ભારતે ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપી શ્રેણી જીતી

13

માન્ચેસ્ટર,તા.૧૮
રિષભ પંતની વનડે કરિયરની પ્રથમ સદી અને હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડર પ્રદર્શન (૭૧ રન અને ૪ વિકેટ) ની મદદથી ભારતે ઓલ્ટ ટ્રેફર્ડમાં રમાયેલી નિર્ણાયક વનડે મેચમાં ઈંગ્લેન્ડને ૫ વિકેટે પરાજય આપી શ્રેણી ૨-૧થી કબજે કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ ૪૫.૫ ઓવરમાં ૨૫૯ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે ૪૨.૧ ઓવરમાં ૨૬૧ રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. રિષભ પંતે ભારત તરફથી શાનદાર સદી ફટકારતા અણનમ ૧૨૫ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ત્રીજી ઓવરમાં શિખર ધવન (૧) ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ધવન ટોપ્લેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા ૧૭ બોલમાં ૧૭ રન બનાવી ટોપ્લેની ઓવરમાં રૂટના હાથે કેચઆઉટ થયો હતો. વિરાટ કોહલી ફરી મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. કોહલી ૧૭ રન બનાવી ટોપ્લેની ઓવરમાં વિકેટની પાછળ કેચ આઉટ થયો હતો. ભારતે ૩૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવ ૧૬ રન બનાવી આઉટ થયો હતો. ભારતીય ટીમે એક સમયે ૭૨ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને રિષભ પંતે સંકટમાં રહેલી ટીમને બહાર કાઢી હતી. પંત અને પંડ્યાએ પાંચમી વિકેટ માટે ૧૩૩ રનની ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યાએ ૫૫ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૭૧ રન ફટકાર્યા હતા. ભારતના યુવા વિકેટકીપર રિષભ પંતે આજે સ્થિતિ પ્રમાણે બેટિંગ કરી હતી. પંતે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે પંડ્યા સાથે મળીને ભાગીદારી કરી. શરૂઆતમાં ધીમી બેટિંગ કર્યા બાદ રિષભ પંતે ૧૦૬ બોલમાં પોતાના વનડે ક્રિકેટની પ્રથમ સદી ફટકારી હતી. પંતે ૧૦ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તો રિષભ પંત રાહુલ દ્રવિડ અને કેએલ રાહુલ બાદ એશિયાની બહાર સદી ફટકારનાર ભારતનો ત્રીજો વિકેટકીપર બની ગયો છે. રિષભ પંતે ૧૧૩ બોલમાં ૧૬ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ ૧૨૫ રન બનાવ્યા હતા.
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો પ્રથમ નિર્ણય કર્યા બાદ મોહમ્મદ સિરાજે બીજી જ ઓવરમાં ઈંગ્લેન્ડને બે ઝટકા આપ્યા હતા. જોની બેયરસ્ટો અને જો રૂટ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. ઈંગ્લેન્ડે ૧૨ રનમાં બે વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ જેસન રોય (૪૧) અને બેન સ્ટોક્સે ત્રીજી વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી કરી હતી. જેસન રોય ૩૧ બોલમાં ૪૧ રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. બેન સ્ટોક્સ પણ ૨૭ રન બનાવી હાર્દિકનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડે ૭૪ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મોઈન અલી અને જોસ બટલરે પાંચમી વિકેટ માટે ૭૫ રનની ભાગીદારી કરી હતી. મોઈન અલી ૪૪ બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે ૩૪ રન બનાવી જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો. જોસ બટલરે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન ફટકાર્યા હતા. બટલર ૮૦ બોલમાં ૬૦ રન બનાવી આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોન ૨૪ રન બનાવી હાર્દિકનો શિકાર બન્યો હતો. અંતમાં ડેવિડ વિલી ૧૮ અને ક્રિસ ઓવર્ટનના ૩૨ રનની મદદથી ઈંગ્લેન્ડ ૨૫૦ને પાર થવામાં સફળ રહ્યું હતું. વિલી અને ઓવર્ટનને ચહલે આઉટ કર્યા હતા. ભારત તરફથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યો હતો. પંડ્યાએ જેસન રોટ, જોસ બટલર, બેન સ્ટોક્સ અને લિવિંગસ્ટોનની વિકેટ ઝડપી હતી. પંડ્યાએ ૭ ઓવરમાં ૩ મેડન સાથે ૨૪ રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે ૬૦ રન આપીને ત્રણ સફળતા મેળવી હતી. સિરાજને બે અને જાડેજાને પણ એક વિકેટ મળી હતી.

Previous articleસોનમ કપૂર અને આનંદ આહુજા લંચ માટે નીકળ્યા
Next articleલસણ છોલવાની કળા!!! (બખડ જંતર)