ગારિયાધારમાં વાલમરામબાપાની ૧૩૩મી પૂણ્યતિથીની ઉજવણી કરાઇ

210

પૂજ્ય વાલમરામબાપા કે જે વાલમપીર તરીકે પણ ઓળખાય છે. વળી હિન્દુ – મુસ્લીમ એકતાના પ્રતિક રૂપે આ સંતના પરચાઓ પણ અઢળક છે. અને વારે તહેવારે મૂળ ગારિયાધાર સૌરાષ્ટ્ર પંથકના હાલ મોટા શહેરોમાં સ્થાયી થયેલ દેશ વિદેશમાં વસવાટ કરતા શ્રદ્ધાળુઓ વતનમાં આવતા વાલમપીરની જગ્યામાં દર્શન કરી મહંત વજુબાપુના આશીર્વાદ લેવા ચોક્કસ પધારે છે. ઉપરાંત દરેક સમાજના લોકો કોઇપણ ક્ષોભ વિના આ પવિત્રધામની મુલાકાત પૂરેપૂરી શ્રદ્ધાથી અને આસ્થાથી કરે છે.

સૌરાષ્ટ્રના સિદ્ધપુરૂષ સંતોમાં જેની ગણના થાય છે તેવા સંત વાલમરામબાપાની આજરોજ ૧૩૩ મી પૂણ્યતિથી ગારિયાધાર શહેરમાં રંગેચંગે ઉજવવામાં આવી હતી. જેમાં ગારીયાધાર શહેર, પંથક તથા દેશ વિદેશમાં સ્થાયી થયેલ હજારો શ્રદ્ધાળુઓ એ હાજરી આપેલ અને ઉજવણીના ભાગરૂપે અત્રેની પટેલવાડી ખાતે બટુકભોજન તથા પ્રસાદ ગ્રહણ કરેલા. ત્યારબાદ વિશાળ શોભાયાત્રા કે જેમાં ભારતીય સંસ્કૃતિ ધાર્મિક તથા બાળકોને મનોરંજન મળે તેવા જુદા જુદા આકર્ષક ફ્લોટોની સાથે શહેરના રાજમાર્ગો પર નીકળેલ. અને વાતાવરણ ભક્તિમય બનેલ.

વળી ગરમીના આ દિવસોને ધ્યાનમાં લઇ શોભાયાત્રાના રૂટ પર જુદા જુદા મંડળો દ્વારા સરબત, ઠંડા પીણા તથા નાસ્તાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ. વળી ગરમીનો પ્રકોપ ઘટાડવા અને વાતાવરણમાં ઠંડક માટે કેટલીક જગ્યા પર ઠંડકના પાણીના ફુવારાઓ પણ મુકાયા હતા. જેનો લોકોએ આનંદ માણેલ તદઉપરાંત શોભાયાત્રામાં શણગારેલા વાહનો, ઘોડાઓ, બળદગાડાઓ, તથા સાંસ્કૃતિક પરીધાનમાં સજ્જ લોકો એ પણ શોભાયાત્રામાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઝલક આપેલ. આમ સમગ્ર શહેરના રાજમાર્ગો પર ફરી શોભાયાત્રા સાંજે અત્રેની વાલમપીરની જગ્યા પર સમાપન થયેલ. ત્યારબાદ રાત્રીના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ થયેલ જેમાં વિવિધ કલાકારો દ્વારા સંતવાણી તથા ડાયરો કરી હજારો લોકોને મનોરંજન પૂરૂ પાડેલ.