તળાજા હાઈવે પર બંધ રહેલા ટ્રક પાછળ લક્ઝરી બસ ઘુસી જતાં બેના ઘટનાસ્થળે મોત

2964

તળાજા-ભાવનગર નેશનલ હાઈવે પર ગત મોડીરાત્રે બંધ રહેલા ટ્રકની પાછળ અમદાવાદ તરફ જતી લકઝરી બસ ધડાકાભેર ઘુસી જતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યા હતા. જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવની જાણ થતા અલંગ અને તળાજા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, તળાજા-ભાવનગર નેશનલ હાઈવે પર ઉનાથી અમદાવાદ જતી ઉમિયા ટ્રાવેલ્સની લક્ઝરી નં.જીજેપ વીટી ૯૯૦૬ તળાજા વોલ્ટ કરી અમદાવાદ જવા નિકળી હતી. ધારડી ગામના પાટીયા પાસે બંધ પડેલ સિમેન્ટ ભરેલ ટોરસ ટ્રક નં.જીજે૧ સીએક્સ ૧૩૯૦ પાછળ લક્ઝરી બસના ચાલક સુભાનભાઈ જમાલભાઈ કુરેશી રહે.ધોબીવાડ, ઉનાએ બેફિકરાઈથી ચલાવી ટ્રકની પાછળ બસ ઘુસાડી દેતાં ટ્રકના ક્લીનર ગંભીરસિંહ ઘેલુભા વઢવાણ ઉ.વ.ર૭ તથા ઉનાના દેલવાડા ગામે રહેતા અને દેલવાડા ગામની સ્કુલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ ધીરજલાલ ભટ્ટ ઉ.વ.૩૮ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ટ્રક ચાલક સુભાન કુરેશી વરજાંગભાઈ રામભાઈ મજેઠીયા ઉ.વ.૪૪ રહે.કાલાપાણ તા.ઉના, નિલેશ પુરૂષોત્તમભાઈ લાડવા ઉ.વ.૪૦ રહે.તલગાજરડાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને બે બાળકોને સામાન્ય ઈજાઓ થતા તળાજા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બનાવની જાણ થતા અલંગ અને તળાજા પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કેસ કાગળો કરી મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા હતા.

Previous articleતળાજા તા.પં. કચેરી મકાનનું લોકાર્પણ
Next articleબે ચોરાઉ મોટરસાયકલ સાથે ઘોઘા જકાતનાકાનો શખ્સ ઝડપાયો