રાજુ રદી ડાળે વળગતો નથી તેમાં પણ વિદેશી હાથ છે??? (બખડ જંતર)

11

“ ગિરધરભાઇ. સાવ આવું કાંઇ હોય??” રાજુએ જેમ રસ્તા પર ચાલતી કાર નવજાત ભૂવામાં પલક ઝપકતાં ગરકાવ થાય તેમ આશ્ચર્યમાં ગરકાવ થઇ જઇને પૂછયું.
“ રાજુ.નેપોલિયનને યાદ કર. નેપોલિયને શું કહ્યું છે” મેં રાજુને સવાલ કર્યો.
“ ગિરધરભાઇ. નેપોલિયન કહ્યું છે કે નથીંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધી વર્લ્ડ !!”
રાજુએ રેપિડેકસ ઇંગ્લિશની બુકમાંથી આટલું જ કંઠસ્થ કરેલું. જે ખચકાયા-અચકાયા વિના સડસડાટ બોલી ગયો. ઇંગ્લિશ કડકડાટ સડસડાટ આમ બોલાય, બોસ!!રાજુએ એક સમાચારનું કટિંગ બતાવ્યું.
“રાજુ. આમાં કંઇ નવી વાત છે. આ તો આગુસે ચલી આતી હૈ!” મેં બાવા હિન્દીમાં પ્રતિભાવ આપ્યો.
ગિરધરભાઇ. છોલ છોલ ના કરો. સાવ આવું થોડું હોય?” રાજુના માન્યામાં આવતું ન હોય તેમ નકારમાં માથું ઘુમાવ્યું.
“જો રાજુ આ દેશ પર પહેલીથી વિદેશી તાકાત હાવી રહી છે. આપણે આર્યો પણ વિદેશી તાકાત હતા. ઓરિજનલી દ્રવિડ કે અનાર્ય મૂળ નિવાસી હતા. આર્યો પછી શક, હૂણ,ડચ,વલંદા, ફિરંગી, પોર્ટુગીઝો, અંગ્રેજો, પારસી,અફઘાની,લોદી, ગઝનવી, મોગલોએ આક્રમણ કર્યું. આપણે પરાસ્ત થયા. પછી બધાને દૂધમાં સાકર કે ખાંડની જેમ અથવા પાણીમાં નમક કે મીઠું ભળે તેમ ભળી ગયા!! “ મેં રાજુને વિદેશી તાકાત વિશે માહિતગાર કર્યો.
“ ગિરધરભાઇ.રાજા દશરથ ગાંધાર નરેશની રાજકુમારી કૈકેયીને પરણ્યા હતા.તેની સાથે દાયજામાં મંથરા આવી હતી. જે રામ ભગવાનને રાજ્યાભિષેકથી વંચિત રાખ્યા અને ચૌદ વરસના વનવાસ માટે કારણભૂત બની!!રાજા ધૃતરાષ્ટ્ર પણ ગાંધારીને પરણ્યા હતા, જે વિદેશી તાકાત હતી. જેના સાથે આવેલા શકુનિના કપટથી પાંડવો ધુતમાં રાજપાટ, ધનદૌલત, ઘરેણાગાઠા અને દ્રોપદ્રીને હાર્યા હતા, જે મહાભારતના યુધ્ધનું કારણ બનેલા.શીખ સંપ્રદાયના સ્થાપક ગુરૂ નાનકડી પણ વિદેશી તાકાત હતા જેણે કચ્છો, કિરપાણ, કડું, કંગી,કેશની ભેટ આપી. જગતને અહિંસા અને કરૂણાનો સંદેશ આપનાર ભગવાન બુધ્ધ પણ વિદેશી તાકાત હતા.માર્ગર્શક મંડળમાં સમાવિષ્ટ અને કાયમી પીએમ ઇન વેઇટિંગ એલ.કે.અડવાણી પણ વિદેશી તાકાત હતા!!” રાજુએ ઐતિહાસિક વિગતોનો દાબડો ખીલ્યો!!
“ રાજુ. કોઇ પણ ઘટનાની જવાબદારી ખંખેરી નાંખવા માટે આ ઘટના પાછળ વિદેશી હાથ છે એમ કહી સવા મણ રૂની ( નવી પેઢીને મણના માપમાં ખબર પડશે નહીં. એમના માટે સવામણ= રપ કિલો ગ્રામ!)તળાઇમાં સૂઇ જવાનું .કોઇ દેશી દારું પીને ગટરમાં ગબડી પડે તેમાં પણ વિદેશી હાથ હોય.
ચોમાસામાં રોડ પર ભૂવા પડે તો પણ વિદેશી હાથ હોય.,છોકરો-છોકરી લો ગાર્ડોમાં ઇલુ ઇલુ કરે તેમને પણ વિદેશી હાથ હોય!!!કોઇને પેટમાં દુખે, ટ્રેઇન મોડી પડે, સાઇકલમાં પંકચર પડે, કોઇ અભિનેતાની રીલીઝ થયેલી ફિલ્મ પીટાઇ જાય,કોઇ ગામમાં પ્રાયમસની ઝાળ લાગવાથી પરિણીતાનું અવસાન થાય, પગથિયા ઉતરતા એક પગથિયું ચૂકી જાવ અને ગબડી પડો, કોઇને હાર્ટએટેક આવે તો આવી તમામ ધટના પાછળ માત્ર અને માત્ર વિદેશી હાથ હોય, આજકાલ સ્વદેશી હાથ કયાં કોઇ કામના છે??”મેં રાજુને લાંબુલચ ભાષણ આપ્યું.
“ગિરધરભાઇ. મહિના પહેલાં પાકિસ્તાનના રણની ગરમીના કારણે ભારતમાં વરસાદમાંવિલંબ થયેલો. આમ, તો આજુબાજુના દેશો આર્થિક પાયમાલીના કગાર પર છે. તેમને એક સાંધો અને તેર તૂટે છે. એ એમની સમસ્યામાંથી નવરા પડે તો તેમના હાથ કે પગ આપણને અસ્થિર કરવા વાપરી શકે ને???”રાજુએ પડોશી દેશોની બેહાલી જણાવી.
“ રાજુ દક્ષિણના સંશોધકે મોટી શોધ કરી નાંખી. તેમના મતે ઉત્તરાખંડ, કાશ્મીર અને તેલંગાણામાં વાદળો ફાટવા પાછળ વિદેશી હાથ કે તાકાત છે.રાજુ એમની વાતમાં તથ્ય છે. કેમ કે તેલંગાણા તો પાક્સ્તાન સરહદે વાઘા બોર્ડર પાસે છે!! વાદળોમાં સુતળી બોમ્બ ફોડે એટલે વાદળો ફાટે જ!!!” મેં નવી શોધ રાજુને જણાવી .
આજકાલ મારી ટયુબલાઇટ ડીમ ચાલે છે. ચોક કે સ્ટાર્ટરની તકલીફ લાગે છે. રાજુ રદી અને તેનો પરિવાર રાજુને ડાળે વળગાડવા મથે છે.પરંતું, ક્યાંય મેળ પડતો નથી. મને આમાં પણ વિદેશી હાથ જ લાગે છે!!તમને શું લાગે છે???

– ભરત વૈષ્ણવ

Previous articleઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની વન-ડેમાંથી નિવૃત્તી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે