આને કબુતરબાજી કહેવાય??(બખડ જંતર)

5

મહાલક્ષ્મી મંદિરના ચોગાન કે કોઇ મેદાનમાં ચણ નાંખો અને કબુતરા ગુટરગુ ગુટરગુ કરતાં, પાંખો ફફડાવતાં થોડું ઊડી પાછા ચણે તેવો માહોલ હશે એવી મારી નિર્દોષ અને નમણી કલ્પના હતી.
ઓફિસમાં ટેબલ પર , ખુરશી પર છાજલી પર, કબાટ પર, બારી પર બધે કબુતરા હશે! કંપનીનો માલિક લખનૌના નવાબની માફક જરકસી જામા પહેરીને નવાબી ઠાઠમાઠમાં હશે. તેના કોણીથી ઝુકાવેલા હાથની હથેળીમાં સફેદ રંગનું કબુતર હશે. એકાદું કબુતર લાફા પર બેસીને ચરકપાત કરતું હશે!! કબુતરબાજી માટે તો આવી જ કલ્પના બંધ બેસે!!
મેં વિઝિટિંગ કાર્ડ સિકયોરિટીને દેખાડીને કહ્યું ,” આ કંપનીમાં જવું છે. આ કેરની કેટલામા માળે છે?”
“સર, સાતમા માળે સી વિંગમાં ૧૧૬ નંબરની શોપ છે.” વોચમેને ગાઇડન્સ આપ્યું.
હુ લિફ્ટમાં સાતમા માળે સી વિંગમાં પહોંચ્યો. ૧૧૬ નંબરની શોપમાં જઇ રિસેપ્શનિસ્ટ પાસે ગયો.
“એકસકયુઝ, મી.આ કાર્ડમાં નામ છાપેલ છે તે ભાઇ અહીંયા કામ કરે છે??” મેં રિસેપ્શનિસ્ટને પૂછયું.
“સર. એ અમારી કંપનીના માલિક છે.” પેલી ફટાકડીએ જવાબ આપ્યો.
“ તમારા સરને મળવું છે”અમે પેલા ફેશન બોમ્બને કહ્યું. આજકાલ ધંધા કરનારા રિસેપ્શન્સ્ટ કે પર્સનલ સેક્રેટરી તરીકે ફેશનબોમ્બને નોકરીએ રાખતા હોય છે. અર્ધો બિઝનેસ તેમના લીધે આવતો હોય છે. મણિબેન ટાઇપ હોય તો બિઝનેસની દશા ટાઇટેનિક જેવી થાય!!
“ કબુતરબાજ માટે?” પેલી કેટરીના કેફે પૂછયું.
“હા .મેડમ” મહિલા કર્મચારી જુઓ કે તમારા મુખમાંથી બેન કે સિસ્ટરને બદલે મેડમ શબ્દ જ નીકળે છે. જેને લોકો શિવલરી કહે છે!!!તેણે તેના માલિકની કેબિન દેખાડી. ઇન્ટરકોમ પર ફૂલફૂસાતા અવાજે સ્કેપગોટ મોકલું છું , ડિયર “ તેમ કહ્યું. સામેના છેડેથી” સેન્ડ હીમ હની!” રહેવાયું હશે તેવી મેં કલ્પના કરી. કોર્પોરેટ કલ્ચરમાં આવું બધું સહજ છે!!મેં ડોર પર નોક કર્યું.
“કમ ઇન, પ્લીઝ”અંદરથીમધમાં ઝબકોળ્યો હોય તેવા મીઠા અવાજથી રહેવાયું.હું અંદર ગયો.
“બોલો, કેમ આવવું થયું? વોટ કેન આઇ ડુ ફોર યુ?” ટેબલ પર વીઝેશ ઝા એવીનેઇમ પ્લેટ હતી.
“વેરી રેર એન્ડ યુનિક નેઇમ “ મેં કહ્યું!
“થેંકસ બડી”પ્રોફેશનલ રિસ્પોન્સ.
“તમે આવું કરો છો?”મેં ગુજરાતી અખબારનું પ્રેસ કટિંગ દેખાડીને પૂછયું.
“ હોંવવે. કબુકરબોજી તો અમારે ડોબૌ હોથનો ખેઅલ સીં” માલિક મૂળ મહોણી થઇ જ્યો.
“ કબુતર તો કયાં દેખાય છે?” મેં પૂછયું.
“ કબુતર, મારી સામે છે.” પેલો બોલ્યો
“કોણ?”મેં ભોળા ભાવે પૂછયું!
“ અરે ,તમે! બીજું કોણ?” એ બોલ્યો.
“હું તમને કયાં એંગલથી કબુતર લાગું છું?”મેં અસમંજસથી પૂછયું.
કેમ તમારે ગેરકાયદેસર અમેરિકા, દુબઇ, ઇંગલેંન્ડ કેનેડામાં નોકરી કરવા જવું નથી?” તેણે કન્ફયુઝનમાં આંગળીનો નખ કરડતા પૂછયું.
“ ગેરકાયદેસર જઇ શકાય? કેવી રીતે કેટલો ખર્ચ થાય?”મેં એકસામટા સવાલો પૂછ્યા. “ અમેરિકામાં જવા માટે મેકસિકા કે કેનેડાની સરહદ માઈનસ ડીગ્રીમાં કલાકો-દિવસો ચાલવું પડે. અમેરિકન મિલિટરી ગોળીએ વીંધી નાંખે. ઠંડીમાં માણસ મરી જાય. અમેરિકા ડીપોટ કરીને ભારત મોકલી દે. અહીંયા કાયદા મુજબ કાર્યવાહી થાય. સ્થાનિક ક્રિકેટ ટીમના ખેલાડી બની વિઝિટર વિઝા પર વિદેશ ગયા પછી ત્યાં ગેરકાયદેસર રહી જવાનું. કોઇ ડાન્સ ટીમ કે નાટક ગ્રુપમાં કલાના પરફોર્મન્સ માટે વિદેશ જઇ ત્યાં છૂમંતર થઇ જવાનું. આમાં સામેવાળાની ગરજ જોઇ લાખો કે કરોડો લઇ લેવા એટલે કબુતરબાજી.” પેલાએ વટાણા વેરી દીધા!!
લો કર લો બાત ! આને થોડી કબુતરબાજી કહેવાય? આ તો ગીધબાજી કહેવાય!!બરાબર કે નહીં???

– ભરત વૈષ્ણવ

Previous articleલોકવિદ્યાલય વાળુકડ સંસ્થા ખાતે ટોબેકો પ્રોગ્રામ અંતર્ગત તેમજ વાહકજન્ય રોગો વિશે ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે