ઉચ્ચ શિક્ષણક્ષેત્રે વધુ ગુણાત્મક સુધારા માટે રોડમેપ તૈયાર કરાશે : શિક્ષણમંત્રી ચુડાસમા

602

રાજભવનમાં ગુજરાતની યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠક મળી હતી, જેમાં ઉચ્ચ શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. અને શિક્ષણપ્રધાને રોડમેપ તૈયાર કરવા પર ભાર આપ્યો હતો.

ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના અધ્યક્ષસ્થાને આજે શનિવારે રાજભવનમાં રાજ્ય સહાયિત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓની પરિષદ યોજાઇ હતી. આ બેઠકમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરીબહેન દવે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધિક સચિવ રેણુ બત્રા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓએ સી.આર.સી.ની સંકલ્પનાની તર્જ પર શૈક્ષણિક કાર્યોની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વની ભૂમિકા વધુ્‌ પ્રભાવક રીતે નિભાવવી જોઇએ. વિદ્યાર્થીઓનું ગ્રામીણ જીવન સાથેનું તાદાત્મ્ય જીવંત બને અને સમાજહિત અને ઉત્થાનના કાર્યોમાં તેઓ તેમનું સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત થાય તે માટેના પ્રયાસો પર વિશેષ વિચારણા થવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ રજી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ દેશભરમાં ગૌરવભેર ઉજવવામાં આવનાર છે. આ ઉજવણીના સંદર્ભમાં ભારતના રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ઉજવણી સમિતિ તથા વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં પણ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ગૌરવમયી ઉજવણી થશે ત્યારે વિશ્વવિદ્યાલયોએ પણ આ ઉજવણીમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપી ઉજવણીને સાર્થક બનાવવાની રહેશે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણને વધુ ગુણાત્મક બનાવવાની દિશામાં પણ વિગતવાર ચર્ચાઓ થઇ હતી તથા ઘણાં ઉપયોગી સૂચનો મળ્યાં હતાં. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે આગામી દિવસોમાં ‘રોડમેપ’ તૈયાર કરવાની આવશ્યકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ રોડમેપ તેયાર કરવામાં આજની બેઠક ખૂબ ઉપયોગી નિવડશે.

આજે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આપણે ક્યાં છીએ અને કેવી રીતે, કયાં પહોંચવાનું છે તેની દિશા આપણે નક્કી કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ૪-૫-૬ જૂનના રોજ સમગ્ર દેશના તમામ રાજ્યપાલોની ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન અંગે ચર્ચા કરવા બેઠક યોજાયેલી તેના સંદર્ભમાં વિસ્તૃત આયોજન અને રૂપરેખા ઘડવા રાજ્યપાલે આજે બોલાવેલી કુલપતિઓની બેઠક ફળદાયી બનશે. આ બેઠકમાં થયેલી ચર્ચા અને સમિક્ષાના આધારે તૈયાર થનાર કાર્યયોજનાના અમલીકરણ દ્વારા આગામી છ મહિનામાં જે અર્ક નીકળશે, તેના પરથી આપણો લક્ષ્યાંક પણ સ્પષ્ટ થશે. ઉચ્ચ શિક્ષણમાં વધુ ગુણાત્મક સુધારા માટે જે જવાબદારી સોંપાઇ છે તેની પ્રક્રિયાનો કુલપતિઓની આજની બેઠકથી પ્રારંભ થયો છે. આજની ચર્ચાના આધારે જે રોડમેપ તૈયાર થશે તે પ્રમાણે આપણે આગળ વધીશુ.