અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંકઃ આર્મી ચીફે ભારત મુલાકાત રદ્દ કરી

123

(જી.એન.એસ.)કાબૂલ,તા.૨૭
અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા પછી તાલિબાને અહીં જે કહેર વર્તાવ્યો છે તે સમગ્ર દુનિયા જાણે છે. તાલિબાન સાથે લડાઈ દરમિયાન હારેલા ૪૬ અફઘાન સૈનિકોએ પાકિસ્તાનમાં શરણ લેવી પડી છે. સોમવારે પાકિસ્તાની સેના દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી છે. આ માહિતી પ્રમાણે સીમા પર લડાઈ દરમિયાન ઘણી જગ્યાઓ પર અફઘાન સેના તેમનું નિયંત્રણ ગુમાવી બેઠી છે. ત્યારપછી પોતાનો જીવ બચાવવા અફઘાન સૈનિકોએ પાકિસ્તાનની મદદ લેવી પડી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અફઘાન સેના પ્રમુખ જનરલ વલી મોહમ્મદજઈએ આ સપ્તાહની તેમની ભારત યાત્રા પણ રદ કરી દીધી છે. અફઘાન એમ્બેસી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તાલિબાનોના ત્રાસથી છેલ્લા કેટલાક સપ્તાહથી અફઘાન સેનાના સૈનિકો અને નાગરિકો તઝાકિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન ભાગી ગયા છે. પાકિસ્તાની સેનાએ એક નિવેદન આપતા જણાવ્યું છે કે, અફઘાન અધિકારીઓ તરફથી ક્લિયરન્સ મળ્યા પછી હવે આ સૈનિકોને સુરક્ષીત પરત મોકલી દેવામાં આવશે. નિયમ પ્રમાણે અફઘાન સેનાને શરણ આપવાની સાથે સાથે સૈન્ય નિયમો પ્રમાણે જમવાનું અને જરૂરી મેડિકલ સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે, જ્યારે બંને દેશો વચ્ચેની સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે અફઘાન સેનાને તેમના દેશ પરત મોકલી દેવામાં આવશે. નોંધનીય છે કે, અફઘાની રાજદૂતની દિકરીનું પાકિસ્તાનમાં અપહરણ થયા પછી ત્યાંથી તમામ અફઘાન રાજનાયિકોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.

Previous articleભારતીય સેનામાં જવાનોની ૯૦૬૪૦ અને ઓફિસરોની ૭૯૧૨ જગ્યાઓ ખાલી
Next articleઅજય દેવગણે દેશના જવાનોના નામે કવિતાનો વીડિયો પોસ્ટ કર્યો, અક્ષય કુમાર થયો ભાવુક