પાણી હવે પ્લાસ્ટિકની બદલે પેપરની બોટલ મળશે

340

૫ લીટર પાણીના કેરબા માટે રૂા. ૭૫ જ્યારે ૨૦ લીટર પાણીના કેરબા માટે રૂા.૧૨૦ કિંમત નક્કી કરાઇ
(જી.એન.એસ.)હૈદરાબાદ,તા.૩
સમગ્ર વિશ્વમાં પ્રદૂષિત થઈ રહેલા પર્યાવરણને બચાવવા માટે વિવિધ પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટ-અપ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. તેના અંતર્ગત વધી રહેલા પ્લાસ્ટિક વેસ્ટને અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકની બોટલના બદલે પાણીની ઈકો ફ્રેન્ડલી બોટલ તૈયાર કરવામાં આવી છે. મતલબ કે હવે પ્લાસ્ટિકના બદલે પેપર બેગમાં પાણી મળશે. આઈટી નિષ્ણાત સુનીથ તાતિનેની અને ચૈતન્ય અયિનપુડીએ પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવાના ઉદ્દેશ્યથી ’કૈરો વોટર’ નામના સ્ટાર્ટઅપની શરૂઆત કરી છે. આ માટે બંનેએ પોતાની કોર્પોરેટ સેક્ટરની નોકરી છોડી દીધી હતી. કૈરો વોટરના સહ-સંસ્થાપક સુનીથે જણાવ્યું કે એક વ્યક્તિ જે લાંબી મુસાફરી કરી રહ્યો હોય તે એક લીટર પાણીની ઓછામાં ઓછી ૫ બોટલ ખરીદે છે. આ પ્લાસ્ટિકની બોટલ્સમાંથી ૧૦ ટકા કરતા પણ ઓછી બોટલ્સનું રિસાઈક્લિંગ થાય છે જે એક ખૂબ જ ગંભીર મુદ્દો છે.
આ મુદ્દાનું સમાધાન શોધવા માટે તેમણે કાર્ડબોર્ડ બોક્સનો ઉપયોગ કરીને પાણી પેક કરવાનું શરૂ કરી દીધું છે. તેમાં રિસાઈકલ કરી શકાય તેવી ’બેગ ઈન બોક્સ’ બેગમાં ભરીને ભરપૂર પાણી આપવામાં આવે છે. સુનીથે જણાવ્યું કે, હાલ પેપર બેગ પાણીના ડબ્બા ૫ લીટર અને ૨૦ લીટર એમ બે પ્રકારે ઉપલબ્ધ છે. ૫ લીટર પાણીના કેરબા માટે ૭૫ રૂપિયા જ્યારે ૨૦ લીટર પાણીના કેરબા માટે ૧૨૦ રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૧૧૧ નવા કોરોના કેસ, ૭૩૮ લોકોના મોત
Next articleપુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના સૌથી યુવા મુખ્યપ્રધાન બન્યા