સિવિલના ભોયરામાં દારૂની બોટલોથી ગટરનુ પાણી ભરાયુ

627

ગાંધીનગર સિવિલમાં અનેકવાર દારૂની બોટલો જોવા મળી છે. ઇન્ડોર બિલ્ડીંગની છત હોય, ઓપનીંગ થવાની રાહ જોતી કેન્ટીન હોય કે પછી ઓપિડી બિલ્ડીંગનુ બેઝમેન્ટ. વારંવાર દારૂની બોટલો જોવા મળે છે. હાલમાં પહેલા વરસાદમાં ઓપીડીના ભોયરામાં ગટરના ઢાંકણ આગળ દારુની બોટલો ખડકાઇ ગઇ હતી. પરિણામે વરસાદી પાણી ગટરમાં જતુ અટક્યું હતું. ગંદકી ફેલાવા છતા એસઆઇ પોતાની કચેરીમાં આરામ કરતા હોય છે, સ્થળ પર તપાસ કરવા જતા નથી. ગંદકીને મહામુસીબતે પીઆઇયુ વિભાગે દુર કરી હતી.

ભોયરામાં પાણી કાઢવા પીઆઇયુ વિભાગે મહામહેનત કરી હતી. વારંવાર ગટરમાં હવાનો ફ્‌લો કરાતો હતો, ત્યારબાદ પાણીનો નિકાલ થઇ શક્યો હતો. સિવિલમાં સફાઇની જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટરને હોય છે. જ્યારે સિવિલમાં હાલમાં બે એસઆઇ ફરજ બજાવી રહ્યા છે. જેમાં એક જૂનિયર એસઆઇને સતત સિવિલમાં ક્યાંય ગંદકી જોવા ન મળે તેની જવાબદારી સોપવામાં આવી છે. પરંતુ આ મહાશય મુખ્ય એસઆઇના ખ્વાબમાં રાચી રહ્યા હોવાથી રાઉન્ડ મારવા પણ જતા નથી અને કચેરીમાં બેસીને જ રીપોટીંગ કરી રહ્યા છે. ત્યારે જો એસઆઇ દ્વારા કાયમી ધોરણે તપાસ કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યાઓ સિવિલમાં જોવા ના મળે.

શહેરની સિવિલ હોસ્પિટલ જાણે નશાખોરો માટે બાર બની ગઇ છે. રાત્રિ દરમિયાન સિવિલમાં અનેક પીધેલાઓ બેખોફ ફરતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગમાં પણ દારૂ પીવાની કોઇ નવાઇ નથી. હોસ્પિટલની ઓપિડી બિલ્ડીંગના નીચે આવેલા ભોયરામાં તાજેતરમાં પડેલા વરસાદથી પાણી ભરાઇ ગયુ હતુ. જેને નિકળવાની વ્યવસ્થા કરાઇ છે, પરંતુ દારૂની બોટલો ગટરના ઢાંકણ ઉપર ઢગલો થતા પાણીનો નિકાલ થઇ શકતો ન હતો. ત્યારે પીઆઇયુ વિભાગ દ્વારા આ ગંદકીને લઇને કામગીરી કરાઇ હતી.