસાલાની લારી ઉભી રાખી ધંધો કરતાં વ્યક્તિઓની લારી ઉધીવળી ગઇ હતી. અકસ્માતથી રાજેશભાઇ દંતાણી મયુર વિષ્ણુજી ઠાકોરના જમણા પગ તથા માથા અને ગુપ્ત ભાગે ઇજા થઇ હતી.વિનોદભાઇ જવાનભાઇ દેવીપૂજકના માથા તેમજ સાથળના ભાગે ઇજા પહોંચી હતી.
બજારમાં ખરીદી કરવા માટે આવેલા ગોવિંદભાઇ નારણભાઇ, શ્રીનાથ બળવંતભાઇ,વ સંત બ્રજનાથભાઇ તેમજ કલ્પેશભાઇ ચમનભાઇ શાહને પણ બેઠો માર વાગ્યો હતો. તે સ્થળે પાર્ક કરાયેલ મહેમુદભાઇ શેખની મોટર સાયકલને પણ નુકશાન પહોંચ્યુ હતુ.ભરચક વિસ્તારમાં થયેલ અકસ્માતથી સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત કરી ગાડી મુકી નાસી છુટનાર મહિલા ચાલક વિરૂધ્ધ રાજેશભાઇ ડાહ્યાભાઇ દંતાણીએ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ દહેગામ પોલીસે રાતો રાત સાત લોકોને ઇજા પહોંચાડનાર મહિલા ચાલકને બક્ષી હતી.