ભાવનગરમાં ૫ દિવસમાં ૬૭૦ પોઝીટીવ કેસ નોંધાયા

559

છેલ્લા એક મહિનાથી રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસે કાળોકેર મચાવ્યો છે. દિનપ્રતિદિન પોઝીટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર શહેરની સાથો સાથ હવે જિલ્લામાં પણ કોરોનાએ માઝા મુકી છે ભાવનગરના તાલુકાઓમાં પણ હવે પોઝીટીવ કેસની સંખ્યામાં અત્યંત વધારો થઈ જવા પામ્યો છે. અને શહેર જેટલા પોઝીટીવ કેસો ગ્રામ્ય પંથકોમાંથી મળી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ૫ દિવસમાં ૬૭૦ પોઝીટીવ કેસ સરકારી આંકડા મુજબ નોંધાયા છે જો કે શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે જેમાં પોઝીટીવ આવનારા લોકોને ઘરે હોમકોરોન્ટાઈન માટે મોકલી દેવામાં આવે છે તેની તો ગણત્રી ધ્યાને લેવાતી નથી આ તો માત્ર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા પોઝીટીવ દર્દીઓના જ આંકડા આપવામાં આવે છે જો કે ૫ દિવસમાં ૬૭૦ પોઝીટીવ કેસની સામે ૩૦૨ દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાં રજા પણ આપી દેવામાં આવી છે પંરતુ તેની સામે ડબલ કરતા વધુ દર્દીઓ નવા આવી રહ્યા છે. ભાવનગરમાં ગત તા.૧૧ના રોજ ૯૭ પોઝીટીવ કેસ આવ્યા હતા જ્યારે તા.૧૨ના રોજ ૧૧૦, તા.૧૩ના રોજ ૧૨૮ અને તા.૧૪ના રોજ ૧૬૫ અને આજે તા.૧૫ના રોજ રેકોર્ડ બ્રેક ૧૭૦ કેસ નોંધાયા હતા. આમ ભાવનગરમાં પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ ચિંતા જનક વધારાને પહોચી વળવા લોકોએ સ્વયંભૂ જાગૃતિ લાવવી પડશે. અને કામવિના બહાર નીકળવાનું પણ ઓછુ કરી દેવી પડશે.
જ્યારે જિલ્લાકક્ષાએ તાલુકા લેવલે વેપારીઓ એસો.દ્વારા સરાહનીય નિર્ણયો લઈ સ્વૈચ્છીક લોકડાઉન અને અમુક સમય પુરતી દુકાનો ખોલવાના નિર્ણયો લેવામાં આવ્યા છે જેના કારણે થોડી ઘણી રાહતતો થશે તેવી આશા સેવાય રહી છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ હવે વેપારીઓ પણ નિયમોનું પાલન કરવા લાગ્યા છે જો કે લોકડાઉન અંગે હજુ ચોક્કસ નિર્ણય કરવામાં આવ્યો નથી.